Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

વિદ્યાનગર રોડ પરની ડો. હાપાણીની હોસ્પિટલના રૂમમાં કર્મચારી સંજય પરમારનો ફાંસો ખાઇ આપઘાત

ગઇકાલે તો મોટા ભાઇ અને કાકા સાથે સગાનું અવસાન થતાં ચોટીલાના ખેરાણા ગામે મોઢે થવા ગયો'તોઃ ત્યાંથી સાંજે પરત આવ્યા બાદ મોડી રાતે પગલુ ભરી લીધું: કારણ અકળઃ મૃતક મુળ સુરેન્દ્રનગરના રાજપરાનો વતની

રાજકોટ તા. ૧૪: શહેરના વિદ્યાનગર રોડ પર શેરી નં. ૧માં આવેલી ડો. અમિત હાપાણીની જુની પ્રગતિ હોસ્પિટલમાં મેનેજમેન્ટ વિભાગમાં નોકરી કરતાં અને હોસ્પિટલમાં જ કર્મચારીને રહેવા માટે પહેલા માળે અપાયેલા રૂમમાં રહેતાં મુળ સુરેન્દ્રનગરના રાજપરાના સંજય તુલસીભાઇ પરમાર (ઉ.૨૭) નામના વાલ્મિકી યુવાને રાતે રૂમમાં પંખાના હુકમાં કોઇ કપડુ બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં હોસ્પિટલના તેના સાથી કર્મચારીઓમાં અને તબિબી સ્ટાફ, નર્સિંગ સ્ટાફમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

મોડી રાતે એક કર્મચારીએ કામ માટે સંજય જે રૂમમાં હતો તેનું બારણુ વારંવાર ખખડાવવા છતાં નહિ ખોલવામાં આવતાં બીજા રૂમમાંથી સંજય જ્યાં હતો એ રૂમમાં જઇ તપાસ કરતાં તે લટકતો દેખાતાં તે હતપ્રભ થઇ ગયો હતો. તેણે બીજા કર્મચારીઓને અને સંજયના રેફયુજી કોલોનીમાં રહેતાં મોટા ભાઇ વિજયભાઇ પરમારને જાણ કરી હતી. ૧૦૮ મારફત જાણ થતાં એ-ડિવીઝનના એએસઆઇ કે. સી. સોઢા તથા દેવાંગભાઇએ ઘટના સ્થળે પહોંચી પંચનામુ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

આપઘાત કરનાર સંજય બે ભાઇમાં નાનો અને કુંવારો હતો. તેના માતા-પિતા હયાત નથી. મુળ રાજપરાનો વતની હતો. પરંતુ વર્ષોથી રાજકોટ સ્થાયી થયો હતો અને કેટલાક વર્ષથી ડો. અમિત હપાણીની હોસ્પિટલમાં નોકરી કરતો હતો. તેના ભાઇ વિજયભાઇના કહેવા મુજબ ગઇકાલે અમારા સગા ભુપતભાઇ શીવાભાઇ પરમાર કે જે ચોટીલાના ખોરાણા ગામે રહે છે તેમનું અવસાન થયું હોઇ હું અને કાકા તથા સંજય ત્યાં મોઢે થવા ગયા હતાં. સંજયએ ગઇકાલે રજા મુકી હતી. સાંજે છ પછી હું તેને પરત હોસ્પિટલે મુકી આવ્યો હતો. તે ત્યાં જ રહેતો હતો. મોડી રાતે તેણે આ પગલુ ભરી લીધાની જાણ થઇ હતી. તેને કોઇ તકલીફ નહોતી. ગઇકાલે આખો દિવસ અમારી સાથે જ હતો. છતાં તે કોઇ ટેન્શનમાં હોય તેવી અણસાર પણ અમને આવવા દીધી નહોતી. તેણે આ પગલુ કયા કારણોસર ભર્યુ છે તે વિશે અમને પણ જાણ નથી. અમને કોઇ પર શંકા પણ નથી. સંજયએ અંગત કારણોસર જાતે જ આ પગલુ ભર્યાનું અમારું માનવું છે.  તેમ વધુમાં વિજયભાઇએ જણાવ્યું હતું. પોલીસે કારણ શોધવા વિશેષ તપાસ યથાવત રાખી છે.

(11:43 am IST)