Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ગાંધીગ્રામના પીઆઇ વાળાને એસીબીમાં ફસાવવાના કાવત્રામાં પીએસઆઇ જેબલીયા સહિત ત્રણેય ભૂગર્ભમાં: સસ્પેન્ડ કરાયા

જેબલીયા તથા બે કોન્સ. પ્રશાંત રાઠોડ અને પ્રતાપ કરપડાના મોબાઇલ ફોન બંધઃ પીઆઇ અને રાઇટર રશ્મીનભાઇ પટેલના નિવેદનો નોંધાયાઃ મજબુત પુરાવા એકઠા કરવા કવાયત : એસીપી દિયોરાની રાહબરીમાં પીઆઇ આર.એસ. ઠાકર, ગિરીરાજસિંહ જાડેજા સહિતની ટીમ કરી રહી છે તપાસ

રાજકોટ તા. ૧૪: શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે. એ. વાળાએ કરાવેલી બદલીને કારણે ગીન્નાયેલા આ પોલીસ મથકના જ પીએસઆઇ એમ. બી. જેબલીયા તથા અન્ય બે કોન્સ્ટેબલ પ્રતાપભાઇ કરપડા તથા પ્રશાંતભાઇ રાઠોડ સામે નોંધાયેલા ગુનામાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર. એસ. ઠાકર અને ટીમે ઉચ્ચ અધિકારીની રાહબરી હેઠળ તપાસ શરૂ કરી છે. આ દરમિયાન પીએસઆઇ જેબલીયા અને બે કર્મચારી પોતાના ફોન બંધ કરી ગાયબ થઇ ગયા છે. આ ત્રણેયને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તાકીદે સસ્પેન્ડ કરી દીધા છે. ફરિયાદી યુવાનના ઘરે તપાસ કરતાં પીએસઆઇ જેબલીયા સહિતના ત્યાં ગયા હોવાના સીસીટીવી ફૂટેજ પણ મળતાં તપાસના કામે ફુટેજ કબ્જે કરાયા છે.

સમગ્ર પોલીસબેડામાં ચકચાર જગાવનારા આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે માધાપર ચોકડી પાસે મહાવીર રેસિડેન્સીમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં અંકિત બકુલભાઇ શાહ (ઉ.૩૧)ની ફરિયાદ પરથી પીએસઆઇ જેબલીયા, બે પોલીસ કર્મચારી અને વિશાલ નામના એક શખ્સ સહિત ચાર સામે ગુનો નોંધ્યો હતો. અંકિતે ફરિયાદમાં જણાવ્યું હતું કે ૧૮/૬/૨૦ના રોજ અમારા ઘરના પાર્કિંગમાં દારૂનો દરોડો પાડી મારા મોટા ભાઇ નમનની કારમાંથી ૨૮ બોટલ દારૂ કબ્જે કરાયો હતો. મારો ભાઇ મળ્યો નહોતો. તેને પોલીસ શોધતી હતી. એ વખતે હું જામખંભાળીયા હતો. એ પછી બપોરે હું મારા ઘરે આવીગયો હતો. ત્યારબાદ મને ગાંધીગ્રામના કોન્સ. પ્રતાપભાઇએ ફોન કર્યો હતો અને મારું કામ છે એમ કહી પ્રતાપભાઇ તથા પ્રશાંતભાઇ આવ્યા હતાં.

પાર્કિંગમાં જ મને આ બંને મળ્યા હતાં અને કહ્યુ઼ હતું કે પીએસઆઇ જેબલીયાને પીઆઇ વાળા સાથે વાંધો ચાલે છે. તેથી તને પીએસઆઇ જેબલીયા બોલાવે છે. મેં સાથે જવાની ના પાડતાં મને બળજબરીથી અપહરણ કરી બાઇકમાં બેસાડી નાણાવટી ચોકમાં લાવ્યા હતાં અને ત્યાં સફેદ કારમાં પીએસઆઇ એમ. બી. જેબલીયા બેઠા હોઇ મને તેમાં બેસાડ્યો હતો. એ પછી પીએસઆઇ જેબલીયાએ કહેલ કે મારી, પ્રતાપભાઇની પીઆઇ વાળાસાહેબે બદલી કરાવી નાંખી છે. પ્રશાંતભાઇને પણ તેની સાથે વાંધો ચાલે છે. અમે કહીએ તેમ તુ નહિ કર તો તારા ભાઇ વિરૂધ્ધના ગુનામાં તારું નામ પણ ખોલાવશું.

અંકિતે ફરિયાદમાં આગળ જણાવ્યું હતું કે આવી વારંવાર ધમકીઓ અપાતા અંતે પોતે પીઆઇ વાળાને મળવા ગયો હતો અને ત્યાં જઇ પોતાના ભાઇનું દારૂનું કેસમાં નામ હોઇ તેને હાજર કરવો છે તેવી વાત કરતાં પીઆઇ વાળાએ ગેટઆઉટ કહી કાઢી મુકયો હતો. જતાં જતાં તેણે પોતે પીએસઆઇ એમ. બી. જેબલીયા સહિતના કઇ રીતે હેરાન કરે છે તેની વિગતો સાથેની ચિઠ્ઠી આપતો ગયો હતો. આ ચિઠ્ઠી બાદમાં પીઆઇ વાળાએ પોલીસ કમિશનર સુધી પહોંચાડી હતી. જેમાં કઇ રીતે પીએસઆઇ જેબલીયા તથા કોન્સ્ટેબલ રાઠોડ અને કરપડા તથા વિશાલ નામનો શખ્સ પીઆઇ વાળા તથા રાઇટર રશ્મીનભાઇ પટેલ અને પીએસઆઇ પટેલને ફસાવવા માંગે છે તે સહિતની વિગતો હતી.

આ પછી ગાંધીગ્રામ પોલીસ મથકમાં અંકિતની ફરિયાદ પરથી ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ આર. એસ. ઠાકર, ગિરીરાજસિંહ જાડેજા સહિતની ટીમે હાથ ધરી હતી. પીએસઆઇ જેબલીયા અને કોન્સ. રાઠોડ તથા કરપડા ફોન બંધ કરી ગાયબ થઇ ગયા હોઇ તેની શોધખોળ થઇ રહી છે. પોલીસે પુરાવાના કામે સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા છે. પીએસઆઇ એમ. બી. જેબલીયા અને કોન્સ્ટેબલ ૨૯મીની રાતે અંકિતના ઘરે ગયા હોવાના આ ફૂટેજ છે.

દરમિયાન તપાસના કામે પીઆઇ કે. એ. વાળા અને રાઇટર રશ્મીનભાઇ પટેલના નિવેદન નોંધવામાં આવ્યા છે.  ફરિયાદ મુજબની હકિકતને નિવેદનમાં સમર્થન મળી રહ્યું છે. ખુદ પીએસઆઇ અને બીજા કોન્સ્ટેબલોએ પોતાના જ થાણાના પીઆઇ સહિતને એસીબીમાં ફસાવી દેવાનું કાવત્રુ ઘડ્યાની આ ઘટનાએ સમગ્ર પોલીસબેડામાં ખળભળાટ મચાવી દેતાં હાલ તુર્ત ફરાર થઇ ગયેલા આ ત્રણેયને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી દીધા છે.

ત્રણેયને બે દિવસમાં હાજર થવા નોટીસ ફટકારાઇ

. દરમિયાન તપાસનીશ અધિકારીએ જણાવ્યું છે કે જેની સામે ગુનો નોંધાયો છે એ પીએસઆઇ અને બે પોલીસ કર્મચારી ફોન બંધ કરી ગાયબ થઇ ગયા હોઇ ત્રણેયને બે દિવસમાં તપાસનીશ સમક્ષ હાજર થઇ જવાના ફરમાન સાથેની નોટીસ ફટકારવામાં આવી છે.

(3:19 pm IST)