Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં એન્ટીઝન ટેસ્ટ શરૂ કરાશે

સિવિલ હોસ્પિટલમાં ઓપીડીના ઈન્ચાર્જોએ અધિકારીઓનું ધ્યાન દોરવુ : 'ઈતિહાસ' નામનો સોફટવેર હિસ્ટ્રી રાખશે : દવાનો પુરતો જથ્થો છે, જરૂર પડે તો વધુ પણ અપાશે : સિવિલ હોસ્પિટલમાં દરેક ફલોર ઉપર એક - એક ઈન્ચાર્જ મૂકવા આદેશ : તમામ અધિકારીઓ સાથેની મીટીંગમાં જયંતિ રવિનો નિર્દેશ

રાજકોટ, તા. ૧૪ : રાજયના આરોગ્ય સચિવ જયંતિ રવિ ગઈકાલ સાંજથી રાજકોટમાં છે. કોરોનાને કાબુમાં લાવવા રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગરની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે તેઓએ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં એન્ટીઝન ટેસ્ટ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

જયંતિ રવિએ રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મ્યુ.કમિશ્નર ઉદીત અગ્રવાલ સહિત ટોચના અધિકારીઓ સાથે યોજેલ મીટીંગમાં જણાવ્યુ હતું કે આગામી એક થી બે દિવસમાં જ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં એન્ટીઝન (રેપીડ ટેસ્ટ) શરૂ કરવામાં આવશે. આ ટેસ્ટ કરવાથી ૩૦ મિનિટમાં રીઝલ્ટ આવી જતુ હોય છે. દરેક જીલ્લાને બે થી અઢી હજારનો જથ્થો આપવામાં આવશે.

ટોચના સૂત્રોએ જણાવેલ કે સિવિલ હોસ્પિટલમાં હવેથી દરેક ફલોર ઉપર એક - એક ઈન્ચાર્જ મૂકવામાં આવશે. જે કોરોનાના કેસોની યાદી ઝડપી ઉચ્ચ અધિકારીઓને સોંપશે.

આ ઉપરાંત જયંતિ રવિએ જણાવેલ કે હાલમાં દવાનો જથ્થો પુરતા પ્રમાણમાં છે અને જરૂર પડ્યે વધુ જથ્થો પણ આપવામાં આવશે. તેમજ ધનવંતરી રથ શરૂ કરે એ પહેલા દરેક વોર્ડમાં મીટીંગો કરવામાં આવશે.

સિવિલ હોસ્પિટલોમાં ઓપીડી વિભાગમાં ઈન્ચાર્જની નિમણુંક કરવામાં આવેલી હોય છે. તેને તુરંત જ રિપોર્ટ આપી ઉચ્ચ અધિકારીઓને પણ તુરંત ધ્યાન દોરવા સુચન કર્યુ હતું.

 આ ઉપરાંત 'ઈતિહાસ' નામનો સોફટવેર બનાવવામાં આવ્યો છે. આ સોફટવેરમાં કોરોનાના કેસોની હિસ્ટ્રી રાખવામાં આવે છે જે વિસ્તારોમાં કેસો વધુ હોય એ વિસ્તારોની યાદી બનાવી એ વિસ્તાર અને અધિકારીઓને સોંપવામાં આવશે.

(3:20 pm IST)