Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ખોડલધામ ટ્રસ્ટમાંથી પરેશ ગજેરાનું રાજીનામુઃ ચાર્જ સંભાળતા નરેશ પટેલ

પરેશ ગજેરાએ જ વ્યસ્તતાના કારણે વિનંતી કરી હતીઃ કોઈ વાદ-વિવાદ હોય જ ના શકેઃ સમાજના સૌ સાથે મળીને કામે લાગી જવા નરેશભાઇની અપીલઃ અકિલા સાથે નરેશભાઈ પટેલની વાતચીત

રાજકોટ તા.૧૪:. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખપદેથી પરેશ ગજેરાએ આજે રાજીનામુ આપી દીધું છે. હાલ તૂર્ત ટ્રસ્ટના ચેરમેન ઉપરાંત પ્રમુખપદનો ચાર્જ પણ નરેશભાઇ પટેલ પાસે જ રહેશે તેમણે આજે ચાર્જ સંભાળી લીધો છે. આ લખાય છે ત્યારે 'અકિલા' સાથેની વાતચીતમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે પરેશ ગજેરા નાનો ભાઇ છે. તેણે જ પોતાની વ્યસ્તતાના કારણે છેલ્લા થોડા સમયથી વિનંતી કરી હતી  જે આજે સ્વિકારી છે. નરેશભાઇએ લેઉવા સમાજના સોૈને અપીલ કરી હતી કે સોૈ સાથે મળીને કામે લાગી જઇએ ટૂંકમાં હજુ ઘણા કામો કરવાનાં બાકી છે.

આજે સવારે પરેશભાઇ ગજેરાએ રાજીનામુ આપી દેતા ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલે આજથી જ પ્રમુખપદનો ચાર્જ પણ સંભાળી લીધો છે. સંભવત આવતીકાલે ધંધાકીય પ્રવાસ અર્થે સિંગાપોર જનારા નરેશભાઇ પટેલ પાછા આવ્યા બાદ ટ્રસ્ટીમંડળની બેઠક બોલાવશે.

અકિલા સાથેની વાતચીત દરમ્યાન નરેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ટ્રસ્ટમાં એકતા અને ભાઈચારાનું વાતાવરણ છે. મા ખોડલના ટ્રસ્ટમાં વાદ કે વિવાદને કોઈ સ્થાન નથી. પરેશ પોતે જ વ્યસ્તતાના કારણે મને આગ્રહપૂર્વક જવાબદારી યુકત થવા કહેતો હતો જે અંગે આજે હકારાત્મક વાતાવરણમાં રાજીનામુ સ્વીકારાયુ છે.

પરેશ ગજેરા રાજકોટ બિલ્ડર એસો. અને ગુજરાત એસોસીએશનમાં પણ પ્રમુખ પદ સંભાળે છે. જેથી પરેશે જ મને વિનંતી કરેલ કે જો મને પ્રમુખ પદમાંથી મુકત કરવામાં આવે તો તે પોતાની અન્ય જવાબદારીઓ વધુ સારી રીતે નિભાવી શકે.

ચેરમેન અને પ્રમુખ પદે પોતે જ કાર્યભાર સંભાળશે તેમ જણાવીને તેમણે અકિલાના માધ્યમથી સમસ્ત લેઉવા પટેલ સમાજના તમામ આગેવાનો તથા કાર્યકરોને સૌ સાથે મળીને સમાજના કામે લાગી જવા પણ અપીલ કરી હતી.(૨-૨૧)

(4:05 pm IST)