Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

જમ્મુના રાજૌરીની ગનશોપના સંચાલકે જ ૩૦-૩૦ હજારમાં ગનના નકલી લાયસન્સ કાઢી આપ્યાનું પાંચેયનું રટણ!

રાજકોટમાં બોગસ ગન લાયસન્સને આધારે નોકરી કરતાં પાંચ સિકયુરીટી ગાર્ડ ઝડપાયાઃ ત્રણ ગુના દાખલ : એસઓજીના આર. કે. જાડેજા, મોહિતસિંહ, કૃપાલસિંહની બાતમીઃ ડીસીપી ડો. કરણરાજ વાઘેલા અને પીએસઆઇ ઓ. પી. સિસોદીયાએ રાજોૈરી ખાતે અધિકારીઓનો સંપર્ક કરી વિગતો મેળવી : રૂ. ૧,૯૫,૬૦૦ની પાંચ રાયફલ, ૫૬ જીવતા કાર્ટીસ કબ્જેઃ પાંચેયના રિમાન્ડ મેળવવા તજવીજ : તપાસનો દોર જમ્મુ સુધી લંબાશે

તસ્વીરમાં પી.આઇ. એસ. એન. ગડુ, પીએસઆઇ ઓ. પી. સિસોદીયા, એચ. એમ. રાણા તથા ટીમ એસઓજી અને કબ્જે થયેલી રાયફલ્સ તેમજ પકડાયેલા જમ્મુ રાજોૈરીના પાંચ સિકયુરીટી ગાર્ડ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૪: શહેરની જુદી-જુદી સિકયુરીટી એજન્સઓમાં બોગસ ગન લાયસન્સ રજૂ કરી સિકયુરીટી ગાર્ડની નોકરી મેળવી લેનારા જમ્મુ કાશ્મીના રાજોૈરીના પાંચ રાજપૂત શખ્સોને એસઓજીએ પકડી લઇ પાંચ રાયફલ, ૫૬ જીવતા કાર્ટીસ મળી રૂ. ૧,૯૫,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક પુછતાછમાં આ પાંચેય જણાએ પોતાને નકલી ગન લાયસન્સ રાજોૈરીના ગનશોપના સંચાલકે જ કાઢી આપ્યાનું રટણ કરતાં સાચી વિગતો ઓકાવવા તેના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

અષાઢી બીજની રથયાત્રા પૂર્વે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીના, ડો. કરણરાજ વાઘેલા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીએ ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા સુચના આપી હોઇ તે અંતર્ગત પી.આઇ. એસ. એન. ગડુની રાહબરીમાં એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. આર. કે. જાડેજા, કોન્સ. મોહિતસિંહ જાડેજા અને ક્રિપાલસિંહ ચુડાસમાને બાતમી મળી હતી કે ભોમેશ્વર જાગૃતિ શ્રમજીવી-૮માં રહેતાં અને સિકયુરીટી તરીકે નોકરી કરતાં મુળ જમ્મુના રાજોૈરીના પંજનારા ગામના કમલસિંગ ક્રિષ્નલાલ રાજપૂત, રોમેશસિંગ હરિસિંગ રાજપૂત  તેમજ કિસાનપરા ચોક પાસે મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટ પાછળના ભાગે મફતિયાપરામાં રહેતાં સુરજીતસિંગ બલદેવસિંગ રાજપૂત, કાશ્મીરીસિંગ મસ્તરામસિંગ રાજપૂત અને દિલીપસિંહ નૈનસિંગ રાજપૂત શહેરમાં જુદા-જુદા સ્થળે સિકયુરીટી તરીકે નોકરી કરે છે અને તેની પાસે જે ગન છે તેના લાયસન્સ બોગસ છે.

આ બાતમી પરથી પીએસઆઇ ઓ. પી. સિસોદીયા, એચ. એમ. રાણા, આરે. કે. જાડેજા, ધર્મેન્દ્રસિંહ રાણા, વિજયભાઇ શુકલ, વિજેન્દ્રસિંહ ઝાલા, મોહિતસિંહ જાડેજા, રાજેશભાઇ ગીડા, યુવરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ચુડાસમા, બ્રિજરાજસિંહ ઝાલા, અનિલસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ પરમાર, કૃષ્ણસિંહ ઝાલા, રણછોડભાઇ આલ, જયવીરભાઇ ગઢવી, જીતુભા ઝાલા, ગિરીરાજસિંહ ઝાલા અને જાડેજા, નિર્મળસિંહ ઝાલા અને મેહુલભાઇ મઢવીની ટીમે પાંચેય શખ્સોને સકંજામાં લીધા હતાં.

તેની પાસેની રાયફલ અંગેના લાયસન્સની તપાસ કરતાં તે નકલી હોવાનું જણાતાં પાંચેય સામે અલગ-અલગ ત્રણ ગુના આઇપીસી ૪૬૫, ૪૬૬, ૪૮૬, ૪૭૧,  આર્મ્સ એકટ મુજબ નોંધી ધરપકડ કરવામાં આવી છે. આ પાંચેયે સિકયુરીટીની નોકરી મેળવવા બનાવટી હથીયાર લાયસન્સ ઉભા કરી તેમાં રાજોૈરી એડીશનલ કલેકટરશ્રીના ખોટા સહિ સિક્કાઓ કરાવી હથીયાર લાયસન્સમાં ખોટી વિગતો દર્શાવી આ લાયસન્સ અસલી હોવાનું જે તે સિકયુરીટી એજન્સીને જણાવી નોકરી મેળવી લીધી હતી. છેલ્લા ત્રણ-ચાર મહિનાઓથી આ પાંચેય જમ્મુથી રાજકોટ આવી નોકરી કરતાં હતંાં.

ડીસીપી ડો. કરણરાજ વાઘેલા અને પીએસઆઇ ઓ. પી. સિસોદીયાએ રાજોૈરી ખાતેના કલેકટરશ્રી તેમજ એસપીશ્રીનો આ મામલે વિગતો મેળવવા સંપર્ક કરી ભારે જહેમત ઉઠાવી હતી. હાલ તો આ પાંચેય શખ્સો રાજોૈરીની ગન શોપના સંચાલકે જ ૩૦-૩૦ હજાર રૂપિયામાં બોગસ લાયસન્સ કાઢી આપ્યાનું રટણ કરે છે. આ શખ્સો સાચુ બોલે છે કે કેમ? તે અંગે વિશેષ તપાસ કરવાની હોઇ રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

જન્મ તારીખ જોતાં ૧૨ અને ૧૪ વર્ષે લાયસન્સ ઇશ્યુ થયાનું જણાતાં ભાંડો ફુટ્યો

. એસઓજીએ પકડાયેલા પાંચેયના આધાર કાર્ડની જન્મ તારીખ અને ગન લાયસન્સ ઇશ્યુ થયાની તારીખ તપાસી હતી. જેમાં બે સિકયુરીટી ગાર્ડ તો એવા હતાં જેને ૧૨ અને ૧૪ વર્ષની ઉમરના હોય ત્યારે ગન લાયસન્સ ઇશ્યુ થયાનું જણાયું હતું. આ મુદ્દા પરથી જ ગન લાયસન્સ નકલી હોવાનું સ્પષ્ટ થતાં ગુના દાખલ કરાયા હતાં.

(12:44 pm IST)