Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

બિલ્ડર જે. પી. બિલ્ડીંગ વેચવા પણ નથી દેતાં ને મારા ૪ કરોડ પણ આપતા નથી, હવે મરવા સિવાય રસ્તો નથીઃ ચિઠ્ઠી લખી વિજય પટેલ પત્નિ-પુત્રી સાથે ગૂમ

રાજકોટમાં ૨૦૧૩માં ટ્યુશન ક્લાસીસ સંચાલકે કેકેવી ચોકમાં બનાવેલા બિલ્ડીંગમાં પ્રદ્યુમન બિલ્ડર ગ્રુપના જે. પી. જાડેજાને પાર્ટનર તરીકે જાડી ૩૦ ટકા હિસ્સો આપ્યો’તોઃ તેણે બાદમાં પી.એન. એસોસિએટનો હિસ્સો પોતાના નામે છેતરપીંડીથી કરી લીધાનો આક્ષેપ : પોલીસ કમિશનર અને જે.પી.ને સંબોધીને ચિઠ્ઠીઓ લખીઃ વિજયભાઇના ભાઇ કિરણભાઇ પટેલે ગૂમ થયાની જાણ કરતાં પોલીસ તપાસનો ધમધમાટઃ વિજયભાઇનો મોબાઇલ સતત બંધ આવતાં પરિવારની ચિંતા વધી

ગૂમ થયેલા વિજયભાઇ મકવાણા (પટેલ), તેમના પત્નિ અને પુત્રી

રાજકોટ તા. ૧૪: કાલાવડ રોડ પર પ્રદ્યુમન ગ્રીનસીટીમાં રહેતાં અને ટ્યુશન કલાસ ચલાવતાં વિજયભાઇ ગોરધનભાઇ મકવાણા (પટેલ) (ઉ.વ.૪૦) તા. ૧૧/૬ના શુક્રવારે બપોરના બારેક વાગ્યે મંદિરે જવાનું કહીને પોતાના પત્નિ કાજલબેન (ઉ.વ.૩૬) તથા પુત્રી નિયતી (ઉ.વ.૧૧) સાથે ઘરેથી નીકળ્યા બાદ ભેદી રીતે ગૂમ થઇ જતાં ચકચાર જાગી છે. ઘરમાંથી વિજયભાઇએ લખેલી એક ચિઠ્ઠી મળી આવતાં અને તેમાં પ્રદ્યુમન બિલ્ડરવાળા જે. પી. જાડેજાએ છેતરપીંડી કર્યાની તેમજ જે. પી. જાડેજા જો પોતાને લેણી રકમ ૪ કરોડ નહિ આપે તો પોતાને સામુહિક આપઘાત કરી લેશે તેવી ચિમકી ઉચ્ચારી હોઇ આ ચિઠ્ઠી સાથે તેમના ભાઇ કિરણભાઇ મકવાણા (ઉ.વ.૪૫)એ તાલુકા પોલીસમાં ત્રણેય ગૂમ થયાની જાણ રવિવારે બપોરે કરતાં પોલીસે તપાસ કરી છે.

પોલીસે ગૂમ થયાની નોંધ કરી તુરત જ તપાસ શરૂ કરી છે. પરંતુ વિજયભાઇનો ફોન સતત બંધ આવી રહ્યો હોઇ લોકેશન મળતું ન હોઇ પરિવારજનોની ચિંતા વધી ગઇ છે. વિજયભાઇએ પોલીસ કમિશનર અને જે. પી. જાડેજાને સંબોધીને પત્ર લખ્યા છે. આ પત્રો પણ પોલીસ સમક્ષ રજુ કરવામાં આવ્યા છે.

પોલીસ કમિશનરશ્રીને સંબોધીને વિજયભાઇએ લખ્યું છે કે-મારા કુટુંબના ત્રણ સભ્યો દ્વારા કરવામાં આવેલા સામુહિક આપઘાત પાછળ એકમાત્ર વ્યકિત જે. પી. જાડેજા (જ્યોતિભાઇ જાડેજા) પ્રદ્યુમન બિલ્ડર ગ્રુપવાળા છે. જેની વિગત આ મુજબ છે.

હું છેલ્લા વીસ વર્ષથી ટ્યુશન કલાસ કરીને જીવન નિર્વાહ ચલાવતો હોત. ધંધાના વિકાસ માટે ૨૦૧૩માં કેકેવી હોલ પાસે મોટુ બિલ્ડીંગ બનાવ્યું હતું. જેમાં બાલાભાઇ આંદીપરા ૩૩ ટકા ભાગમાં હતાં. પરંતુ તેમનાથી પૈસાનો મેળ ન થતાં બીજા પાર્ટનરની શોધ કરી હતી. પણ તાત્કાલીક પાર્ટનર ન મળતાં જે. પી. જાડેજા પાસેથી રૂ. ૨.૫ કરોડ વ્યાજે લઇ સિકયુરીટી પેટે તેને બિલ્ડીંગમાં ૩૦ ટકા હિસ્સો આપ્યો હતો. એટલુ જ નહિ તેમના કહેાવથી પી.એન. એસોસિએટ નામની ભાગીદારી પેઢી બનાવી હતી. જેમાં સિત્તેર ટકા હિસ્સો મારો અને મારા ભાઇનો તથા ૩૦ ટકા હિસ્સો જે. પી. જાડેજાનો હતો. હું તેમને અઢી કરોડના ત્રણ ટકા વ્યાજ પેટે તેમને દર મહિને ૭ાા લાખ ચુકવતો હતો. આજ સુધી રેગ્યુલર વ્યાજ આપ્યું હતું.

પરંતુ થોડા સમય પછી આર.એમ.સી. દ્વારા ટેકનીકલ કારણઅ ાગળ ધરીને બિલ્ડીંગનું કામ બંધ કરાવવામાં આવ્યું હતું. આ પ્રકરણ ખુબ લાંબુ ચાલ્યું આવ્યું હતું. આને કારણે બિલ્ડીંગમાં ચાલતો ધંધો બંધ થઇ જતાં હું આર્થિક ભીંસમાં આવી ગયો હતો. વર્ષ ૨૦૧૯માં એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી કે અમારી પાસે બેંકમાંથી લીધેલી લોન ભરવાના પૈસા પણ નહોતાં. આ સમયે જે. પી. જાડેજાને વ્યાજ આપવામાં પણ વહેલા મોડુ થવા લાગ્યું હતું. તેના તરફથી પણ અવાર-નવાર ધાકધમકી મળવા લાગી હતી. જેના સાક્ષી રૂપે અમારી ઓફિસમાં કામ કરતાં સ્ટાફને પુછી શકો છો.

૨૦૧૯માં જે. પી. જાડેજાએ એવું કીધું કે હવે તમે બેંકના હપ્તા ભરી શકતા નથી તેથી મારા ઘરે નોટિસ આવે છે. એ નહિ ભરો તો બિલ્ડીંગ સીલ કરી દેશે અને મારા ૨.૫ કરોડ પણ જાશે. અત્યારે બેંકની લોક (૬.૮૦ કરોડ અંદાજે) ભરી દવ એટલે મારે તમારી પાસે ૬.૮૦+૨.૫ એટલે કે ૯.૩ કરોડ લેવાના નીકળશે એવું તેમણે કહેતાં અમે તેને આ બિલ્ડીંગ લઇ લો તેમ કહેતાં તેણે બિલ્ડીંગની કિંમત ૧૫ કરોડ ગણાય માટે આટલુ મોટુ રોકાણ શા માટે કરવું?  જેથી તેણે કહેલું કે અત્યારે હું બેંકની લોન ભરી દઉ જ્યારે બિલ્ડીંગ વેંચાય ત્યારે મારે મારા ૯.૩ કરોડ ઉપરાંત વ્યાજ મેળવીને તમારે ઉપરના પૈસા મને આપવાના રહેશે.  તે વખતે મારી પાસે બીજો કોઇ રસ્તો ન હોઇ હું સહમત થઇ ગયો હતો. એ પછી  બેંકમાં લોન ભરવા માટે ડોકયુમેન્ટ વખતે તેમની પેઢી પી.એન. એસોસિએટમાં તેનો જે હિસ્સે હતો તે છેતરપીંડીથી પોતાના નામે કરી લીધો હતો. એટલુ જ નહિ સબરજીસ્ટ્રાર કચેરીમાં પણ તેની કોઇ નોંધ કરાવી નહોતી. હું કે મારા ભાઇ કિરણભાઇ બિલ્ડીંગનો અમારો ૭૦ ટકા હિસ્સો વેંચવા સબરજીસ્ટ્રાર કચેરીમાં ગયા પણ નથી.

ચિઠ્ઠીમાં વિજયભાઇએ આગળ લખ્યું છે કે-હવે જે. પી. જાડેજા બિલ્ડીંગ વેંચવા નથી દેતાં અને અમારા ચાર કરોડ રૂપિયા લેણા નીકળે છે એ પણ આપતાં નથી. આ કારણે હવે ઘર ખર્ચના પૈસા પણ વધ્યા નથી. છોકરાઓને બે વર્ષથી ભણાવવાના પૈસા પણ નથી. બિલ્ડીંગ પાછળ મારું સર્વસ્વ લૂંટાવી દીધુ છે. તેમાં નીકળતાં પૈસા પાછા ન મળતા હવે મરવા સિવાય કોઇ રસ્તો દેખાતો નથી. મારટે આ પગલુ ભર્યુ છે. જેથી સંપુર્ણ જવાબદારી જે. પી. જાડેજા એટલે કે જ્યોતિભાઇ જાડેજાની છે.

બીજી ચિઠ્ઠી વિજયભાઇએ જે. પી. જાડેજાને સંબોધીને લખી છે. તેમાં લખ્યું છે કે-વકિલશ્રી જે. પી. જાડેજા, આજે ૧૦ જુન ૨૦૨૧. હું આપને મળવા આવ્યો હતો અને તમને જણાવ્યા મુજબ એક વ્યકિત આ બિલ્ડીંગ ખરીદવામાં રસ ધરાવે છે. આપનો જવાબ એવો હતો કે ના ના હવે નથી વેંચવું તો બિલ્ડીંગ તમારા બાપાનું છે?

આ સમયે હું એટલુ જ કહિશ કે આપણે જે પ્રમાણે વાત થઇ છે તે પ્રમાણે તમને આ બિલ્ડીંગ રાખવામાં રસ નથી. માટે જે તે સમયે તમે જ બોલ્યા હતાં કે બિલ્ડીંગની કિંમત ૧૫ થી ૧૬ કરોડ ગણાય. પરંતુ અત્યારે કોઇ ખરીદનાર નથી. હવે આપ બિલ્ડીંગ રાખવા માંગો છો તો ઉપરની રકમ આપવા વિનંતી છે. જે ઓછામાં ઓછી ૪ કરોડ આપસપાસ થાય છે. અત્યારે અમારી આર્થિક પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે. અમારા છોકરા બે વર્ષથી સ્કૂલે ગયા નથી. ઘરનું ભાડુ ભરવાના કે ખાવાના પૈસા પણ નથી. આ બિલ્ડીંગમાં અમે ાસત વર્ષ સુધી બેંકનું વ્યાજ ભર્યુ છે. ઉપરાંત ખુબ મોટી રકમનો ખર્ચ કર્યો છે. એ પણ એવા સંજોગોમાં જ્યારે આર.એમ.સી. બિલ્ડીંગમાં કોઇપણ પ્રકારની પ્રવૃતિ કરવા દેતી નહોતી. આ સંજોગોમાં જો અમારા બાકી નીકળતાં પૈસા નહિ આપવામાં આવે તો અમારે મજબૂરીથી ખોટુ પગલુ ભરવું પડશે. તેના તમે જ જવાબદાર હશો. કારણ કે જે બિલ્ડીંગ પાછળ અમે સર્વસ્વ લુંટાવી દીધું તેના જો પૈસા ન મળે તો અમારે મરવા સિવાય કોઇ વિકલ્પ જ નથી. જેની સિરીયસ નોંધ લેશો.

આગળ વિજયભાઇએ લખ્યું છે કે અમારા નીકળતાં પૈસા શનિવાર સાંજના છ સુધીમાં નહિ મળે તો હું પત્નિ, પુત્રી સાથે આત્મહત્યા કરીશ. જેના આપ જ જવાબદાર હશો. કારણ કે અમારી સાથે છળકપટ કર્યુ છે. તેની સજા તમારે ભોગવવી જ પડશે. તમે અમને બહુ હેરાન કર્યા છે. અમારા ઘરની સ્ત્રીઓ ઉપર બહુ અત્યાચાર કર્યો છે. મારા બાપુજીની આંખમાં તમારા કારણે આવેલા આંસુ હું કયારેય નહિ ભુલી શકું. ભાઇને તો તમારી દાનત ઉપર પહેલેથી જ વિશ્વાસ નહોતો. મેં તમારા ઉપર વિશ્વાસ રાખ્યો. જેની સજા હું ભોગવીશ પણ તમને નહિ છોડું.

જે. પી. જાડેજાને શનિવારે લેટર બોકસમાંથી વિજયભાઇએ લખેલી ચિઠ્ઠી મળતાં તુરત માલવીયાનગર પોલીસને જાણ કરી હતી

. જે. પી. જાડેજા યુનિવર્સિટી રોડ પર રહે છે. તેમના ઘરના લેટર બોકસમાંથી તેમને વિજયભાઇ મકવાણા (પટેલ)એ લખેલી ચિઠ્ઠી મળતાં તેમાં તે આપઘાત કરી લેશે તેવી ચિમકી હોઇ જે. પી.જાડેજાએ બિલ્ડીંગ કેકેવી ચોકમાં આવેલું હોઇ તે કારણે માલવીયાનગર પોલીસ મથકે પહોંચી વિજયભાઇએ મોકલેલી ચિઠ્ઠી રજૂ કરી હતી અને પોતાની પાસે બિલ્ડીંગના કાગળો, દસ્તાવેજ સહિત હોવાની જાણ કરી હતી. માલવીયાનગર પોલીસે વિજયભાઇ તાલુકા પોલીસની હદમાં રહેતાં હોવાથી તુરત તાલુકા પોલીસને જાણ કરી હતી.

(12:07 pm IST)