Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

તમે મઢીએ શું લેવા ગ્યા'તા?...કહી ભીમનગરના મહેશ, તેની પત્નિ અને ભાઇ પર ધોકાવાળી

ફુવા હાજા રાફુચા, તેના દિકરા, દિકરી તૂટી પડ્યાઃ સામે હાજા અને પુત્ર નટવરને પણ ઇજા

રાજકોટ તા. ૧૪: નાના મવા રોડ પર ભીમનગર શાક માર્કેટના ગેઇટ પાસે સાંજે  દેવીપૂજક યુવાન, તેની પત્નિ અને ભાઇ પર તેના ફુવા તથા ફુવાના કુટુંબીજનોએ ધોકા-પાઇપથી હુમલો કરતાં ત્રણેયને ઇજા થઇ હતી. સામે ફુવા અને તેનો પુત્ર પણ સારવાર માટે દાખલ થતાં સામ-સામી ફરિયાદ નોંધાઇ છે. હનુમાન મઢી પાસે ઝૂપડપટ્ટીમાં રહેતાં દાદીના ઘરે જવા બાબતે આ ડખ્ખો થયો હતો.

ભીમનગર-૧૧માં રહેતો મહેશ બાબુભાઇ વાજેલીયા (ઉ.૨૫), તેની પત્નિ સોનલ (ઉ.૨૪) અને ભાઇ જેન્તી બાબુભાઇ વાજેલીયા (ઉ.૩૫) સાંજે હનુમાન મઢી પાસે રહેતાં દાદીના ઘરે તેમને મળવા ગયા હતાં. ત્યાંથી પોતાના ઘર પાસે આવતાં ભીમનગર શાક માર્કેટના ગેઇટ પાસે ફુવા હાજા રકશીભાઇ રાફુચા, તેના દિકરાઓ નટવર, સુરેશ અને દિકરી હેતલે મળી 'તું મઢીએ શું લેવા ગ્યા'તા?' કહી ધોકા-પાઇપથી હુમલો કરી ત્રણેયને ઘાયલ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં.

સામા પક્ષે હાજાભાઇ રકશીભાઇ રાફુચા (ઉ.૫૨) અને નટવર હાજાભાઇ (ઉ.૨૨) પણ પોતાના પર મહેશ અને જેન્તીએ હુમલો કર્યાની રાવ સાથે સારવાર માટે દાખલ થયા હતાં. તાલુકા પોલીસ મથકના એએસઆઇ અજીતસિંહ જાડેજા સહિતે બંને પક્ષની ફરિયાદ નોંધી હતી.

(3:30 pm IST)