Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

લાલપરી-રાંદરડા તળાવ ક્ષેત્રમાં ૨૫૦ કારખાનાઓનાં ડિમોલીશન અંગે ડખ્ખો

પરશુરામ ઇન્ડસ્ટ્રીઝના કારખાનાઓના દબાણો દુર કરાવી તળાવનું બ્યુટીફીકેશન કરવાની યોજનાઃ ગાંધીનગરથી ડીમોલીશનનાં આદેશો છુટયાં પરંતુ સ્થાનિક નેતાઓનું એક જુથ ડીમોલીશન અટકાવવાનાં મૂડમાં: કારખાનેદારો દ્વારા મુદત આપવા મેયરને રજૂઆત

ડીમોલીશન થશે તો રપ૦૦ ની રોજીરોટી છીનવાશે : લાલપરી રાંદરડા ક્ષેત્રનાં પરશુરામ ઇન્ડસ્ટ્રી ઝોનનાં રપ૦ કારખાનાઓને તોડી પાડવાની નોટીસો અપાતાં કારખાનેદારોનાં જીવ પડીકે બંધાયા છે કેમ કે આ કારખાના તોડી પડાશો તો એકાએક રપ૦૦ જેટલાં કામદારોની રોજી-રોટી છીનવાઇ જશે આથી આજે કારખાનેદારોએ ડીમોલીશન માટે મુદત વધારી દેવા મેયર બીનાબેન આચાર્યને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી તે વખતની તસ્વીર.

રાજકોટ તા. ૧૪ :.. શહેરનાં લાલપરી રાંદરડા તળાવ ક્ષેત્રમાં આવેલ પરશુરામ ઇન્ડસ્ટ્રીઝ એરીયા, માંડાડુંગર સહિતનાં વિસ્તારોમાં થોડા દિવસો અગાઉ ટાઉન પ્લાનીંગ વિભાગે નવા બની રહેલા કારખાનાઓનાં ગેરકાયદે દબાણોનું ડીમોલીશન કરી નાખ્યુ હતુ દરમિયાન આ ક્ષેત્રમાં હજુ રપ૦ જેટલા કારખાનાઓને ડીમોલીશનની નોટીસો અપાઇ છે. પરંતુ આ ડીમોલીશન અંગે શાસકોમાં ડખ્ખો થઇ રહ્યાની ચર્ચા મ્યુ. કોર્પોરેશનનાં વર્તુળોમાં જાગી છે. ત્યારે આ દરમિયાન આજે માંડાડુંગર અને પરશુરામ ઇન્ડસ્ટ્રીઝનાં જે રપ૦ કારખાનેદારોને ડીમોલીશનની નોટીસ અપાઇ છે તે તમામે મેયરને આવેદન પત્ર પાઠવી અને ડીમોલીશન માટેની મુદત વધારી દેવા રજૂઆત કરી હતી.

આ અંગેની વિગતો મુજબ શહેરનાં સામાકાંઠે રાજાશાહી વખતનાં લાલપરી-રાંદરડા તળાવનાં સ્ત્રાવક્ષેત્રમાં એટલે કે છેક માંડાડુંગર સુધીનાં તળાવનાં પટમાં કારખાનાઓ - રહેણાંક વગેરે બાંધકામો થઇ ગયા છે.

દરમિયાન હવે લાલપરી-રાંદરડા તળાવનું કરોડોનાં ખર્ચે બ્યુટીફીકેશન કરી અમદાવાદનાં કાંકરીયા તળાવ જેવુ બનાવવાની યોજનાં હાથ ધરાઇ છે. આથી ઉપરોકત તળાવના પટમાં આવેલા પરશુરામ ઇન્ડસ્ટ્રીઝનાં રપ૦ જેટલા કારખાનાઓને તોડી પાડવા ટાઉન પ્લાનીંગ વિભાગે નોટીસો આપી હતી.

જે પૈકી નવા ચણતર થઇ રહેલા શેડ, વંડા વગેરે ઉપર થોડા દિવસો અગાઉ બુલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરાવી દેવાયેલ.

પરંતુ અહીં વર્ષો જૂના કારખાનાઓ ઉપર પણ ડીમોલીશનની લટકતી તલવાર છે કેમ કેમ છેક ગાંધીનગરથી આ કારખાનાઓનાં ડીમોલીશનનાં આદેશો છૂટયા છે. જો કે સામાકાંઠાનાં નેતાઓનું એક જૂથ આ કારખાનાઓનું ડીમોલીશન અટકાવવા મથામણ કરી રહ્યાની ચર્ચા જાગી છે.

દરમિયાન આજે પરશુરામ ઇન્ડસ્ટ્રીઝનાં કારખાનેદારોનાં પ્રતિનીધી મંડળે મેયર બીનાબેન આચાર્યને રૂબરૂ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે જયાં સુધી કારખાનેદારોને વૈકલ્પીક જગ્યાએ તેઓનાં કારખાનાનું સ્થળાંતર માટેની વ્યવસ્થા કરવા માટે તાત્કાલીક ધોરણે ડીમોલીશન નહી કરવા અને મુદત આપવી રજૂઆતનાં પ્રત્યુતરમાં મેયરશ્રીએ બને તેટલી મદદ કરવા ખાત્રી ઉચ્ચારી હતી.

(3:25 pm IST)