Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

પીડીયુ મેડિકલ કોલેજમાં વર્લ્ડ બ્લડ ડોનર્સ ડેની ઉજવણીઃ ૬૮ બોટલ રકત એકઠું થયું

મેડિકલ કોલેજના બ્લડ ડોનર્સ એસોસિએશન અને આઇએમએનું સંયુકત આયોજન : યોગ માણસને તન-મનથી જોડે છે, તેમ રકતદાન સમાજ અને રાષ્ટ્રને એક તાંતણે બાંધે છેઃ ડો. રાજેન્દ્ર ત્રિવેદી

રાજકોટ તા. ૧૪: આજે ૧૪મી જુન એટલે કે વર્લ્ડ બ્લ્ડ ડોનર્સ ડેની ઠેર-ઠેર ઉજવણી થઇ હતી. પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતેની મેડિકલ કોલેજમાં આજે કોલેજના બ્લડ ડોનર્સ એસોસિએશન અને આઇએમએના સંયુકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં તબિબો-છાત્રો અને ઉપસ્થિત મહેમાનોએ બ્લડ ડોનેટ કરતાં ૬૮ બોટલ રકત એકઠુ થયું હતું.

બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્દઘાટન મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન અને ભાજપ અગ્રણી ધનસુખભાઇ ભંડેરીએ કર્યુ હતું અને રકતદાનનું મહત્વ સમજાવ્યું હતું. આઇએમએના પ્રેસિડેન્ટ ડો. હિરેન કોઠારી, ડો. પિયુષ ઉનડકટ, ડો. અતુલ પંડ્યા, ડો. યજ્ઞેશ પોપટ તથા મેડિકલ કોલેજના ડીન ડો. યોગેશાનંદ ગોસ્વામી,  ડો. ગોૈરવી ધ્રુવા, ડો. અમિત અગ્રાવત, ડો. મધુલીકા મિસ્ત્રી, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. મનિષ મહેતા, ડો. દીપા ગોંડલીયા, આઇએમએના પૂર્વ પ્રેસિડેન્ટ ન્યુરો સર્જન ડો. રાજેન્દ્ર ત્રિવેદી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. આગેવાનો, તબિબો, છાત્રોએ રકતદાન કરી સિવિલની બ્લડ બેંકમાં અર્પણ કર્યુ હતું.

ડો. રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે જેમ યોગ માણસને તન, મન અને પોતાની જાત સાથે જોડે છે તેમ રકતદાન માનવને માનવથી જોડે છે. સમાજ અને રાષ્ટ્રને એક તાંતણે બાંધવાનું કામ રકતદાન કરે છે. રકતદાનથી સમાજના જાતીવાદ, જ્ઞાતિવાદ, ધર્મવાદ દૂર થાય છે અને માનવતાવાદ ઉદ્દભવે છે. જે રાષ્ટ્રને મજબુત કરે છે. રોગી કલ્યાણ સમિતીના કાઉન્સેલર જયંતભાઇ ઠાકર, ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી પણ ઉપસ્થિત રહ્યા હતાં. દિપ પ્રાગટ્ય અને રકતદાનની તસ્વીરો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:15 pm IST)