Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

થોરાળામાં 'તું કેમ ચિરાગને મુકવા આવ્યો?' કહી સન્ની કોળીને પાઇપના ઘા ફટકારી હત્યાનો પ્રયાસ

વણકર શખ્સો વિજય પરમાર, વિજય મકવાણા અને પિન્ટૂ મકવાણા સામે ગુનો નોંધાયો

જેના પર હુમલો થયો તે સન્ની ખસીયા (કોળી)

રાજકોટ તા. ૧૪: નવા થોરાળા મેઇન રોડ પર ચારબાઇના મંદિર પાસે આંબેડકરનગરમાં રહેતો કોળી યુવાન રાત્રે ઘર નજીક બીજી શેરીમાં તેના મિત્ર વણકર  યુવાનને મુકવા જતાં ત્રણ શખ્સોએ તું કેમ આને મુકવા આવ્યો? કહી પાઇપથી હુમલો કરી ગંભીર ઇજા કરતાં પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.

આંબેડકરનગર-૩માં રહેતો સન્ની રામજીભાઇ ખસીયા (કોળી) (ઉ.૨૦) રાત્રે લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં અને પોતાને નવા થોરાળા મેઇન રોડ પર વિજય ભીમજીભાઇ પરમાર, પિન્ટૂ ખોડાભાઇ મકવાણા તથા વિજય મકવાણાએ પાઇપથી માર માર્યાનું જણાવતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ થોરાળા પોલીસને જાણ કરતાં પી.આઇ. એસ. એન. ગડુ, રાઇટર અજીતભાઇ, ભરતસિંહ સહિતે સન્નીની ફરિયાદ પરથી આ ત્રણેય સામે આઇપીસી ૩૦૭, ૧૧૪, ૧૩૫ મુજબ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે.

સન્નીના કહેવા મુજબ તે છુટક મજૂરી કરે છે. રાત્રે અગિયારેક વાગ્યે પોતે શેરીમાં રહેતાં ચિરાગ ઉર્ફ એલિયનને હોન્ડામાં બેસાડી તેના ઘરે મુકવા ગયો હતો અને તેના ઘર નજીક બાઇક ઉભુ રાખી વાતચીત કરતો હતો ત્યારે વણકર યુવાન વિજય સહિત ત્રણ જણાએ આવી તું કેમ આને અહિ મુકવા આવ્યો છો? તેમ કહી ગાળો દઇ પાઇપથી હુમલો કરી માથામાં ઘા ફટકારી દેતાં ગંભીર ઇજા પહોંચી હતી.  બનાવની જાણ થતાં પોતાના માતા કંચનબેન, બહેન રેખાબેન સહિતના દોડી આવ્યા હતાં અને હોસ્પિટલે ખસેડ્યો હતો. પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ કરી છે.

(12:40 pm IST)