Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથાનો ડોમ તૈયારઃ શ્રી રામનગરીમાં ઝગમગાટ

શ્રી રામકથાના આયોજન સંદર્ભે ગઇકાલે યોજાયેલ દાણાપીઠ વેપારી એસો.અને મહિલા મંડળોની મિટીંગમાં લોકો ઉમટી પડયાઃ આજે રાત્રે ૯-૩૦ વાગ્યે કેસરીયાવાડી કાલાવડ રોડ ખાતે રઘુવંશી ડોકટર્સ સંગઠનની મિટીંગઃ કાલે એડવોકેટ, સી.એ.તથા ટેકસ કન્સલ્ટન્ટસની મિટીંગ : મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૃ સહિતની ટીમનો ઉત્સાહ ટોપગીયરમાંઃ દાતાઓ અનરાધાર વરસ્યા

રાજકોટ તા. ૧૩: અઢી લાખ જેટલા રઘુવંશીઓની વસ્તી ધરાવતા રાજકોટમાં વિશ્વનું સૌથી મોટું લોહાણા મહાજન રાજકોટ દ્વારા પૂજય શ્રી ભૂપેન્દ્રભાઇ પંડયા (મુંબઇ) ના વ્યાસાસને તા.ર૧ થી ર૯ મે, ર૦રર દરમ્યાન શ્રી રામકથાનું ભવ્યાતિભવ્ય આયોજન થઇ રહ્યું છે. જેના માટેનો હજ્જારો ફુટનો વિશાળ ડોમ શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્કુલ, રાજકોટ ખાતે તૈયાર થઇ ગયો છે અને શ્રી રામનગરીમાં ઝગમગાટ છવાઇ ગયો છે. વિવિધ ક્ષેત્રોના જ્ઞાતિ આગેવાનો, હોદ્દેદારો, અગ્રણીઓ, સભ્યો સહિત તમામ લોકો શ્રી રામકથાના આયોજનમાં ભારે ઉત્સાહથી જોડાઇ ગયા છે.

શ્રી રામકથાના આયોજન સંદર્ભે ગઇકાલે દાણાપીઠ વેપારી એસોસીએશન અને શહેરના તમામ મહિલા મંડળોના હોદ્દેદારો -સભ્યોની મિટીંગ રાખવામાં આવી હતી જેમાં લોકો સ્વયંભૂ ઉમટી પડયા હતા. શ્રી રામકથાના આયોજનમાં સેવા કરવાનો મોકો મળતા ભકતોનો આનંદ રીતસર છલકાતો હતો. આજે રાત્રે સાડાનવ વાગ્યે કેસરીયા લોહાણા મહાજન વાડી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાજકોટના તમામ રઘુવંશી ડોકટર્સ-સંગઠનની મિટીંગ રાખવામાં આવી છે. તેવી જ રીતે આવતીકાલે રાત્રે રાજકોટના તમામ રઘુવંશી એડવોકેટસ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ તથા ટેકસ કન્સલ્ટન્સની મિટીંગ એસ્ટ્રોન ચોક ખાતેના શ્રી રામકથા કાર્યાલય ખાતે રાખવામાં આવી છે.

શ્રી રાજકોટ લોહાણા મહાજનના ઇતિહાસમાં શ્રી રામકથાનું આયોજન પ્રથમ વખત થયું હોય, દાતાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને દાતાઓએ અનરાધાર વરસીને દાનની ઝોળીને છલકાવી દીધી છે. દાનનો પ્રવાહ હજુ પણ સતત ચાલુ જ છે.

ઐતિહાસિક શ્રી રામકથાના સુચારૃં અને સચોટ આયોજન માટે શ્રી રાજકોટ લોહાણા મહાજનના તમામ હોદ્દેદારો-શ્રેષ્ઠીઓ અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાને મળ્યા હતા અને તેમનું માર્ગદર્શન, અભિપ્રાય, સૂચનો અને સહયોગ મેળવ્યો હતો. શ્રી રામકથાના આયોજનને સફળતાપૂર્વક પાર પાડવા માટે લોહાણા મહાજન રાજકોટના પ્રમુખ રાજુભાઇ પોબારૃ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહીતની સમગ્ર ટીમનો ઉત્સાહ હાલમાં ટોપગીયરમાં હોવાનું જોવા મળે છે.

(3:14 pm IST)