Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

પરશુરામ જન્મોત્સવ જયંતી નિમિતે શુભકામનાઓ પાઠવતા કોંગી અગ્રણીઓ

રાજકોટ,તા.૧૪:  શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ, બ્રહ્મસમાજ અગ્રણી કેતનભાઈ જોશી, ડો. બીરજુભાઇ દવે, આનંદભાઈ વ્યાસની યાદી જણાવે છે કે આજરોજ વૈશાખ સુદ ત્રીજ, 'અખાત્રીજ'ના રોજ બ્રાહ્મણોના આરાધ્ય દેવ એવા શ્રી ભગવાન પરશુરામનો આજરોજ જન્મોત્સવ છે અને તેઓ અજરામર છે અને પ્રચંડ ઉર્જાના પ્રતિક અને સત્યવાદી એવા ભગવાન પરશુરામનો આજરોજ જન્મોત્સવ છે

 

પરશુરામનું દર્શન,તેજોમય છે.-બ્રહ્મત્વના તેજથી ઝળહળ,વીરત્વ અને પરાક્રમભર્યા તેજકિરણોથી શોભતું, ધર્મ-જ્ઞાન-કર્મથી સુગ્રથિત વિરલ દિવ્ય ધન્ય પ્રસંગોથી ધબકતું કૃતવીર્ય બનવું પણ હતવીર્ય નહિ એવો સંદેશ આપતું,દૃઢતાથી ધારણ કરેલ પરશુ તથા ધનુષ્યબાણથી શોભતું તેમનું દર્શન આપણને તપ, ત્યાગ, બલિદાન તથા શારીરિક શકિતથી દિવ્ય બનવા પ્રેરણા આપે છે.ભારતીય સનાતન ધર્મ સંસ્કૃતિ, ભારતના ઋષિ મુનિઓથી રળિયાત છે. પોતે તપ તપી, સત્યની અનુભૂતિ કરી સમસ્ત માનવજાતના કલ્યાણ માટે જીવન વીતાવી, વેદ-ઉપનિષદ, શ્રીમદ ભાગવતગીતા વગેરેની પુરાણોની શાસ્ત્રોની રચના કરી,વિચાર વિજ્ઞાન-વીરતા-વિનમ્રતા વિશાળતા-વિધા જેવી વિવિધતાથી સંસ્કારિત થયેલ જીવનશૈલી આપી માણસાઈ અને માનવતાના પાઠ શીખવી, વંદનીય ઋષિમુનિઓ અમર થઈ ગયા . વિશ્વમાં શ્રેષ્ઠ કહી શકાય એવો અમૂલ્ય વારસો તેઓએ આપણને આપ્યો છે ત્યારે વૈશાખ સુદ ત્રીજ-અખા ત્રીજના દિને,ભૂદેવોના અધિષ્ઠાતા દેવવિદ્વાનોએ જેમને ભગવાન વાસુદેવના અંશરૂપ ગણ્યા છે તેવા ભૃગુકુલભૂષણ, કાલાગ્નિ સમાં દુઃસહ, કૈલાસ સમ દુર્ઘર્ષ, વેદજ્ઞ પરશુરામની જન્મોત્સવ છે.

એવા તેજોમય મંત્રથી મહાન ઋષિ વર્યને શ્રદ્ઘાપૂર્વક વંદન કરીએ. આવા પરમ પાવક પ્રચંડ પ્રભાવક,સત્ય પ્રચારક પિતૃભકત, કર્મવીર, ધર્મવીર, અજેય, અનુપમ, અનાસકત, અપરિગ્રહી, શરણાગત, વત્સલ, ભીષ્મ, દ્રોણ, કર્ણ, રામ અને શ્રીકૃષ્ણ પણ જેમના શિષ્ય છે. એવા ભગવાન પરશુરામને આજના મંગલમય દિને શતશત વંદના.

આજના શુભ દિવસ પરશુરામ જયંતી નિમિતે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ, બ્રહ્મસમાજ અગ્રણી કેતનભાઈ જોશી, ડો. બીરજુભાઇ દવે, આનંદભાઈ વ્યાસે રાજકોટના અને સૌરાષ્ટ્રના ભૂદેવોને પરશુરામ જન્મોત્સવ નિમિતે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. અને સાંપ્રત કટોકટીના કાળમાં તેમની દિવ્ય ઉર્જાનું આવાહન કરી દરેક બ્રાહ્મણ વિશ્વ રક્ષા માટે કટિબદ્ઘ થઇ એ..

(3:08 pm IST)