Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

રાજકોટમાં ૨૪ કલાકમાં આપઘાતના ત્રણ બનાવ

યુવાને એસિડ પી લેતાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો : પતિ પબજીમાં મશગુલ થતા જવાબ ન આપ્યો તો પત્નીએ આપઘાત કર્યો, યુવાને ફિનાઈલ પી લેતા હોસ્પિટલ ખસેડાયો

રાજકોટ,તા.૧૩ : હાલ રાજકોટ સહિત સમગ્ર રાજયભરના ૩૬ શહેરોમાં આંશિક લૉકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. જેના કારણે અનેક લોકોને રોજીરોટી મેળવવા માટે વલખાં મારવા પડી રહ્યા છે. બીજી તરફ રાજકોટ શહેરમાં ૨૪ કલાકમાં આપઘાતના પ્રયાસના ત્રણ જેટલા બનાવો સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના રામાપીર ચોકડી પાસે આવેલા લાભદીપ સોસાયટી શેરી નંબર ૨માં રહેતા દિનેશભાઈ ચૌહાણના વ્યક્તિએ એસિડ પી લેતાં સારવાર માટે તેને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બાબતની જાણ સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા યુનિવર્સિટી પોલીસને કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસનો કાફલો હૉસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. જ્યાં નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં દિનેશભાઈ મોચીકામ કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે. પરંતુ આંશિક લોકડાઉનના કારણે તેમનો ધંધો બંધ થઇ જતાં ઘર ચલાવવા માટે તેઓ ઉછીના રૂપિયા પણ લેતા હતા. જે બાબતનું તેમના ઉપર દેણું થઈ ગયું છે. જે બાબતની ચિંતામાં તેઓએ આપઘાતનું પગલું ભરી લીધાનું જણાવ્યું છે. રાજકોટ શહેરમાં બીજો બનાવ મવડી વિસ્તારમાં આવેલા શ્રીનાથજી પાર્ક શેરી નંબર ત્રણ માં રહેતી ભારતીબેન ગોહિલ નામની પરિણીતાએ ઝેરી પાવડર ખાઈ લેતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસે પરિણીતાનું નિવેદન પણ નોંધ્યું હતું. પરિણીતાએ પોલીસને જણાવ્યું છે કે, તેણે મોબાઈલ પબજી ગેમ રમતા તેના પતિને બે વખત બોલાવ્યો હતો તેમ છતાં તે ધ્યાન ન દેતાં તેમણે આ પ્રકારનું આત્મઘાતી પગલું ભર્યું છે. જ્યારે કે, ત્રીજો બનાવ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હોવાનું સામે આવ્યું છે. માંડા ડુંગર પાસે રહેતા પ્રદીપભાઈ પરમાર નામના યુવાને ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં પ્રદીપ પરમારને તેના પિતાએ કામ ધંધા મુદ્દે ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતા તેને આત્મઘાતી પગલું ભરી લીધાનું જણાવ્યું છે.

(9:11 pm IST)