Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ભારતીય મઝદૂર સંઘ દ્વારા પડતર પ્રશ્નો માટે ૧૦ જૂને ધરણા યોજાશે

આંગણવાડી-સાતમા પગાર પંચ સહિતના પ્રશ્નોનું કલેકટરને આવેદન અપાશે

રાજકોટ, તા. ૧૪ : ભારતીય મઝદૂર સંઘ રાજકોટ તથા જુનાગઢ જીલ્લાની સંયુકત બેઠક પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી વાય.જે. વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાયેલ હતી. આ બેઠકમાં આંગણવાડી, જીએમડીસી, પાણી પુરવઠા, એસટી, વિદ્યુત, પોર્ટ, સિમેન્ટ, આશાવર્કર, નગરપાલિકા, શૈક્ષણિક સંઘના મુખ્ય હોદેદારો ઉપસ્થિત રહેલ. કામદારોના પડતર પ્રશ્નો બાબતે વિગતવાર ચર્ચા-વિચારણાને અંતે આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. તા. ૧૦-૬-૧૯, સોમવારના રોજ સાંજે ૪ થી ૬, વાગ્યા સુધી કલેકટર કચેરી સામે વિશાળ સંખ્યામાં ધરણાનો કાર્યક્રમ યોજાશે અને ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને ઉદેશીને કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવશે.

આ આવેદનપત્રમાં (૧) આંગણવાડી કાર્યકરો/હેલ્પરો  કેન્દ્ર સરકારે ઓકટોબર-ર૦૧૮થી જાહેર કરેલ પગાર વધારો  એરીયર્સ સાથે સત્વરે ચૂકવી આપો. (ર) ગુજરાત રાજયના તમામ બોર્ડ/નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચનું ૧૯ માસના એરીયર્સનું તાત્કાલીક ચૂકવણું કરવું. (૩) ગુજરાત રાજય લઘુતમ વેતન બોર્ડની પુનઃરચના કરવી. (૪) નગરપાલિકાના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવા વિનંતી છે. (પ) ગુજરાતના સીમેન્ટ ઉદ્યોગમાં વેજ બોર્ડની અમલવારી કરવી. (૬) એસટીમાં ફરજ બજાવતા ફિકસ પગારના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવો (૭) એસટીના જી.એસ.ઓ પરિપત્રોમાં કોઇપણ જાતનો સુધારો વધારો કરવો નહીં. (૮) ગુજરાત રાજય બાંધકામ બોર્ડની રચના કરવી અને વર્ષ ર૦૧૬, ૧૭,૧૮ એમ બે વર્ષની શૈક્ષણિક સહાય બાકી છે તો સહાયની સત્વરે ચુકવણી કરવી. (૯) ગુજરાત રાજયના બોર્ડ/નિગમમાં ૧૯૮૮ પછી જે રોજમદારોની ભરતી થયેલ છે તેઓને છઠ્ઠા પગાર પંચ અને સાતમા પગાર પંચનો લાભ આપવો. (૧૦) ઇ.પી.એફના પેન્શનરોને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પેન્શનનો લાભ આપવો. (૧૧) સોલ્ટ વર્કસમાં કામ કરતા કામદારોને લઘુતમ વેતનનો વધારો કરવા નોટીફીકેશન તાત્કાલીક બહાર પાડવું વિગેરેનો સમાવેશ થાય છે.

ઉપરોકત મીટીંગમાં ભારતીય મઝદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ વી.એમ. ચાવડા, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઇ દવે, પ્રદેશ ઉપાધ્યક્ષ કરશનભાઇ કટારીયા, પ્રદેશ મંત્રી સહદેવસિંહ જાડેજા અને ગીરીશભાઇ પટેલ, ધીસુલાલ કલાલ વિગેરે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ. ધરણાનો કાર્યક્રમ સફળ થાય તે માટે તમામ જીલ્લાઓની મીટીંગ બોલાવી તમામ ઉદ્યોગોના કામદારો ધરણામાં જોડાય તે માટેની યોજના બનાવી શકિત પ્રદર્શન કરવા કામે લાગી જવા અનુરોધ કરેલ છે.

(3:59 pm IST)