Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

શનિવારે સ્વ.રામદેવસિંહજીની પૂણ્યતિથિએ સ્કોડાના શોરૂમ ખાતે મહારકતદાન કેમ્પ

૧૮મીએ ૩૬મો કેમ્પ... સેંકડો રકતદાતાઓ ઉમટી પડશે

રાજકોટ, તા.૧૪ : રકતદાન મહાદાન.. રકતનું એક બુંદ પણ એક જીંદગી બક્ષે છે ત્યારે રીબડાના સ્વ. રામદેવસિંહજી એમ. જાડેજાની પૂણ્યસ્મૃતિમાં ગોંડલ રોડ સ્થિત સ્કોડા શોરૂમ ખાતે રકતદાન મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે.

રીબડાના પૂર્વ સરપંચ જગતસિંહજી જાડેજાએ એક યાદીમાં જણાવ્યુ છે કે તા.૧૮ને શનિવારે સવારે ૬ થી બપોરે ૨ કલાક સુધી 'સ્કોડા શોરૂમ' રાજકોટ- ગોંડલ રોડ, કિશાન પેટ્રોલ પંપની બાજુમાં, મહારકતદાન કેમ્પનું મહાઆયોજન કરવામાં આવેલ છે. નાના કે મોટા, ગરીબ કે સાહુકાર, સૌને લોહીની જરૂર છે. અત્યારના ઝડપી અને ખર્ચાળ સમયમાં દર્દીને લોહીની જરૂરીયાત વખતે વારંવાર મુશ્કેલી અને ખર્ચ ભોગવવો પડે છે. ત્યારે આવા સમયે ઝડપી અને મફત લોહીની સગવડતા સાથે નાતજાતના ભેદભાવ વિના સેવા આપવામાં આવે છે. ગીતા બોધમાં શ્રી કૃષ્ણ ભગવાને કહેલ છે કે સમય બળવાન છે સત્યની સાથે ચાલવુ જોઈએ અને સતત પરિશ્રમ કરવો જોઈએ. સાચા અર્થની માનવ સેવા કરવી સૌની ફરજ છે. આવા સદ્દવિચારથી સુવિચારથી સ્વ.શ્રી રામદેવસિંહજી એમ. જાડેજાની પૂણ્યસ્મૃતિ પ્રસંગે વર્ષમાં બે વખત મહારકતદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. આ માનવ જીંદગી બચાવવાના માનવ સેવાના કાર્યમાં સહકાર આપી ધન્યતા અને ગૌરવ અનુભવવા અપીલ કરી છે.

તા.૧૮ને શનિવારે સ્વ.શ્રી રામદેવસિંહજી એમ. જાડેજાની પૂણ્યસ્મૃતિમાં છત્રીસમો રકતદાન કેમ્પ છે. રકત આપનારની પૂર્ણ મેડીકલ તપાસણી કરવામાં આવે છે. રકત આપનારના આગમન સમયે તેમનું સ્વાગત કરવામાં આવે છે. રકત આપનારને ચા, કોફી, વિવિધ જાતના બિસ્કીટ સાથે પેટ ભરીને ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. રકત આપનારને કિંમતી અને લાંબો સમય દિન પ્રતિદિન ઉપયોગમાં આવે તેવી ભેટ સોગાદ આપવામાં આવે છે. રકત આપનારને લોહી ગ્રુપ કાર્ડ, નોંધણી રજીસ્ટર નંબર, સર્ટીફીકેટ સાથે આઈ કાર્ડ, સન્માન પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવે છે. આ ઉપરાંત સમૂહ જૂથમાં આવવા જવા માટે વાહનની પૂરી સગવડતા કરવામાં આવે છે. રકતદાન આપનાર કે તેમના સંબંધીની ફોન ઉપરની જાણથી દર્દીઓને મફત લોહી આપવાની તુરંત વ્યવસ્થા કરવામાં આવે છે. હોસ્પિટલમાં દર્દીને લોહીની જરૂરીયાત વખતે અમારા માર્ગદર્શન સાથે રકત સંપૂર્ણ મફત આપવામાં આવે છે. દત્તક લીધેલ થેલેસેમીયા દર્દીઓને મફત રકત આપવામાં આવે છે.

(3:56 pm IST)