Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ભવનાથ પાર્કની હિરલબેન ઠુમ્મર પર પતિની પૂર્વ પત્નિ, સસરા, સાસુનો સુયાથી હુમલો

પતિ દિવ્યેશ ઠુમ્મરે કહ્યું- દસ દિવસ પહેલા જ અલ્પા જોષી સાથે છુટાછેડા લઇ હિરલ સાથે બીજા લગ્ન કર્યા છે જે અલ્પાને ન ગમતાં ઘરે આવી ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૧૪: કોઠારીયા રોડ પર  ભવનાથ પાર્ક-૧૫માં રહેતી હિરલબેન દિવ્યેશ ઠુમ્મર (ઉ.૨૯) પર સાંજે તેણી ઘરે હતી ત્યારે પતિ દિવ્યેશની આગલી પત્નિ અલ્પા જોષી, તેના પિતા હરેશભાઇ જોષી, માતા કુસુમબેન જોષીએ આવી માર મારી સૂયાથી હુમલો કરી છાતી-પેટ-વાંસા સહિતના ભાગે ઇજાઓ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ભકિતનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

હિરલબેનના પતિ દિવ્યેશ ઠુમ્મરના કહેવા મુજબ તેણે અગાઉ અલ્પા જોષી સાથે લવમેરેજ કર્યા હતાં. એ લગ્નજીવનમાં પોતે એક સંતાનનો પિતા બન્યો હતો. પણ મનમેળ ન થતાં દસેક દિવસ પહેલા જ કોર્ટ મારફત અલ્પા સાથે છૂટાછેડા લીધા છે અને એ પછી હિરલ બારૈયા સાથે લગ્ન કર્યા છે. આ બાબત પૂર્વ પત્નિ અલ્પાને ન ગમતાં તે તેના માતા-પિતા સહિતને લઇને ઘરે આવી હતી અને હિરલ પર હુમલો કર્યો હતો.

દિવ્યેશે એવો આક્ષેપ પણ કર્યો છે કે હિરલ પાસેથી પર્સ-મોબાઇલ પણ ખેંચી જવાયું છે. ગંભીર ઇજા થવા છતાં પોલીસે માત્ર એનસી ગુનો નોંધ્યો છે.

(3:49 pm IST)