Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

કથ્થકમાં નંદીનીને સુવર્ણચંદ્રક

કલાનો વારસો પિતા નિશીથભાઈ રવેશીયા પાસેથી મળ્યોઃ રઘુવંશી સમાજનું ગૌરવ

રાજકોટ,તા.૧૪: રાજકોટ હવે માત્ર રંગીલું જ નહીં સ્માર્ટની સાથે સાંસ્કૃતિક પણ બની રહ્યું છે, સંગીત, નાટ્ય અને સાહિત્યની સાથે રાજકોટની કલા પ્રતિભાઓ  હવે શાસ્ત્રીય નૃત્યમાં પણ શહેરને ગૌરવ અપાવી રહી છે, આજે અહીં એક એવી જ પ્રતિભાની વાત કરવી છે જેમણે કથ્થક નૃત્યમાં સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાન મેળવી રાજકોટને આશરે ૨૫ વર્ષ પછી આ સ્થાને પહોંચાડયુ છે, આ પહેલા સમગ્ર કથ્થક નૃત્યમાં બૃહદ ગુજરાત સંગીત સમિતિ દ્વારા  લેવાયેલી અલંકારની પરીક્ષામાં પલ્લવીબેન વ્યાસે આ સ્થાન રાજકોટને અપાવ્યુ હતુ, તેઓના શિષ્યા એટલે કે નંદીની નિશીથભાઈ રવેશિયાએ સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાન મેળવી સુવર્ણચંદ્રક મેળવ્યો છે.

નંદીની હાલ કોલેજમા અભ્યાસ કરે છે, કલાના વારસો એમને પિતા તરફથી મળ્યો છે, નિશીથ રવેશિયા એટલે રાજકોટના સિનીયર નાટ્ય કલાકાર છે, મોરના ઈંડા ચિતરવા ના પડે એમ નંદીનીને પણ પિતાનો કલા વરસો અને સંસ્કાર મળ્યા છે. અલબત્ત પિતા નાટ્યકાર છે અને પુત્રી નૃત્યકાર છે પરંતુ બંનેના રંગદેવતા તો એક જ છે, એક રંગમંચ પરથી અભિનય દ્વારા પ્રેક્ષકો સુધી પહોંચાવનો પ્રયાસ કરે છે બીજા કથ્થક નૃત્ય દ્વારા સૂર, તાલ, લય અને હાવભાવ દ્વારા અભિવ્યકત થઈ રહ્યા છે.

નંદીનીની આ કલામાં ગુરૂ સાથે સ્થાન મળ્યુ છે માતાને પોતાની પુત્રી અભ્યાસ અને નૃત્યમાં એક એક શિખર સર કરે એ  માટે માતા જયશ્રી બહેન અને બહેન જુહી સતત સાથે રહ્યાં છે, માત્ર નૃત્યમાં જ નહીં નંદીની અભ્યાસમાં પણ એટલી જ આગળ રહે છે, તેમને વર્ષ ૨૦૧૫માં નિર્મલા કોન્વેન્ટમાં 'સ્ટુડન્ટ ઓફ ધી યર'નો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. વર્ષ ૨૦૧૭માં કલા મહાકુંભમાં પ્રદેશ કક્ષાએ કથ્થક સોલોમાં દ્વિતીય સ્થાન મેળવ્યુ હતુ. તો હાલ મીનાબેન કુંડલિયા કોલેજમાં પણ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ પ્રિન્સેસ ઓફ ધી યર નો એવોર્ડ મેળવ્યો હતો.(મો.૯૩૨૭૪ ૩૦૩૧૧)

(3:31 pm IST)