Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

એન્જિનિયરીંગના બે વિદ્યાર્થી ભરત અને કુલદીપે સીન જમાવવા ૪ બૂલેટ ચોર્યા!

તાલુકા પોલીસની ટીમના નગીનભાઇ ડાંગર, હિરેન આહિર, ઉમેશ અને ભગીરથસિંહની બાતમી પરથી મુળ જામનગરના ભરત આહિર (ઉ.૨૧) અને કુલદીપ મેર (ઉ.૨૦)ને પકડી વાહનો કબ્જે લીધા

રાજકોટ તા. ૧૪: સીન જમાવવા માટે માત્ર બૂલેટની ચોરી કરીને ફેરવતાં એન્જિનિયરીંગના બે વિદ્યાર્થીને તાલુકા પોલીસની ટીમે પકડી લીધા છે. મુળ જામનગરના વતની અને હાલ રૂડાનગર બગીચા પાસે ભાડાના મકાનમાં રહેતાં તથા એવીપીટીમાં અભ્યાસ કરતાં ભરત ગોવિંદભાઇ ચાવડા (આહિર) (ઉ.૨૧) તેમજ જામનગરના અને હાલ મુંજકાની સત્તાધાર હોસ્ટેલમાં રહતાં તથા ગાર્ડી કોલેજમાં અભ્યાસ કરતાં કુલદીપ દુદાભાઇ કારવદરા (મેર) (ઉ.૨૦)ને    પાટીદાર ચોકમાંથી એક બૂલેટ સાથે પકડી લઇ પુછતાછ કરતાં અને બૂલેટના કાગળો માંગતા ગલ્લા તલ્લા કર્યા બાદ આ બૂલેટ ચોરી કર્યાનું કબુલ્યું હતું. વિશેષ પુછતાછમાં બીજા ત્રણ બૂલેટની ઉઠાંતરી પણ કબુલી હતી.છેલ્લા ત્રણ ચાર મહિનામાં આ બંનેએ ચાર બૂલેટની ઉઠાંતરી કરી હતી. ત્રણ વર્ષથી બંને રાજકોટ રહી અભ્યાસ કરે છે. ૨૦૧૮ અને ૨૦૧૯માં ગાંધીગ્રામ પોલીસ મથકની હદમાંથી બે બૂલેટ તથા જામનગર સેવા સદન વિકટોરીયા પુલ પાસેથી તથા ચોથુ બૂલેટ પણ ચોરી કર્યુ હતું. જે કબ્જે લઇ પોલીસે તેના માલિકની ફરિયાદ લઇ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી જયદિપસિંહ સરવૈયા, એસીપી ગેડમની રાહબરીમાં તથા પીઆઇ વી.એસ. વણઝારાના માર્ગદર્શન હેઠળ ટીમના પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, કોન્સ. નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ આહિર, ઉમેશભાઇ અને ભગીરથસિંહ તેમજ જયંતિભાઇ સહિતના સ્ટાફે આ ગુનાના ભેદ ખોલ્યા હતાં. તસ્વીરમાં તાલુકા પોલીસની ટીમ, ઝડપાયેલા બંને શખ્સો અને કબ્જે થયેલા બૂલેટ જોઇ શકાય છે.

(3:31 pm IST)