Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

કોર્ટ કર્મચારીનો સજાનો હુકમ રદ્દ કરતી હાઈકોર્ટ

ફરજીયાત નિવૃતિનો હુકમ રદ્દ કરીને નિવૃત્તિને સ્વૈચ્છિક નિવૃત્તિમાં રૂપાંતર કરી લાભ આપવા હુકમ

રાજકોટ, તા. ૧૪ : ડિસ્ટ્રીકટ કોર્ટ, રાજકોટના તાબા હેઠળ નોકરી કરતાં જુનિયર કલાર્ક, શ્રી બી.કે. ખખ્ખર વિરૂદ્ધ ૨૦૦૩માં થયેલ ખાતાકીય તપાસમાં વર્ષ ૨૦૦૬માં તેમની વિરૂદ્ધ ફરજીયાત નિવૃત્તિની સજાનો હુકમ થયેલ. આ સજાના હુકમ વિરૂદ્ધ શ્રી બી. કે. ખખ્ખરે રાજકોટના નિવૃત્ત કોર્ટ કર્મચારી જીતુભાઈ ચોટાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાત હાઈકોર્ટમાં રિટ પીટીશન નંબર ૧૬૮૮૧/૨૦૦૭ દાખલ કરેલ ચાલુ કેસે શ્રી બી. કે. ખખ્ખરનું અવસાન થતાં તેના વારસદારોને પક્ષકાર તરીકે જોડવામાં આવેલ. આ કેસનો ચુકાદો તાજેતરમાં તા.૨૨-૪-૨૦૧૯ના રોજ આવી જતાં, શ્રી બી. કે. ખખ્ખરની રીટ પીટીશન મંજૂર કરી, સજાનો હુકમ રદ્દ કરેલ છે.

કેસની વિગતો એવી છે કે ડિસ્ટ્રીકટ કોર્ટ રાજકોટના તાબા હેઠળ નોકરી કરતાં શ્રી બી. કે. ખખ્ખરને વર્ષ ૨૦૦૩ની સાલમાં ખાતાકીય તપાસનું ચાર્જશીટ આપવામાં આવેલ. તે ચાર્જશીટનો તેમણે વિગતવાર જવાબ આપેલ અને તેમની વિરૂદ્ધના આક્ષેપોનો ઈનકાર કરેલ. ત્યારબાદ શ્રી ખખ્ખર વિરૂદ્ધ ખાતાકીય તપાસ થયેલ. જેમાં તેમની વિરૂદ્ધના કરપસનના આક્ષેપો 'ના સાબિત' માનવામાં આવેલ. જયારે અમુક દિવસે કચેરીમાં દસ મિનિટ મોડા આવેલ જેવા નાના નાના આક્ષેપ સાબિત થયેલ પણ મહત્વના અને ગંભીર ગણાય તેવો કરપસનનો આક્ષેપ સાબિત થયેલ નહિં. તેના આધારે શ્રી ખખ્ખરભાઈને બચાવની અને રજૂઆતની તક આપ્યા વગર, કુદરતી સિદ્ધાંતોનો ભંગ કરી, શ્રી ખખ્ખરભાઈને સરકારી નોકરીમાંથી ફરજીયાત નિવૃત્તિની સજાનો હુકમ કરેલ.

સજાના આ હુકમ સામે શ્રી ખખ્ખરે રાજકોટના નિવૃત કોર્ટ કર્મચારી શ્રી જીતુભાઈ ચોટાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાત હાઈકોર્ટમાં ઉપરોકત રીટ પીટીશન દાખલ કરી સજાના હુકમને ચેલેન્જ કરેલ. જેમાં મુખ્યત્વે એવી તકરાર હતી કે કરપસનનો આક્ષેપ મૂળમાંથી જ ખોટો છે. કોઈ પુરાવો રજૂ થયેલ નથી. ઉપરાંત તપાસનીશ અધિકારીએ તો કરપસનનો આક્ષેપ સાબિત માનેલ નથી, પરંતુ કર્મચારીને બચાવની તક આપ્યા વગર કર્મચારીને નોકરીમાંથી ફરજીયાત નિવૃત્તિની સજાનો હુકમ કરેલ.

ઉપરોકત સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર ૧૬૮૧૧/૨૦૦૭ની સુનાવણી તાજેતરમાં પૂર્ણ થતાં ગુજરાત હાઈકોર્ટએ તા.૨૨-૪-૨૦૧૯ના હુકમથી શ્રી ખખ્ખરની રીટ પીટીશન મંજૂર કરી, સજાનો હુકમ રદ્દ કરેલ છે. કોર્ટના જજમેન્ટ મુજબ શ્રી ખખ્ખરને દોષિત ઠરાવવાની કાર્યવાહી તેમને બચાવની/ રજૂઆતની તક આપ્યા વગર, કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ કરીને કરવામાં આવેલ. તેથી શ્રી ખખ્ખરભાઈને કરવામાં આવેલ ફરજીયાત નિવૃત્તિની સજાનો હુકમ રદ્દ કરી. ફરજીયાત નિવૃત્તિને 'સ્વૈેચ્છિક નિવૃત્તિ'માં રૂપાંતર કરી, નોકરીમાં મળવાપાત્ર બધા લાભો બે મહિનાના સમયગાળામાં ચૂકવી આપવા હુકમ થયેલ છે.

કોર્ટ કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન કર્મચારી શ્રી ખખ્ખરનું અવસાન થયેલ. તેથી તેની વારસદારોને પક્ષદાર જોડી કેસ આગળ ચલાવેલ.

(3:30 pm IST)