Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

મ્યુ. કોર્પોરેશનમાં કોઇ સ્કોલરશીપના ફોર્મ ઉપલબ્ધ નથી

કોઇ લેભાગુ તત્વ દ્વારા અબ્દુલ કલામ અને વાજપેયી સ્કોલરશીપ યોજનાના મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા : વિદ્યાર્થીઓને આવા મેસેજથી ભરમાવુ નહિ : પદાધિકારીઓ

રાજકોટ તા. ૧૩ : કોઇ લેભાગુ તત્વ દ્વારા અબ્દુલ કલામ અને વાજપેયી સ્કોલરશીપ યોજના અંગે કોર્પોરેશનમાંથી ફોર્મ મળે છે તેવા સોશ્યલ મીડિયામાં મેસેજ ફરે છે, જે ખોટા છે તો આ અંગે વિદ્યાર્થીઓએ ભરમાવું નહિ તેમ પદાધિકારીઓએ જણાવ્યું છે.

આ અંગે મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, એક સયુંકત યાદીમાં જણાવે છે કે, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યાર્થીઓ માટે અબ્દુલ કલામ અને વાજપેયી સ્કોલરશીપ યોજના જાહેર કરેલ છે. જેમાં જે વિદ્યાર્થીઓએ ૪૫્રુ થી વધારે ટકા મેળવેલ હોઈ તેઓને રૂ.૧૦,૦૦૦ અને ૫૫્રુ થી વધારે ટકા મેળવેલ હોઈ તેને રૂ.૨૫,૦૦૦ સુધીની સ્કોલરશીપ આપવામાં આવશે, જેના ફોર્મ રાજકોટ મહાનગરપાલિકામાં મળશે તેવા મેસેજ સોશ્યલ મીડિયામાં કોઈ લેભાગુ તત્વ દ્વારા ફરતા કરવામાં આવેલ છે. જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ કોર્પોરેશનમાં પૂછપરછ માટે આવે છે, આવી કોઈ યોજના માટેના ફોર્મ કોર્પોરેશનમાં મળતા નથી અને આવી કોઈ સ્કોલરશીપ યોજના કાર્યરત નથી. તમામ વાલીઓએ અને વિદ્યાર્થીઓએ જેની નોંધ લેવી, આવા મેસેજ કોઈ પણ ને મળે તો અન્ય કોઈને પણ ફોરવર્ડ કરવા નહિ. તેમ અંતમાં પદાધિકારીઓએ જણાવ્યું હતું.

(3:38 pm IST)