Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

૪ વેપારીને ત્યાંથી સવા બે ટન કેરીનો નાશ

ઝેરી કાર્બાઇડનું ધુમાડીયુ કરી કેરી પકવવાનું કારસ્તાન ખુલ્યુ :શહેરના વિવિધ વિસ્તારમાં સતત ત્રીજા દિવસે આરોગ્યના દરોડાઃ ૧૦૦ કિલો ચાઇનીઝ કેમીકલ પડીકી પકડાય

રાજકોટ તા. ૧૪: ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ વર્ષે કેરી મોડી આવતા અને વધુ માંગ વધતા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્બાઇડથી કેરી પકવીને વેચવાનું મોટું કારસ્તાન શહેરમાં ચાલી રહ્યું છે. જે અન્વયે કોર્પોરેશનની આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા આજે સતત ત્રીજા દિવસે શહેરના વિવિધ વિસ્તારમાં ૪ સ્થળોએ કેરીના ગોડાઉનમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન કાર્બાઇડના ધુમાડીયુ કરી કેરી પકવામાં આવતી હોવાનું ખુલ્યુ હતુ. આ દરોડામાં કુલ ૨૨૦૦ કિલો કાર્બાઇડયુકત કેરી તથા ૧૦૦ ચાઇનીઝ કેમીકલ પડીકીનો નાશ કરવામાં આવ્યો હતો તેમ મ્યુનિ. કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડે જણાવ્યુ હતુ.

આ અંગે મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. પી.પી.રાઠોડના જણાવ્યા પ્રમાણે આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા સતત ત્રીજા દિવસે કેરીના વેચાણ કેન્દ્રો તથા ગોડાઉનમાં કૃત્રિમ રસાયણથી પકવાતી કેરી અંગે સઘન ચકાસણી હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આજે કુલ ૪ જગ્યાએ ચકાસણી હાથ ધરેલ હતી. જેમાં ઇબ્રાહીમશાહ રેહમાનશાહ શાહમદાર, બાબુભાઇ હરજીવનભાઇ વીસાણી, સાજીદભાઇ ઇબ્રાહીમભાઇ વજુગરા-મોચીબજાર પોસ્ટ ઓફીસ પાસે તથા અખ્તરભાઇ મુસ્તકભાઇ શેખ - મમરાવાળા ચેમ્બર, મોચી બજાર સહિતનાં વેપારીને ત્યાં ઝેરી કાર્બાઇડના ધુમાડીયુ કરી કેરી પકવવામાં આવતી હોવાનું ખુલ્યુ હતુ. આ દરોડા દરમ્યાન કુલ ૨૨૦૦ કેરીનો નાશ કર્યો હતી. આ ઉપરાંત ચાઇનીઝ કેમીકલ પડીકી - ૧૦૦ નો નાશ કરવામાં આવ્યો હતો. તેમ તંત્રની સતાવાર યાદીમાં જણાવાયુ હતુ.

(4:28 pm IST)