Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

હરીપર (પાળ) ગામે પાંચ કરોડના ખર્ચે નકલંકધામ મંદિરનું નિર્માણ થશે : કાલે ધર્મોત્સવ

છપ્પનભોગ, પાટના દર્શન, મહાપ્રસાદ, સન્માન : લોકડાયરામાં અલ્પાબેન પટેલ, ખીમજીભાઈ ભરવાડ, ધીરૂભાઈ સરવૈયા જમાવટ કરશે

રાજકોટ, તા. ૧૪ : કાલાવડ રોડ, કોસ્મોપ્લેક્ષ સિનેમાથી આગળ મોટેલ ધ વિલેજની સામે હરીપર (પાળ) ગામમાં આવેલ જય નકલંક ધામ ખાતે આવતીકાલે તા.૧૫ને મંગળવારે જય રામદેવ રામામંડળ રાજકોટ દ્વારા આયોજીત જય બાબારી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ તેમજ સમસ્ત હરીપર (પાળ) ગામના સહયોગથી જય નકલંક ધામ મંદિરના લાભાર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલુ છે.

આ લોકડાયરામાં અલ્પાબેન પટેલ, તેમજ ખીમજીભાઈ ભરવાડ જેવા સુપ્રસિદ્ધ કલાકારો ભજનની સંતવાણી પીરસીને તેમજ ધીરૂભાઈ સરવૈયા જેવા સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર હાસ્યની રમઝટ બોલાવીને જય નકલંક ધામ હરીપર (પાળ)ને સાક્ષાત રણુજા નગરી બનાવી દેશે. આ ઉપરાંત રામદેવપીરનું સમાધી સ્થળ (રામદેવરા રણુજા) રાજસ્થાન મારવાડથી રામદેવપીરના વંશજ તેમજ ત્યાના ગાદીપતિ એવા રાવ ભોમસીંગ તંવર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

આવતીકાલે રામદેવપીરની પાટના દર્શન અને રામદેવપીરના છપ્પનભોગ દર્શનનું પણ આયોજન કરવામાં આવેલુ છે. રામદેવપીરના પાટના દર્શન અને રામદેવપીરના છપ્પનભોગ દર્શનનો સમય સવારે ૧૦ વાગ્યાથી રાત્રીના ૧૨ સુધી, તેમજ સાંજે ૬ વાગ્યે મહાપ્રસાદ રાખેલ છે. ત્યારબાદ રાત્રે ૮ કલાકે આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવશે અને ત્યારબાદ રાત્રે ૯ વાગ્યે લોકડાયરાની શરૂઆત થશે. આ જય નકલંક ધામ આશરે સાડા ચારથી પાંચ કરોડના ખર્ચે જય રામદેવ રામામંડળ રાજકોટ પોતાના સ્વ ખર્ચે દર શનિવાર તેમજ મંગળવારે રામામંડળ રમી રમીને જય નકલંક ધામ મંદિર બનાવેલ છે. તેમજ આ મંદિરનું હવે ફકત ફલોરીંગ કામ તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જ કાર્ય બાકી છે. તેમ આગેવાનોએ જણાવેલ. ભાવિકોને લાભ લેવા સર્વેશ્રી રાજેશભાઈ શીંગાળા, જેન્તીભાઈ તરપદા, વિપુલભાઈ ચોવટીયા અને મનુભાઈ રાઠોડ દ્વારા અનુરોધ કરાયો છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:27 pm IST)