Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

કપાસીયા ખોળ મીલ ઉદ્યોગ મરણપથારીએ

નોટબંધી બાદ જીએસટી કાયદાની અસર : ભેળસેળનું દુષણ પણ કારણરૂપ

રાજકોટ તા. ૧૪ : કપાસીયા ખોળ મીલ છેલ્લા બે વર્ષથી મૃતપાય અવસ્થામાં હોવાની ચિંતા સૌરાષ્ટ્ર ખોળ ફટક દલાલ એસોસીએશનના પ્રમુખ અવધેશ સેજપાલે વ્યકત કરી છે.

ગત વર્ષે રૂ. ગાસડી (૧૭૦ કિ.ગ્રા.) નું ઉત્પાદન ૩.૪૦ લાખ ગાંસડીનું હતુ. ચાલુ વર્ષે રૂ. ગાંસડી (૧૭૦ કિ.ગ્રા.) નું ઉત્પાદન ૩.૬૦ થી ૩.૭૦ લાખ ગાંસડી થવા જઇ રહ્યુ છે. ઉત્પાદન ઘટવા પાછળ નોટબંધી અને બાદમાં જીએસટીના કાળા કાયદાએ અસર જવાબદાર ગણવામાં આવી રહી છે.

ઉપરાંત કપાસીયા ખોળમાં અખાદ્ય ચીજોની ભેળસેળને કારણે પણ પશુ પાલકો ખોળના બદલે અન્ય ચારો પશુને આપતા થઇ ગયાનું એક કારણ પણ જવાબદાર ગણવામાં આવી રહ્યુ છે.

હાલ કપાસીયાનો સ્ટોક ૧૦ થી ૧૨ હજાર ટ્રક તેમજ કપાસીયા ખોળનો સ્ટોક ૪૪ થી ૪૫ લાખ બોરી (પ૦ કિ.ગ્રા. બોરી) નો છે. સદરહું સ્ટોક સાલના ૬ માસ પહેલાનો હોય હાલની ગરમી સામે  કલર ચોકલેટી થઇ જતા સ્ટોકીસ્ટોમાં ગભરાટ ફેલાઇ જવા પામી છે. હાલમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં આશરે ૧૧૦૦ ઓઇલ મીલમાંથી ૩૦૦ ઓઇલ મીલ જ ચાલુ છે, તેમા પણ કપાસીયા ખોળનો નિકાલ થતો ન હોય હાલ બંધ હાલતમાં છે. આમ કપાસીયા ખોળમાં આવેલ મંદિ નિવારવામાં નહી આવે તો આવનારા સમયમાં ખોળ ઉદ્યોગ મૃતપાય થઇ જશે તેવી ચિંતા અવધેશ સેજપાલ (મો.૯૪૨૬૨ ૧૬૮૬૦) એ વ્યકત કરી સત્વરે ઘટતુ કરવા માંગણી ઉઠાવી છે.

(4:06 pm IST)