Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

મ.ન.પા.નો દાવો : હોમ આઇસોલેટેડ દર્દીઓની સારવાર : નિયમીત ચેકઅપ

રાજકોટ તા. ૧૪ : કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણની કડી તોડવા માટે  શરદી તાવના દર્દીઓને શોધી તેઓના ટેસ્ટ કરવા અત્યંત આવશ્યક હોઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સેવાઓ ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે, સાવ સામાન્ય લક્ષણ ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીઓને મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી રહેલી હોમ આઈસોલેશનની નિૅંશૂલ્ક સેવા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૭૫ સંજીવની રથથી લોકોને સેવા આપવામાં આવી રહી છે જેના મારફતથી હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓનું નિયમિત ચેકઅપ કરવામાં આવે છે.

આ અંગેની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓ માટે રાજકોટ મહાનગરપાલિકા ખાતે સ્પેશિયલ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે જયાંથી હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓની દરરોજ ટેલીફોનીક સંભાળ લેવામાં આવે છે, જરૂર જણાય તો સંજીવની રથ દ્વારા તુર્ત જ દર્દીના ઘરે જઈને ચેકઅપ કરવામાં આવે છે. હોમ આઇસોલેશન માટે મહાનગરપાલિકાના આશરે ૩૦૦ થી વધુ કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જેમાંથી ૧૭૫ જેટલા આરોગ્ય કર્મીઓ સંજીવની રથ સાથે સતત ફિલ્ડમાં ફરજ બજાવે છે અને ૧૨૫ લોકો કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનીક સંભાળ લેવાની કામગીરી બજાવે છે. સંજીવની રથ સાથે જરૂરી મેડીકલ ટીમ પણ રાખવામાં આવી છે.

હોમ આઇસોલેશન સારવાર સંપૂર્ણ પેપરલેસથી કરવામાં આવી રહી છે. હોમ આઇસોલેશનની વ્યવસ્થા કમ્પ્યુટર સિસ્ટમ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ એપ્લીકેશન 'કોવીડ ટ્રેસ'દ્વારા કરવામાં આવે છે. આ એપ્લીકેશન મારફત જ સ્ટાફ દ્વારા રીપોર્ટીંગની કામગીરી પણ કરવામાં આવે છે. 

હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની સારવાર અને મોનિટરિંગ માટે મહાનગરપાલિકા ખાતે ખાસ કંટ્રોલ રૂમ (ફોન નંબર-૦૨૮૧ – ૨૨૨૦૬૦૦, ૨૨૨૩૮૪૨) સવારે ૦૮ૅં૦૦ વાગ્યા થી રાતના ૦૮ૅં૦૦ વાગ્યા સુધી ચલાવવામાં આવી રહયો છે. હોમ આઈસોલેટ થયેલા દર્દીઓને મનપાના આરોગ્ય કેન્દ્રો અને સંજીવની રથના માધ્યમથી કન્સલ્ટેશન, ચેકિંગ, દવા અને મોનિટરિંગની સેવા તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે. મનપાના કંટ્રોલ રૂમ દ્વારા ટેલીફોનિક અને રૂબરૂ પણ આ દર્દીઓની નિયમિત સમયાંતરે ખબરઅંતર પૂછવામાં આવે છે અને દર્દીને સ્વાસ્થ્ય સંબંધી જો કોઈ મુશ્કેલી હોય તો તેનું ફોલોઅપ કરવામાં આવે છે.

(3:43 pm IST)