Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

સિવિલ હોસ્પિટલમાં દર્દીને ઇન્જેકશન આપવાના નામે પૈસા પડાવવાના કારસામાં મયુર ગોસાઇની સામે કાર્યવાહી

અરજી પરથી અટકાયતી પગલાઃ મયુરે એક ફોન જોડી દર્દીના સગાને કહેલું-લ્યો ડોકટર સાથે વાત કરોઃ ડોકટરે ૪૫ હજારનો ખર્ચ થશે અને મયુરને રાજી કરવા જે આપવું હોય એ આપજો તેમ કહેલું: ડોકટર બનેલો શખ્સ કોણ? તે અંગે તપાસ યથાવત

રાજકોટ તા. ૧૪: કોરાનાને કારણે હાલમાં રાજકોટવાસીઓ માટે ફરીથી કપરો સમય ચાલી રહ્યો છે. ખાનગી અને સિવિલ હોસ્પિટલો સંક્રમિતોથી સતત ઉભરાઇ રહી છે અને મૃત્યુનુ પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધી ગયું છે. કોરોનાના દર્દીઓને ઉપયોગમાં લેવાતા અમુક ઇન્જેકશન માટે પણ દર્દીઓના સગાઓને હેરાન થવું પડી રહ્યાની ફરિયાદો વચ્ચે શહેરની સિવિલ હોસ્પિટલમાં કોવિડમાં દાખલ એક મહિલા દર્દીના સગાને મોબાઇલ ફોનમાં મેસેજ કરી 'તમારા દર્દીને ટોસિલિઝુમેબ ઇન્જેકશન આપવાની જરૂર છે, તમારી પાસે ન હોય તો અમે વ્યવસ્થા કરી આપશું...૪૫ હજારનો ખર્ચ થશે' તેવું કહી બે શખ્સોએ આ પૈસા દર્દીના સગા પાસેથી ખંખેરવાનો કારસો ઘડ્યો હતો. પરંતુ દર્દીના સગાને શંકા ઉપજતાં ભાંડો ફુટી ગયો હતો અને વાત પોલીસ સુધી પહોંચતાં પોલીસે એક શખ્સને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરી હતી. હાલ અરજીને આધારે થયેલી કાર્યવાહી અંતર્ગત આ શખ્સ સામે અટકાયતી પગલા લેવાયા છે.

ગઇકાલે સિવિલ હોસ્પિટલ ખાતે સિત્તેર વર્ષના એક વૃધ્ધ કોવિડ સેન્ટરના ફરિયાદ વિભાગમાં પહોંચ્યા હતાં અને જવાબદાર અધિકારી સમક્ષ જણાવ્યું હતું કે પોતાના પરિવારના મહિલા દર્દી કોવિડમાં ચોથા માળે દાખલ છે તેને ટોસિલિઝુમેબ ઇન્જેકશન આપવા માટે રૂ. ૪૫ હજાર માંગવામાં આવ્યા છે. આ વાત સાંભળી અધિકારી પણ ચોંકી ગયા હતાં અને પોલીસ સુધી વાત પહોંચી હતી. ઇન્જેકશન પુરા પાડવાના બદલામાં પૈસા માંગનારને પોલીસે સકંજામાં લીધો હતો. અરજદારની અરજી પરથી આ મામલે પોલીસે હાલ મયુર હસમુખભાઇ ગોસાઇ (ઉ.વ.૨૭-રહે. રેલનગર, સ્ટાર રેસિડેન્સી) સામે અટકાયતી પગલા લીધા છે. આ શખ્સ ચોટીલામાં ઇમિટેશનની દૂકાન ધરાવે છે.

અરજદારે જણાવ્યું હતું કે પોતાને મોબાઇલ ફોનમાં એક મેસેજ આવ્યો હતો. જેમાં અમારા પરિવારના મહિલા કોવિડમાં દાખલ હોઇ તેને ટોસિલિઝુમેબ ઇન્જેકશન આપવાની જરૂર છે, જે બહારથી મંગાવવા પડશે એવું કહેવાયું હતું. એ પછી એમ કહેવાયેલ કે તમારાથી વ્યવસ્થા ન થાય તો અમે કરી આપશું, પણ પૈસા આપવા પડશે. પરિવારના સદસ્યનો જીવ બચાવવા અમે આ પૈસા આપવા તૈયાર થઇ ગયા હતાં. સોમવારે આ વાત થઇ હતી. એ પછી મંગળવારે સવારે ફોન કરીને તમારા દર્દીને બાટલામાં ઇન્જેકશન અપાઇ ગયા છે તેવું કહેવાયું હતું. પણ આ બાબતે શંકા ઉપજતાં તપાસ કરાવતાં ખબર પડી હતી કે કોઇ ઇન્જેકશન દર્દીને અપાયા નથી. આથી કલેકટ તંત્રના અધિકારી અને પોલીસ સુધી વાત પહોંચાડાઇ હતી.

પોલીસે હાલ તુર્ત અરજીને આધારે મયુર ગોસાઇ સામે અટકાયતી પગલા લીધા છે. મયુરે પ્રાથમિક પુછતાછમાં પોતાને સંજય ગોસ્વામીનું નામ આપ્યું છે. હોસ્પિટલે સતત હાજરી આપતાં ભાજપ આગેવાન સંજય ગોસ્વામીનો શું રોલ છે એ હજુ સ્પષ્ટ થઇ શકયું નથી. કારણ કે ગઇકાલ બપોરથી તેનો ફોન સ્વીચ ઓફ આવે છે. તે મળ્યા બાદ હકિકત ખુલશે.

મયુરે એક ફોન જોડીને દર્દીના સગાને આપ્યો હતો અને ડોકટર સાહેબ છે વાત કરો, તેમ કહ્યું હતું. એ પછી ડોકટર તરીકે વાત કરનારે ઇન્જેકશન આપવાના છે અને કેટલો ખર્ચ થશે તેની વાત કરી હતી તેમજ મયુરને જે રીતે રાજી કરવો હોઇ એ રીતે રાજી કરી દેજો તેમ કહ્યું હતું. ડોકટર તરીકે વાત કરનાર કોણ? તેની પણ તપાસ થઇ રહી છે.

(3:04 pm IST)
  • ઓક્સિજનની સુવિધા માટે ગાંધીનગર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમ તૈયાર કરાયો : IAS અધિકારી એ.બી.પંચાલની ઇન્ચાર્જ તરીકે કરાઇ નિમણૂંક access_time 11:41 pm IST

  • CBSE ધો. ૧૨ની પરીક્ષા મોકૂફ : ધો. ૧૦ની પરીક્ષા રદ્દ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોજેલ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન અને શિક્ષણ સચિવ સાથે યોજાયેલ બેઠકમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સીબીએસઈ પરીક્ષાઓને લઈને મોટો નિર્ણય કર્યો છે. સીબીએસઈ ધો.૧૨ની પરીક્ષા મોકૂફ અને ધો.૧૦ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે access_time 2:14 pm IST

  • રાજકોટ કોમોડિટી એક્સચેન્જના CEO શ્રી પી.બી. પાઠકનું દુઃખદ અવસાન : કોરોના સામે જંગ હારી ગયા : રાજકોટનું વધુ એક રત્ન કોરોનાએ છીનવી લીધું access_time 11:20 pm IST