Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

'આત્મનિર્ભર ભારત'નું સપનુ સાકાર કરવા નાના હુન્નર અને ગૃહ ઉદ્યોગ પ્રત્યેની ઉદાસીનતા દૂર કરવી જરૂરી

કોરોના મહામારીની અસર વિશ્વનાં દરેક ક્ષેત્રે પડી હોય સ્વાભાવિક રીતે જ ભારતીય અર્થતંત્ર તેનાથી બાકાત નથી. આ વખતે દેખીતું જી.ડી.પી. ભલે ઉપર ચાલતું હોય જો કે એની સકારાત્મક અસર ભારતને પણ અસર કરી છે. પરંતુ ખાસ કરી નાના ધંધાર્થીઓ કે ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન પૂરા પાડતા હુન્નરોને ધ્યાનમાં લઇ 'આત્મનિર્ભર ભારત'નો ખ્યાલ પ્રચલિત બન્યો . ત્યારે એક નજર આપણા ઘર આંગણે પણ નાંખવી રહી. આર્થિક હાડમારીનાં ઉપાયરૂપે આવા ગૃહ ઉદ્યોગ આપણને ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે. ખાસ કરીને શાળા કોલેજમાં ખાદીનાં ગણવેશને આવકારદાયક ગણવામાં આવે પણ ઘણા બધા લોકોને આર્થિક રોજગારી મળી શકે તેમ છે.

પ્રસ્તુત લેખમાં ગુજરાત સૌરાષ્ટ્રનાં સંદર્ભમાં હુન્નર શાળા, નાના ગૃહ ઉદ્યોગની વાત પ્રસ્તુત કરવામાં આવી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર ભૌગોલિક રીતે તેમજ સાંસ્કૃતિક રીતે અનેક વિભિન્નતાઓ ધરાવે છે. પોતાની આગવી વિશિષ્ટતા તેની લોક સંસ્કૃતિમાં છુપાયેલી છે. આ અભિન્નતાનાં ઉદ્બવનું કારણ એ અનેકવિધતા ધરાવતી ભાતીગળ સંસ્કૃતિ છે. તેનાં કારણે જ સૌરાષ્ટ્ર એ પ્રાદેશિકતાનાં સંદર્ભે અત્યંત મહત્વનું બની રહે છે. આ મહત્વ લોકજીવનનાં તમામ પાસાઓમાં છલકાતું જોવા મળે છે. આથી સાહિત્ય હોય કે સામાજિકતા સૌરાષ્ટ્ર હંમેશા આગવું રહ્યું છે. સામાજીક વિજ્ઞાનો સમાજનાં વિવિધ પાસાઓનાં અભ્યાસો કરે છે. બધાં વિજ્ઞાનોમાં અને ખાસ કરીને સમાજ વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ગુજરાતમાં સૌરાષ્ટ્રની ભાતીગળતા સાથે અનેરો નાતો રહ્યો છે. સૌરાષ્ટ્રની કલા, સંસ્કૃતિ, સંગીત, લોકજીવન, લોકો અને જ્ઞાતિનાં રિતરિવાજો પર ઘણા અભ્યાસો થયા છે.

 આ તકે એક વાત કહેવી પડે છે. આટલી લોક સંસ્કૃતિની સમૃદ્ઘિ ધરાવતો પ્રદેશ હોવા છતાં સમાજશાસ્ત્રીય વિષયની શાળા તરીકે કે માનવશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યથી અહીંના લોકોનાં ખૂબ જૂજ અભ્યાસો થયા છે. અહીની કારીગરી પણ એટલી જ પ્રખ્યાત હોવા છતાં સૌરાષ્ટ્ર પ્રદેશ પર એટલી અભ્યાસકીય પ્રવૃતિ થઈ હોવાનું મારી જાણમાં આવ્યું નથી. સાહિત્યને લોકબોલી ક્ષેત્ર થયેલા કાર્યની સરખામણીમાં સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્ય કે માનવશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યથી કાર્ય થયું નથી જેનો વસવસો હંમેશા આપણને રહ્યાં કરે છે.

આ વસવસાને ઉણો પાડવા માટે કેટલાંક ક્ષેત્રે સૌરાષ્ટ્રની અભ્યાસ ક્ષિતિજો માપી શકાય તેવા પ્રયાસોનો આરંભ આપણે કરવો રહ્યો . સૌરાષ્ટ્રમાં ભાતીગળતા પોતાની વિવિધ સંસ્કૃતિમાં સ્પષ્ટપણે દેખાય આવે છે. આ લોકજીવનનાં પાસાઓનાં વાસ્તવમાં જીવતા રાખવાનું કાર્ય એ પ્રદેશની કળાઓ કરે છે. આ કળાને ઘડનાર સૌરાષ્ટ્રના વિવિધ વિશિષ્ટ હુન્નરો છે , હાથ કારીગરો છે. એક સમયે આ ભાતીગળતાનું હૃદય એ આ હાથ કારીગરી જ હતી . સમયનાં વહાણે એ સમગ્રને માર આપ્યો છે એ વાત આપણી નજર સમક્ષ છે. જેનો માર એ કારીગરી ઝીલી શકી નથી અને સમયાંતરે તે લુપ્ત થતી ગઈ છે. વાસ્તવમાં લોકોનો આધુનિકતામાં મુલ્યો તરફનો વધેલો ઝોક અને મોહ બન્ને જવાબદાર કારણોમાં પ્રમુખ રહ્યાં છે. પુરતી કે સમયની માંગ પ્રમાણેની રોજગારી ન આપી શકવાનું પરિબળ પણ આ માટે જવાબદાર રહ્યું છે.

આમ છતાં પણ આજે લોકોમાં એ ભાવના પ્રબળરૂપે સંગ્રહિત છે કે સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરતાં હુન્નરોને હાથ બનાવટની વસ્તુઓ આપણી સાચી ઓળખ છે. વર્તમાન સમયમાં આ કારીગરી કરતા હાથ જે વધુ માળખાકિય રીતે પરંપરાગત ઢાંચા સાથે જોડાયેલા હતાં આથી તેઓનો વ્યાપ વધી શકયો નથી તેનાં કારણે આજે પ્રથાઓ અંત તરફ ચાલી છે. પરંતુ ગાંધીયુગમાં આને જીવંત રાખવામાં ખૂબ પ્રયત્નો થયાં છે તેનાં ભાગરૂપે કેટલાક સ્થાનો પર આવી હુન્નરશાળાઓની શરૂઆત થઈ સમાજનો એવો તબકકો જે આધુનિક યુગ સામે બાથ ભીડી શકે તેમ નથી તે આવી પોતાની લોહીમાં પડેલી કારીગરીને અહીંયા નીખારીને પોતાનું ગુજરાન ચલાવી શકે . પોતે પગભર બની શકે છે.

પરંતુ આજનાં સમયમાં જયારે હરિફાઈ અને વૈશ્વિક બજાર છે ત્યારે તેમાંથી જોઈએ તેટલા પ્રમાણમાં રોજગારી મેળવવી ખૂબ મુશ્કેલ બની છે. આથી સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી આવી હુન્નરશાળાઓના અભ્યાસ કરવાથી તેઓની પરિસ્થિતિનો સાચો ચિતાર જાણી શકાય છે. સંસ્કૃતિ ધરોહર તથા આ કારીગર વર્ગ માટે તથા તેઓની કારીગરીને બચાવા માટે શું થઈ શકે તે જાણી શકાય છે.  ભારતમાં ઐતિહાસિક મહત્વ ધરાવતી તથા ગાંધીજી સાથે જોડાયેલા સ્મારકો પૈકીની રાજકોટની રાષ્ટ્રીય શાળા ખાતે શરૂ થયેલ હુન્નરશાળાની શરૂઆત ૧૯૫૧ માં થઈ હતી.

હુન્નરશાળાનાં ઉદેશ્યો જેવા કે પરંપરાગત કળાને જાળવી રાખવી, તે કળાનાં માધ્યમથી રોજગારીનું સર્જન કરવું , સ્વદેશીકરણને વેગ આપવો, વ્યકિતમાં પડેલા હુન્નરને વધુ કેળવવો, તે અન્ય લોકોને તાલીમનાં માધ્યમથી પ્રસારીત કરવો તથા તેને વારસાગત ન બનાવી રાખતા સ્વાત્રિક બનાવવું જોઇએ.

હુન્નર શાળાઓ યુવાનો કે શિક્ષિત યુવાનોને આકર્ષિત કરવામાં નિષ્ફળ નિવડી હોય તેમ જણાઈ આવે છે. આમ થવા માટે જવાબદાર પરંપરાગત સંસ્કૃતિનાં તત્વો પર યુવાનોનો ઘટતો રસ પણ જવાબદાર છે. સંતાનો જે યુવાનો છે તે આ ક્ષેત્રને અપનાવા માંગતા નથી. આજે પણ, પરંપરાગત કળાઓમાં સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ સીમીત બની રહી છે. આર્થિક ઉપાર્જનનું સરળ સાધન જે ઘરેથી જ થઈ શકે તેમ છે તેમ હોવા છતાં એ જવાબદારી પુરૂષો જ ઉઠાવે તેવાં પરંપરાગત મતનું પુનરાવર્તન અહીં જોવા મળે છે.ગાંધીજીનાં સમાનતાનાં મુલ્યોને વાસ્તવિકતા પ્રહત કરવામાં હુન્નરશાળાઓ ખૂબ જ મહત્વનું કાર્ય કરી રહી હતી. હુન્નર શાળાઓ સક્રિય બનવા માટેનાં અભિયાન સ્વરૂપે

(૧) હુન્નરશાળાને વધુ સક્રીય બનાવવા માટે વિવિધ શિક્ષણ સંસ્થાઓને આની સાથે જોડવી આવશ્યક દેખાય છે. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સાથે હુન્નર શાળાઓને જોડવી જોઇએ જેથી યુવાનોમાં હુન્નર અંગે ઘટતો ઝોક ટાળી શકાય તેમજ મુખ્ય રોજગારીની અવેજીમાં તેને રોજગારલક્ષી સાધન તરીકે સ્થાપિત કરી શકાય .

(૨) સામાજીક સંસ્થાની ભૂમિકા ખૂબ મહત્વની સાબીત થઈ શકે તેમ છે. જેથી મહિલાઓ  તથા ગ્રામીણ વિસ્તારો સુધી આ હુન્નરશાળાને પહોંચાડી લોકોને પગભર કરી શકાય છે. જેથી પોતાની સંસ્કૃતિને જાળવણીમાં પણ ઉપયોગી સાબિત થઈ શકે.

(૩) મહત્વની બાબત એ છે કે હુન્નરશાળાઓને માત્ર શહેરોમાં નહીં પરંતુ ખાસ સંસ્કૃતિ પ્રત્યેનો ઉડો લગાવ ધરાવતા ગ્રામીણ સમુદાયમાં લોકો સુધી પહોંચાડવી જોઈએ જેથી તેનો સાચો હેતુ સાર્થક બને.  તે માટે દરેક ગામડે રહેલી આંગણવાડીઓને હુન્નર શાળાનાં એકમ બનાવી શકાય તેમ છે. તેના બાળકોને ત્યાં શિક્ષણ મળે અને એટલી કલાક બહેનો પરંપરાગત હુન્નરનું કાર્ય શીખે અથવા કરે તો એક ઉધોગ એકમ પણ બની શકે જેથી સરકારને માળખાગત સુવિધા પાછળ કરવાનો ખર્ચ તેમનાં વિકાસ પાછળ લગાવી શકાય છે. આંગણવાડીમાં એક અલગ પાંખ તરીકે હુન્નરશાળાને ગામડે ગામડે પહોંચાડી શકાય તેમ છે અને તેની જરૂર પણ તેટલી જ છે.

(૪) વધુમાં યુવાનોને આકર્ષવા માટે પરંપરાગત વ્યવસાયોમાં સમાવિષ્ટ થતી ચીજવસ્તુઓને યુવાનોની માંગ પ્રમાણે, સ્થાનિક માંગ પ્રમાણે હુન્નરો શિખવામાં આવે તો તેનો વ્યાપ વધારી શકાય છે. આથી નહીં માત્ર પટોડા કે માટીકામ પરંતુ સંસ્કૃતિ સાથે જોડાયેલા ભૌતિક તત્વો જે સ્થાનિક કક્ષાએ અલગ - અલગ છે તેને શોધ કરીને તેનું માર્કેટ કેટલું છે તે અંગેનું સંશોધન થાય એ બાબતોને પણ આમાં સમાવિષ્ટ કરવી જ રહી . અંતે સરકારશ્રીની મદદ હુન્નર શાળાને મળે છે પરંતુ તેમાં વધુ સુધાર કરીને પ્રોત્સાહન બળ મળે તેવા પ્રયાસો હજુ સરકારશ્રીએ કરવા પડશે. આ માટે નવા ઉદ્યોગ સાહસિકોની મદદથી સરકારશ્રી પ્રોત્સાહન આપી હુન્નરશાળાને ઉદ્યોગનાં દરજજામાં લઈ ખાસ કાર્યક્રમ ઘડવાની જરૂરિયાત છે.

હુન્નર શાળાએ માત્ર સંસ્કૃતિનું જતન જ નથી . પરંતુ સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ જોતાં એક સંપૂર્ણ સંસ્થા તરીકેનું કાર્ય સમાજ માટે કરી રહી છે તેને ટકાવી રાખવી ખૂબ જ આવશ્યક બને છે. ગુજરાતમાં અને ખાસ સૌરાષ્ટ્ર વધુ ભાતીગળ છે ત્યારે સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં કેટકેટલાય હુન્નરો પડેલા છે જે લગભગ મૃતપાય બની ચુકયા છે. આવી સંસ્થાઓનાં માધ્યમથી તેમાં ફરી પ્રાણ ફુંકી શકાય તેમ છે.

વધુમાં આ અંગે આવા અનેક છુપા હુન્નરોને બહાર આવવા અંગેનો તેમજ હુન્નરશાળા માટે વિવિધ યોજનાઓ કરી શકાય તેમ છે તથા યુવાનોને કેમ કરી આ તરફ વાળવા તે માટેનાં અભ્યાસોની તકો રહેલી છે. વર્તમાન સમયમાં આવા નાના ગૃહ ઉદ્યોગોની તાતી જરૂર હોય સમાજે તેનો સકારાત્મક અભિગમ અપનાવો રહ્યો.

: આલેખન :

ડો. જયશ્રી નાયક

અધ્યક્ષ, સમાજશાસ્ત્ર ભવન,

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

(2:58 pm IST)