Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

રાજકોટમાં રાજગોર સમાજનું નિઃસંતાન દંપતિ કોરોનામાં ખંડીત

શોભનાબેન ભરાડ પર પતિના નિધનથી આભ તૂટી પડયુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૪ : સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ઝડપભેર ફેલાય રહી છે અસંખ્ય લોકો સંક્રમિત થઇ રહ્યા છે.

આપણે હૃદય દ્રવી ઉઠે તેવો રાજકોટ  શહેરનો એક કિસ્સો બહાર આવ્યો છે. રાજકોટના ન્યુ પરસાણાનગરમાં સંતનિરાં કરી સત્સંગ ભવન પાસે જયદિપ મકાનમાં રહેતા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનું દંપતિ કોરોનાની ઝપટે ચડી જતા આ દંપતિ જોડુ ખંડીત થતા રાજગોર સમાજમાં અરેરાટી ફેલાઇ છે.

મળતી વિગતો મુજબ રાજકોટ ખાનગી સીકયુરીટી કંપનીમાં સર્વિસ કરતા જગદીશ કુમાર ભવાનીશંકર ભરાડ ઉ.વ.૬૪ છેલ્લા દશેક દિવસથી શરદી, ઉધરના લક્ષણો સાથે સારવાર લેતા દરમ્યાન તેઓને રીપોર્ટ કરાવતા કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા તેઓ ઘરે હોમ કોરન્ટાઇન રહી સારવાર લેતા દરમ્યાન ગઇકાલે એકાએક શ્વાસ લેવામાં તકલીફ પડતા જગદીશભાઇના પત્નિ શોભનાબેન તેઓને સાથે લઇ શહેરમાં બે-ત્રણ હોસ્પીટલે સારવાર માટે ગયા પરંતુ કયાંય જગ્યા ન હોવાથી તેઓ તેમના જેઠના દિકરા નિમીષ ભરાડને લઇને રાજકોટ સિવીલ હોસ્પીટલમાં એમ્બ્યુલન્સમાં ઓકિસજન સાથે લઇ ગયેલ ત્યાં પણ દર્દીઓને વેઇટીંગમાં લેવામાં આવી રહ્યા હતાં.

દરમ્યાન તેઓનો ૪થા ક્રમે વારો હતો અને તાબડતોબ તેમને સ્ટ્રેચરમાં લઇ અને સારવાર માટે લઇ જતા હતા દરમ્યાન તેઓને સારવાર મળે તે પહેલા તેઓ એ દમ તોડયો હતો.

મળતી વિગતો મુજબ ખુબ સુખી પરિવારમાં જલંધર ગીરમાં દેવજીભાઇ જેઠાભાઇ શીલુ નગર શેઠને ત્યાં જન્મેલ સૌથી નાની દિકરી એવા શોભનાબેનના હોશહોશે રાજકોટ રહેતા તેમના ભાઇ ભીખુભાઇ શીલુએજ દાયકા પહેલા જગદીશભાઇ ભરાડ સાથે લગ્ન કરાવ્યા બાદમાં થોડા વર્ષો પછી આ દંપતીની ત્યાં દિપેશ નામના પુત્રનો જન્મ થયો પણ જાણે આ દંપતિના સુખી જીવનને કોઇની નજર લાગી હોય તેમ તેમના એકના એક પુત્ર દિપેશ થેલેસેમીયાગ્રસ્ત થયો અને દર માસે તેને લોહી ચડાવવુ પડતુ અને ૧૩ વર્ષની વયે આ દંપતિ ના લાડલા દીપુ એ વિદાય લઇ લેતા તેમના પર આભ તુટી પડયુ હતું.

છતાં સુખ-દુખમાં વ્યથિત થયા વગર આ દંપતિ સુખ શાંતિથી જીવન ગુજરાતુ હતુ ત્યારે કોરોનાની ઝપટે આ દંપતિ ચડી જતા ગઇકાલે બપોરે સારવાર મળે તે પહેલા જગદીશભાઇ ભરાડે દમ તોડયો હતો અને હાલ તેઓનુ ડેડ બોડી સીવીલ હોસ્પીટલમાં રખાયું છે તે બોડી તેમના પત્નિ શોભનાબેનને સોપે તે પહેલા શોભનાબેનનો રિપોર્ટ કરાવવામાં આવતા તેઓ પણ કોરોના પોઝીટીવ આવતા તેઓ તેમના ઘરે હોમ કવોરન્ટાઇન થઇ સારવાર લઇ રહ્યા છે. અને હૈયાફાટ રૂદન કરી રહ્યા છે કે હવે મારે જીવીને શુ કરવુ મારૂ તો બધુ લૂંટાય ગયુ. ગઇકાલના તેઓ જમ્યા પણ નથી અને સગા-સ્નેહી આડોશી - પાડોશી તેઓને આશ્વાસન આપી રહ્યા છે શોભનાબેન ભરાડને ટેલીફોનિક સાંત્વના પાઠવવા તેમના મો. નં. ૯૯ર૪૮ ૯૧પ૦૮ છે.

(12:44 pm IST)