Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

રાજકોટના ગવરીદળમાં શુક્રવારથી ૨૧મી સુધી એક અઠવાડીયા સુધીનું લોકડાઉન

ગામમાં ૨૧ કેસ સક્રિયઃ એક વ્યકિતનું મૃત્યુઃ વધી રહેલા કેસો સામે સાવચેતી ભર્યુ પગલુ : સમસ્ત ગ્રામજનો-ગ્રામ પંચાયત અને વેપારીઓને સાથે રાખી નિર્ણય લેવાયો

રાજકોટ તા. ૧૪: કોરોનાનું સંક્રમણ ખુબ જ વધી ગયું હોઇ અને રોજબરોજ મૃત્યુનું પ્રમાણ પણ વધતાં સર્વત્ર તંત્રવાહકો કામે લાગી ગયા છે. લોકો પણ સ્વયં જાગૃત  બની રહ્યા છે. રાજકોટ શહેર-જીલ્લામાં અનેક ગામોમાં અડધા દિવસના તો અમુક ગામોમાં સંપુર્ણ લોકડાઉન સ્વેચ્છાએ પાળવામાં આવી રહ્યા છે. જેમાં વધુ એક ગામનો ઉમેરો થયો છે. રાજકોટના મોરબી રોડ પર આવેલા ગવરીદળ ગામમાં શુક્રવાર ૧૬મીથી આગામી ૨૧મી સુધી એક અઠવાડીયાનું સંપુર્ણ લોકડાઉન અમલી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિના કહેવા મુજબ ગામમાં તમામ મેડિકલ સ્ટોર, દવાખાના, બેંક સહિતની આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. એ સિવાય બધુ જ સંપુર્ણ બંધ રહેશે. સરપંચશ્રી અમિતભાઇ ચાવડાએ જણાવ્યા મુજબ તમામ ગ્રામજનો, ગ્રામ પંચાયત અને તમામ વેપારીઓએ સાથે મળીને સાવચેતીના ભાગ રૂપે આજે એક બેઠક યોજીને આ નિર્ણય લીધો છે. એ મુજબ ૧૬થી ૨૧મી સુધી ગામમાં સંપુર્ણ લોકડાઉન પાળવામાં આવશે. હાલમાં ગામમાં કોરોનાના ૨૧ એકટીવ કેસ છે. ત્રણ દિવસ પહેલા એક ગ્રામજનનું અવસાન પણ થયું હતું. હવે કેસ વધે નહિ એ માટે સાવચેતીના પગલા રૂપે સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(11:46 am IST)