Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

આરટીઓ નજીક જ હેમાંશુ મોચી અઢી વર્ષથી ધડાધડ બોગસ લર્નિંગ લાયસન્સ બનાવતો'તો!

એસઓજીએ માધવ એજન્સીમાં દરોડો પાડી તપાસ કરતાં ચોંકાવનારી વિગતો ખુલીઃ કલર સ્કેનરથી હેવી લાયસન્સ માટેના બોગસ સર્ટી બનાવતોઃ નકલી લાયસન્સ ૧૦ હજારમાં બનાવી આપતોઃ આરટીઓના કોઇની સંડોવણી છે કે કેમ? ૧૮મી સુધી રિમાન્ડ પર રહેલા શખ્સની વિશેષ પુછતાછ

નકલી લર્નિંગ લાયસન્સ અને તેના માટે જરૂરી નકલી સર્ટિફિકેટ બનાવી આપતાં ઝડપાયેલો આરટીઓ એજન્ટ હેમાંશુ વાળા (મોચી) તથા વિગતો આપી રહેલા ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, પીઆઇ આર. વાય. રાવલ તથા એસઓજીની ટીમ જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૩: આરટીઓ કચેરી પાસે જ માધવ એજન્સી નામે આરટીઓ એજન્ટની ઓફિસ ધરાવતો મનહર સોસાયટી-૬માં રહેતો મોચી શખ્સ હેમાંશુ હસમુખભાઇ વાળા (ઉ.૨૬) બોગસ લર્નિંગ  લાયસન્સ તેમજ હેવી લાયસન્સ માટે બોગસ સર્ટિફિકેટ બનાવી આપતો હોવાની બાતમી એસઓજીના મનરૂપગીરી ગોસ્વામી, જયંતિગીરી ગોસ્વામી અને ગિરીરાજસિંહ ઝાલાને મળતાં ગઇકાલે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં બાતમી સાચી નીકળતાં હેમાંશુ સામે આઇપીસી ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૪૭૪ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી પુછતાછ કરવામાં આવતાં છેલ્લા અઢી વર્ષથી તે કલર સ્કેનર-પ્રિન્ટરની મદદથી ધડાધડ નકલી લર્નિંગ લાયસન્સ રૂ. ૧૦ હજાર લઇને બનાવી આપતો હોવાનું કબુલ્યું છે.

એસઓજીએ ગત બપોરથી રાત સુધી ઓફિસમાં તપાસ કરી હતી. બાદમાં ઓફિસમાંથી લેપટોપ, કોમ્પ્યુટર, પ્રિન્ટર, કલર સ્કેનર, સીપીયુ, એક પેનડ્રાઇવ (જેમાં તમામ દસ્તાવેજની સોફટ કોપી છે), મોબાઇલ ફોન મળી રૂ. ૩૬,૩૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ શખ્સ સ્કેનર વડે એડિટીંગ કરેલા આધાર કાર્ડ, જન્મના દાખલા, મરણના દાખલા, ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એક જ નંબરની પરંતુ નામ વગરની અલગ-અલગ ત્રણ માર્કશીટ તથા અન્ય બે માર્કશીટ  તેમજ રાજકોટ જીલ્લા શહેરની અલગ-અલગ સ્કૂલોના છાત્રોના નામ, સરનામા વગરના સ્કૂલના સહી સિક્કાવાળા બોગસ તરીકે ઉપયોગમાં લેવા માટેના સ્કૂલ લિવીંગ સર્ટિફિકેટ મળ્યા હતાં. તેમજ ૧૯ લર્નિંગ લાયસન્સ મળ્યા હતાં જે આરટીઓ કચેરીમાં જઇ ખરાઇ કરાવતાં તેમાંથી ૧૧ લાયસન્સ બોગસ હોવાનું સામે આવ્યું હતું.

હેમાંશુ કઇ રીતે નકલી લર્નિંગ લાયસન્સ, નકલી સર્ટિ બનાવતો? તે અંગે પોલીસે તપાસ કરતાં એવું સામે આવ્યું છે કે તે બીકોમ સુધી ભણ્યો છે અને અઢી વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે. તે કોમ્પ્યુટરનો પણ જાણકાર છે. અગાઉ તેની પાસે કોઇ લાયસન્સ કઢાવવા આવ્યું હોય તે ગ્રાહકોના અસલ ડોકયુમેન્ટને સ્કેન કરીને પોતાના કોમ્પ્યુટરમાં રાખી દેતો અને સોફટવેર દ્વારા જે ગ્રાહક લાયસન્સ મેળવવાની લાયકાત ધરાવતો ન હોય તેનું નામ ઉમેરી ખોટા દસ્તાવેજ તૈયાર કરતો હતો. તેમજ આવા દસ્તાવેજમાં સ્કૂલ લિવીંગ સર્ટી, જન્મના દાખલા, માર્કશીટો અને પોલીસ તરફથી આપવામાં આવતાં દાખલા પણ તે નકલી બનાવતો હતો.

હેમાંશુને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ૧૮મી સુધીના રિમાન્ડ મળ્યા હોઇ પીએસઆઇ બી. કે. ખાચરે વિશેષ તપાસ હાથ ધરી છે. કોઇ આરટીઓના કર્મચારી કે અધિકારી કે અંદરના સ્ટાફની સંડોવણી તો નથી ને? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે. 

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની રાહબરીમાં પી.આઇ. આર. વાય. રાવલ, પીએસઆઇ એચ. એમ. રાણા, પીએસઆઇ બી. કે. ખાચર, એએસઆઇ વિજયકુમાર શુકલા, હેડકોન્સ. મનરૂપગીરી, ધર્મેન્દ્રસિંહ રાણા, કોન્સ. જયંતિગીરી, ગિરીરાજસિંહ જાડેજા, ગિરીરાજસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ચુડાસમા, અનિલસિંહ ગોહિલ, બ્રિજરાજસિંહ ઝાલા, ચેતનસિંહ ગોહિલ અને યુવરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(3:30 pm IST)