Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

કાળઝાળ ગરમીમાં શાકભાજીના ભાવમાં ભડકોઃ ઉનાળામાં આવક ઘટતા કિંમતોમાં ઉછાળો

ગુવાર- ભીંડાના ભાવ રિટેલમાં દોઢાઃ ડુંગળી-બટેટા અને ટમેટાના ભાવમાં રાહત

રાજકોટઃ કાળઝાળ ગરમી વચ્ચે શાકભાજીના ભાવમાં ભડકો થયો છે ઉનાળાનાં દિવસોમાં શાકભાજીની આવક ઘટના મોટાભાગના શાકભાજીના ભાવમાં ઉછાળો જોવાયો છ, જો કે ગુવાર અને ભીંડાનાભાવ હોલસેલ કરતા રિટેલમાં દોઢા જોવાયા છે જયારે ડુંગળી -બટેટા અને ટમેટાના ભાવ એકંદરે સ્થિર રહ્યા છે.

વેપારીઓ કહી રહ્યા છે કે, અસહ્ય ગરમીના કારણે શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતાં સ્થિતિ સર્જાઇ છે અને ઉનાળા સુધી હજુ ભાવ ઘટવાની કોઇ શકયતા નથી. લીલા શાકભાજીમાં થયેલો ભાવ વધારો ગૃહિણીઓને અકળાવી રહ્યો છે.

ઉનાળાની ગરમી પડી રહી છે. જેના કારણે શાકભાજીની આવક ઓછી થઇ ગઇ છે. માલની આવક ઓછી થઇ જતા ભાવમાં એકાએક વધારો થઇ ગયો છે. સામાન્ય દિવસોમાં શાકભાજી રૂ. ૪૦ના કિલોના ભાવે મળતા હતા તે વધીને રૂ. ૧૦૦ની આસપાસ થઇ ગયા છે. જેમાં પરવળ- વટાણા- ચોળી જેવા શાકના ભાવ રૂ. ૧૦૦થી ૧૨૦ થઇ ગયા છે. જયારે ઉનાળામાં લીંબુનો વપરાશ વધારે રહેતો હોઇ તેના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહયો છે.

લીંબુનાભાવ પણ ૧ કિલોના રૂ. ૧૨૦ ને આંબી ગયા છે. તેવી જ રીતે મરચા અને આદુનો ભાવ પણ ૧ કિલોના રૂ. ૧૨૦ પહોંચી ગયો છે.

જો કે, ડુંગળી -બટાકાનો ભાવ યથાવત રહેતાં લોકોને આંશિક રાહત છે.  ગરીબોને કસ્તુરી એવી ડુંગળી અને બટાકાનો ભાવ યથાવત રહેતા લોકોને આંશિક હદે રાહત છે. હોટેલોમાં મોટાભાગે ડુંગળી અને બટાકાનું શાક જ પીરસવામાં આવતું હોવાની પણ ફરિયાદ ઊઠી રહી છે.

(3:58 pm IST)