Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ગોંડલ સંઘાણી સંપ્રદાયના સ્વ. પૂ. વિજયાબાઈ મહાસતિજીના જીવન આધારિત પુસ્તકથી જબરો વિવાદઃ કાનૂની લડતની ચિમકી

પુસ્તકના લેખક અજયભાઈ શેઠે આગમ વિરૂદ્ધ પુસ્તક પ્રસિદ્ધ કર્યાનો આક્ષેપ લગાવતા જૈન શ્રેષ્ઠીઓ

ગોંડલ સંઘાણી સંપ્રદાયના સ્વ. પૂ. વિજયબાઈ મહાસતીજીનાં જીવન આધારીત પુસ્તકના વિવાદ અંગે 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા સંપ્રદાયની હિતરક્ષક સમિતિનાં દેવાશું શેઠ, પ્રફુલચંદ્ર મહેતા, ભાવેશ બાવીશી વિગેરેએ વિગતો રજૂ કરી હતી તે વખતની તસ્વીર(તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨-૧૮)

રાજકોટ, તા. ૧૪ :. ગોંડલ સંઘાણી સંપ્રદાયના સ્વ. પૂ. વિજયાબાઈ મહાસતીજીનાં જીવન પર આધારીત પુસ્તકથી જબરો વિવાદ સર્જાયો છે અને આ બાબતે હાઈકોર્ટ સુધી કાનૂની લડતના મંડાણ કરવાનું ગોંડલ સંઘાણી સંપ્રદાયની હિતરક્ષક સમિતિના કન્વીનર એડવોકેટ દેવાંશુ શેઠ (મો. ૯૮૭૯૨ ૭૦૩૯૩) તથા પ્રફુલ્લચંદ્ર મહેતા, ભાવેશ બાવીશી સહિતના જૈન શ્રેષ્ઠીઓએ જાહેર કર્યુ છે.

આ અંગે ઉકત ત્રણેય જૈન શ્રેષ્ઠીઓએ 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાત દરમિયાન વિગતો રજૂ કરતા જણાવ્યુ હતુ કે, જૈન સાધુઓની દિનચર્યા અને જીવન નિહાળી રાજા - મહારાજાઓ પણ પ્રભાવિત થતા હોય છે ત્યારે કેટલાક કહેવાતા આગેવાનોએ જૈન ધર્મને લાંછન લાગે તેવુ કાર્ય કર્યુ છે. તાજેતરમાં ગોંડલ ખાતે અજયભાઈ શેઠ (કવેસ્ટ ફાઉન્ડેશન-મુંબઈ) દ્વારા ગોંડલ સંઘાણી સંપ્રદાયના જયેષ્ઠા સ્વ. પૂ. વિજયાબાઈ મ.સ.ના જીવન આધારીત 'મા સ્વામી સાથેના મારા અનુભવો' નામનું વિવાદીત પુસ્તક મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રકાશિત કર્યુ. ખૂબ જ દુઃખ સાથે જણાવવુ પડે છે કે, ગોંડલ સંઘાણી સંપ્રદાય હિતરક્ષક સમિતિના આગેવાનો પાસે જ્યારે આ બુક આવી અને શિર્ષક પેઈજ જોયુ એટલુ થયુ કે અજયભાઈ શેઠે આ શું માંડયુ છે ? મહાપુરૂષો કહે છે કે જૈનોના સાધુ-સાધ્વીજીઓ કાળધર્મ પામે તો પણ તેઓના મુખ ઉપરથી મુખ વસ્ત્રિકા ઉતરે નહીં, પાલખી સમયે અને છેલ્લે અંત્યેષ્ઠિ વિધિમાં પણ મુહપતિ હોય છે. જ્યારે બુકમાં મુહપતિ વગરના ખુલ્લા મુખ સાથેના ફોટા મુકી અજયભાઈ સમાજને શું સંદેશો આપવામાં માગે છે તેવો વેધક સવાલ ઉઠયો છે. સૌથી અગત્યનો મુદ્દો એ છે કે, બુકના પેઈજ નં. ૩ ઉપર પૂ. મહાસતિજીનો હાથ અજયભાઈના માથા ઉપર સ્પર્શ કરતો ફોટો તેઓએ મુકેલ છે. આ ચિત્ર જોઈને શ્રાવકોની આંખોમાં અશ્રુ આવી ગયા કારણ કે જૈનના સાધ્વીજીઓ કદી પુરૂષનો સ્પર્શ કરતા નથી, કદાચિત ભૂલથી સ્પર્શ થઈ જાય કે આરોગ્યના કારણે ઉપચારાર્થે ડોકટર સ્પર્શ કરે તો મહાસતિજીને ઉપવાસ કરી પ્રાયશ્ચિત લેવુ પડતુ હોય છે.

બીજું પૂ. વિજયબાઇ મ.સ.નો અંતિમ સમય એટલે કે દેવલોક ગમનનો સમય ચાલી રહ્યો હોય ત્યારે તેઓના આત્માને શાતા-સમાધિ અપાય કે ફોટો સેશન કરાય? તેવો અણિયારો સવાલ અગ્રણીઓએ ઉઠાવ્યા છે. ગોંડલ ગામના તમામ શ્રાવક-શ્રાવિકાઓએ ઉપકારી પૂ. વિજયાબાઇ મ.સ.ની અજોડ સેવા-વૈયાવચ્ય કરી તેઓના ઉપકારમાંથી યત્કિંચિત મુકત થવાનો સુપ્રયત્ન કરેલ  છે ત્યારે ગોંડલની સેવાની અનુમોદના કરવાને બદલે આ બુકમાં પેઇજ નં. રર માં અજયભાઇ લખે છે કે ગોંડલમાં પૂ. મહાસતિજીને કારણવગર લોકો દુઃખી કરતાં આમ ગોંડલ ગામને બદનામ કરવાની અજયભાઇની આ સાજીશ ચલાવી લેવામાં આવશે નહીં. રૂપિયા વાપરી વાહ-વાહ મેળવી જિન શાસનને અને ગોંડલને બદનામ કરવાનું બંધ થવું જોઇએ. ગોંડલ સંઘાણી સંપ્રદાય હિત રક્ષક સમિતિના કન્વીનર એડવોકેટ દેવાંશુભાઇ શેઠે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અજયભાઇએ પૂ. મહાસતિજીઓના વિવિધ એંગલોમાં અંતિમ સમયના ફોટા, ખુલ્લા મુખવાળા પ્રકાશિત કરી જગતને શું સંદેશો પહોંચાડવા ઇચ્છો છો તે જૈન સમાજને જણાવ્યું જરૂરી છે. આમ અજયભાઇ શેઠની હરકતોથી અનેક ધર્મપ્રેમીઓની ધાર્મિક લાગણી દભાયેલ છે જો તેઓ જાહેરમાં ક્ષમા યાચના નહીં કરે તો આઇ.પી.સી. ધારા ર૯પ, ર૯૬એ ર૯૭ સહિત વિવિધ કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી કરવાની ના છુટકે ફરજ પડશે. એટલું જ નહીં ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીને પણ આ વિવાદીત પુસ્તકનું વિમોચન કરવા સંદર્ભે રજુઆત કરાશે. તેમ ગોંડલ સંઘાણી સંપ્રદાય હિત રક્ષક સમિતિના કન્વીનર એડવોકેટ દેવાંશુભાઇ શેઠ (મો. ૯૮૭૯ર ૭૦૩૯૩) અંતમાં જણાવ્યું છે.(૨-૧૮)

(4:04 pm IST)