Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

રાત્રે કિશોર-આશાના ગીતો મન મોહશે

દેશ-વિદેશમાં લોકપ્રિય બનેલા પાયલ વૈદ્ય-દેવાંગ દવે જમાવટ કરશેઃ સૂરસરીતા ઇવેન્ટનું આયોજનઃ વિવિધ મૂડના ગીતો રજૂ થશે

દેવાંગ દવે, પાયલ વૈદ્ય સાથે અશ્વિન વૈદ્ય, આર. ડી. જી., જયેશ ઓઝા નજરે પડે છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૪ :.. સૂર સરીતા દ્વારા આજે રાત્રે કિશોર-આશાના ગીતોના કાર્યક્રમ યોજાશે અમદાવાદના ગાયિકા પાયલ વૈદ્ય અને સૂરતના ગાયક દેવાંગ દવે જમાવટ કરશે. 'અકિલા'ની મુલાકાતે આવેલા પાયલે કહ્યું હતું કે, હું ર૪ વર્ષથી ગાયિકીના ક્ષેત્રમાં છું. શીખ્યા વગર ગાવાની શરૂઆત કરી હતી. પાયલે સ્પોર્ટસમાં પણ સિધ્ધિ મેળવી હતી, લોંગ જમ્પમાં સ્ટેટ લેવલ સુધી તેઓ ખેલ્યા હતાં.

દેવાંગ દવે કહે છે કે, કિશોર-આશા બંનેએ વિવિધ મૂડના ગીતો રજૂ કર્યા છે.

આ ગાયક-ગાયિકાના ગીતો શ્રોતાઓને મોજ કરાવશે.

સૌરાષ્ટ્રની જાણીતી સંગીત સંસ્થા સુરસરીતા ઇવેન્ટસ દ્વારા આજે રાત્રે ૯ાા વાગ્યે હેમુગઢવી હોલ ખાતે હિટસ ઓફ કીશોર-આશાનો સંગીતનો શાનદાર કાર્યક્રમ યોજાયો છે.

આજના આ કાર્યક્રમમાં સુરતથી દેવાંગ દવે, વોઇસ ઓફ કિશોરકુમાર, પોતાના અદ્દભુત અવાજ દ્વારા કિશોરકુમારના રોમેન્ટીક-દર્દીલા - કલાસીક ગીતો રજુ કરશે રાજકોટમાં છેલ્લા ૧ર વર્ષથી લગભગ વર્ષમાં ૩ થી ૪ વખત આવતા આ કલાકારને રાજકોટ વાસીઓએ દીલથી પ્રેમ આપ્યો છે. અને તેમના લાજવાબ સ્ટેજ પરફોર્મન્સ અને ગાયકીથી થકી સમગ્ર ગુજરાતમાંં વોઇસ ઓફ કિશોરકુમાર તરીકે બહોળી પ્રસિધ્ધી મેળવેલ છે.

આવી જ રીતે આશાજીના અવાજમાં જેણે પોતાના જાદુઇ અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે, આશાજીના ગીતોના આરોહ-અવરોહ, આલાપ વગેરે રજુ કરવું ખુબજ કઠીન છે, પરંતુ આજે અમદાવાદથી આવેલા પાયલ વૈદ્ય, આશાજીના અવાજને ખુબજ સરળ અને સહજ રીતે રજુ કરે છે. નવરાત્રીમાં તો ટ્રેડીશ્નલ ગાવાનું હોય એટલે અમદાવાદીઓ પાયલ વૈદ્ય છે તો બસ તરત પાસ બુક કરાવી લેશે. ગુજરાતી ફીલ્મોમાં પણ તેઓએ પ્લેબેક આપેલ છે, યુ.એસ.એ,યુ.કે. કેનેડા, દુબઇ, હોંગકોંગ વગેરે જેવા દેશોમાં તેઓ કાર્યક્રમો રજુ કરી ચુકયા છે, અનેક વિધ ચેનલો સાથે મળી તેઓ લાઇવ પરફોર્મન્સ આપી ચુકયા છે.

આ બંને કલાકારો આજે કિશોરકુમાર અને આશાજીના મશહુર ગીતોને રજુ કરશે જેમને અમદાવાદથી પોતાના સાંજીદાઓ સાથે આવેલ ટીમ સંદીપ ક્રિસ્ચ્યન પોતાના ધમાકેદાર સંગીતના સથવારો આપશે.

હિન્દી ગીતોમાં કોરસ ગાયકીનો પણ મહત્વનો રોલ હોય છે. આ કાર્યક્રમમાં રાજકોટના ખ્યાતનામ ગ્રુપ-દર્શીત કાનાબારગ્રુપ દ્વારા કોરસની રજુઆત કરવામાં આવશે.

આ સમગ્ર ટીમને એક તાંતણે બાંધી દરેક ગીતોની રજૂઆતને માહિતીસભર અને માણવાલાયક બનાવવા અમદાવાદનાં જાણીતા એન્કર પરીશી વર્મા સમગ્ર સ્ટેજનું સંચાલન કરશે.

કાર્યક્રમનાં આયોજક સુરસરીતા ઇવેન્ટસનાં જયેશ ઓઝા જણાવે છે કે આજનાં કાર્યક્રમમાં કિશોરકુમાર અને આશાજીનાં રોમેન્ટીક, દર્દીલા, તોફાની, કલાસીકલ આવા દરેક મુડસના ગીતોને રજૂ કરવામાં આવશે.

આ કાર્યક્રમની વધુ માહિતી માટે સંપર્ક જયેશ ઓઝા મો. નં. ૯૪ર૯૦ ૪પર૧૪ પરથી મેળવી શકાશે. (પ-ર૪)

 

(4:01 pm IST)