Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

વધાઇ-કિર્તનગાન સાથે વાજત ગાજતે નિકળી વલ્લભાચાર્ય મહાપ્રભુજીની શોભાયાત્રા

રાજકોટ,: શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનાં ૫૪૧માં પ્રાગટ્ય મહોત્સવ નિમિતે ગુરુવારે લક્ષ્મીવાડી હવેલીએથી શોભાયાત્રા યોજાતા વૈષ્ણવ સમાજ ભાવભેર જોડાયો હતો. મહાપ્રભુજીને સુખપાલ (પાલખી) માં પધરામણી કરાવી પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. મહાપ્રભુજીના જયઘોષ સાથે મંગલ શોભાયાત્રા લક્ષ્મીવાડી મેઇન રોડ, જલજીત હોલ, વાણીયાવાડી પાસે થઇ વલ્લભાખ્યાન કથા મંડપ ખાતે વિરામ પામી હતી. છડીદાર ઘોડેશ્વર,સાફાધારી અને લાલપીળા કેસરી વસ્ત્રધારી વૈષ્ણવો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

વિશીષ્ટ રીતે શણગારેલા બાઇક, સ્કુટર તેમજ કળશધારી બહેનો, ધ્વજા,પતાકા ડંકા નિશાન સહિત બેન્ડવાજા અને સંગીતની સુરાવલી વહાવતી ઓરકેસ્ટ્રા મંડળીની સાથે બગ્ગી ઘોડારથમાં ધાર્મીક યાત્રા વેશધારી બાળકો, શ્રી મહાપ્રભુજીના જીવન કવનો સાથેના ફલોટસ સહીત કેશરીયા કિર્તનીયા મંડળીના દિવ્ય વધાઇ કિર્તનગાન, અને કિર્તનમંડળના મધુર ગાન સાથેની શોભાયાત્રાએ સમગ્ર રૂ.ટ ઉપર મંગલમય વાતાવરણ સર્જી દીધુ હતું. સમગ્ર માર્ગમાં ઠેર-ઠેર અનેક વૈષ્ણવ પરિવારો દ્વારા શ્રી મહાપ્રભુજીનું માલ્યાપર્ણ તેમજ પુષ્પવૃષ્ટિથી શોભાયાત્રાનું સ્વાગત કર્યુ હતું. ભાવિક વૈષ્ણવો દ્વારા ઠંડા જળપાન,વરીયાળી, ગુલાબ જેવા શરબતો અને દુધ કોલ્ડ્રીંગ્સનો પ્રસાદ વિતરણની વ્યવસ્થા સમગ્ર રુટ ઉપર કરવામાં આવી હતી.

ધર્મયાત્રામાં વિરામ સ્થળ શ્રી વલ્લભાખ્યાન કથા મંડપ ખાતે સપ્તમ પીઠાધીશ  પૂ.યા.યો.શ્રી વ્રજેશકુમારજી મહારાજ શ્રી ની અધ્યક્ષતામાં ધર્મસભામાં પુજયપાદ ગોૈસ્વામી અનીરૂ.ધ્ધલાલજી મહોદયશ્રીજીએ ઉપસ્થિત વૈષ્ણવજનોને આ પ્રસંગ નીમીતે ખુબ ખુબ વધાઇ આપીને એમની અમૃતવાણીનો લાભ આપ્યો હતો. અમૃતવાણી અર્પતા પુજયપાદ ગોૈસ્વામી અનિરૂ.ધ્ધલાલજી મહોદયશ્રીએ અષ્ટાક્ષર મંત્રનું પ્રાગટ્ય અને મહત્વ વર્ણવ્યું હતું.

સમગ્ર પ્રસંગના આયોજનમાં વિનુભાઇ ડેલાવાળા, કૃષ્ણકાંતભાઇ ધોળકીયા (ધોળકીયા સ્કુલ), તથા મહેન્દ્રભાઇ ફળદુ (વી.વાય.ઓ) સહિતના વૈષ્ણવજનોએ મુખ્ય શ્રમદાન કર્યો હતો. ખાસ કરીને રાજકોટ શહેરની અનેકો વૈષ્ણવ સંસ્થા મંડળો પૈકી પ્રાગટ્ય ઉત્સવ આયોજન સમીતી સાથે વ્રજલાલ ગ્રૃપ (લક્ષ્મીવાડી હવેલી) વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (વી.વાય.ઓ) રાજકોટ શાખા આંતર રાષ્ટ્રીય વૈષ્ણવો (કૃષ્ણાશ્રમ હવેલી) જેવી સંસ્થાઓએ જહેમત ઉઠાવી હતી. તેમ ગુણવંતભાઇ ડેલાવાળાની યાદીમાં જણાવાયુ છે.(૧.૧૬)

(2:54 pm IST)