Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

રાજયની નગરપાલીકાઓ માટે બાયફર્ગેશનઃ રાજકોટમાં ગૌરાંગ મકવાણા અને ભાવનગરમાં તુષાર સુમેરાની નિમણુંક

આગામી બે-ત્રણ દિવસમાં નવા આઇએએસ ઓફીસરો ચાર્જ લઇ લેશેઃ હવે નગર પાલીકાઓ માટે છેક ગાંધીનગર ધક્કો નહિ ખાવો પડેઃ ડુડા કચેરીઓ બંધ થશે

રાજકોટ, તા., ૧૩: રાજયની નગર પાલીકાઓના વિવિધ કેસ માટે છેક ગાંધીનગર ધક્કાઓ થતા હતા તેને બદલે રાજય સરકારે નગર પાલીકાઓનું બાયફર્ગેશન એટલે કે વિભાગીયકરણ કરી નાખ્યું છે અને આ વિભાગીયકરણના કુલ ૬ જીલ્લાઓના આઇએએસ અધિકારીઓની નિમણુંક પણ કરી નાખી છે. જેમાં રાજકોટમાં આઇએએસ ગૌરાંગ મકવાણા તથા ભાવનગરમાં તુષાર સુમેરાની નિમણુંક થઇ છે. આ નવા અધિકારીઓ આગામી બે-ત્રણ દિવસમાં જ ચાર્જ સંભાળી લેશે.

રાજય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા પ્રસિધ્ધ થયેલ પરીપત્ર મુજબ ૬ જીલ્લાઓના આઇએએસ અધિકારીઓ નિમાયા છે. જેમાં વડોદરામાં અમૃતેશ કાલીદાસ, ઓરંગાબાદકરની નિમણુંક થઇ છે. તેઓ પંચમહાલ મહીસાગર દાહોદ આણંદ છોટાઉદેપુર અને વડોદરાની નગરપાલીકાઓના કેસ સંભાળશે. જયારે સુરતમાં અમિત અરોરાની નિમણુંક થઇ છે. તેઓ તાપી નર્મદા નવસારી ભરૂચ વલસાડ સુરતના કેસ સંભાળશે.

રાજકોટમાં ગૌરાંગ મકવાણા, કચ્છ-જામનગર, દેવભુમી દ્વારકા, મોરબી-રાજકોટ, પોરબંદરની નગર પાલીકાઓના કેસ સંભાળશે.

ભાવનગરમાં તુષાર સુમેરા અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરના કેસ સંભાળશે.

ગાંધીનગરમાં વિશાલ ગુપ્તા પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરના કેસ સંભાળશે.

અમદાવાદમાં સી.પી.નેમા અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, બોટાદની નગરપાલીકાઓના કેસ સંભાળશે.

આમ રાજયની કુલ ૧૬ર જેટલી નગર પાલીકાઓનું બાયફર્ગશન કરી તેઓના કેસ નિકાલ માટે આઇએએસ અધિકારીઓની નિમણુંકો થઇ જતા હવે નગર પાલીકાના વહીવટમાં વધુ ઝડપ આવશે કેમ કે અત્યાર સુધી માત્ર ગાંધીનગર નગરપાલીકા નિયામકની કચેરી ખાતે તમામ કેસનો નિકાલ થતો જેમાં વર્ષોના વર્ષો નિકળી જતા હતા.હવે આમાં ઝડપ થશે.

ડુડા કચેરીઓ બંધ થઇ જશે

અત્રે એ નોંધનીય છે કે નગર પાલીકાઓનું બાયફર્ગશન થતા હવે રાજયની તમામ ડુડા કચેરીઓ બંધ થઇ જશે.

(4:37 pm IST)