Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

માધાપરની ૪ સોસાયટીના પ હજાર લોકો ‘‘પાણી'' વીના ટળવળે છેઃ રૂડા કાંઇ કરતું નથીઃ મહિલાઓ કલેકટર પાસે દોડી આવી

૧૫૦ રૂ.નું વેચાતું પાણી લેવું પડે છેઃ સ્‍ટેન્‍ડ પોસ્‍ટ કાઢી નખાતા દેકારોઃ યોગ્‍ય નહિ થાય તો ઉગ્ર આંદોલનઃ રસ્‍તા રોકો...

રાજકોટ તા.૧૪: આકરો ઉનાળો શરૂ થવાની તૈયારીમાં છે ત્‍યાં જ માધાપરની ૪ થી પ સોસાયટીના પ હજાર લોકો માટે પીવાના પાણીના બે બેડા પણ દોહલ્‍યા બની ગયા છે, રૂડામાં ગઇકાલે મહિલાઓએ રજુઆતો કરેલ, આજે પણ રૂડા કચેરી ખાતે બહોતંત્રના કાન આમળ્‍યા પણ કોઇ જવાબ ન દેવાતા ધોમધખતા તાપમાં મહિલાઓ અને આગેવાન વડીલો અને બાળકો સાથે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલા સાથે કલેકટર કચેરીએ દોડી આવી પાણી અંગે તાકિદે યોગ્‍ય કરવા માંગણી કરી હતી, અને ૮દિ'માં પીવાના પાણીનો આ પ્રશ્ન નહિ ઉકેલાય તો માધાપર ચોકડીએ જ રસ્‍તા રોકો સહિતના ઉગ્ર આંદોલન કરાશે તેમ ચેતવણી આપી હતી.

માધાપરમાં આવેલ કૃષ્‍ણનગર, વોરા સોસાયટી, સત્‍યમ શિવમ સુંદરમ અને પરાશર સોસાયટીના કુલ પ હજાર લોકોને પાણીનું બેડુ પાણી મળતું નથી, વેચાતું પાણી લેવું પડે છે, ૧૫૦ રૂા.ની ટાંકી લેવી પડે છે, સ્‍ટેન્‍ડ પોસ્‍ટ હતું તે કાઢી નાંખ્‍યું હોય આ પ હજાર લોકોમાં દેકારો બોલી ગયો છે.

આ આગેવાનોએ ઉમેર્યું હતું કે ઉપરોકત ચારેય સોસાયટીથી ૧ કિ.મી. દૂર પાણીનો ટાંકો છે ત્‍યાં છે'ક પાણી ભરવા જવું પડે છે, તંત્ર કાંઇ કરતું નથી, રૂડાને છાશવારે રજૂઆતો કરાઇ પણ પ્રશ્ન ઉકેલ્‍યો નથી, આજે મહિલાઓ બાળકો સાથે કલેકટર કચેરીએ દોડી આવેલ, અને આપવીતી વર્ણવી હતી.

સામાન્‍ય આવક ધરાવતા અને મધ્‍યમવર્ગનાં લોકો આ વિસ્‍તારમાં વસવાટ કરે છે. હાલ તેઓને પીવાના પાણી માટે માધાપર પાણીનાં સંપ સુધી દોઢ થી બે કિલોમીટર પોતાનાં ટુ વ્‍હીલરમાં કેરબા ભરી લાવવા પડે છે ત્‍યારે આ વિસ્‍તારને તાત્‍કાલીક ધોરણે પાણીની વ્‍યવસ્‍થા થાય તે અંગે આ પ્રશ્નની ગંભીરતા ધ્‍યાને લઇ પ્રર્વતમાન ચૂંટણી અનુલક્ષી આચારસંહિતા સંદર્ભે કોઇ વિધ્નો કે અંતરાયો ઉભા ન થાય તે રીતે વ્‍યાપક જનહિતને ધ્‍યાને લઇ પીવાનાં પાણીની આવશ્‍યક સેવા અંગેનું તંત્ર રૂડા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને જુદી જુદી સંલગ્ન જવાબદાર કચેરીનાં અધિકારીઓ દ્વારા તાત્‍કાલિક હાથ ધરવામાં આવે એવી રજુઆત છે.

(4:29 pm IST)