Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

જંગલેશ્વરના આદીલ સગીરાનું સરાજાહેર બાવડુ પકડ્યું: છોડાવવા આવેલી બહેનોને હોકી ફટકારી

ત્રણ બહેનો બચવા માટે ઘરમાં દોડી જતાં પાછળ જઇ દરવાજામાં તોડફોડ કરીઃ લુખ્ખાગીરી કરનારને પોલીસે દબોચ્યોઃ આગવી ઢબે પુછતાછ : છેડતી, એટ્રોસીટી, હુમલો અને પોસ્કો હેઠળ ગુનો નોંધી ધરપકડ

રાજકોટ તા. ૧૪: શહેરમાં લુખ્ખા-આવારા તત્વો બેફામ બની ગયા છે. કોઠારીયા રોડ પર રહેતી સગીરાનો જંગલેશ્વરનો મુસ્લિમ શખ્સ અવાર-નવાર પીછો કરી છેડતી કરી હેરાન કરતો હોઇ અને ગઇકાલે આ સગીરા તેની સગી બહેન અને પિત્રાઇ બહેન સાથે ઘર પાસે ઉભી હતી ત્યારે ધસી આવેલા આ શખ્સે હાથ પકડી છેડતી કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ગાળો દેવા ઉપરાંત હોકીથી હુમલો કરી ઇજા કરતાં અને એક બહેન દોડીને ઘરમાં જતી રહેતાં તેની પાછળ આ લુખ્ખાએ ઘરમાં ઘુસી જઇ તેણીને પણ માથામાં હોકી ફટકારી દીધાની ઘટના સામે આવી છે. પોલીસે ગુનો નોંધી આ શખ્સને સકંજામાં લીધો છે.

બનાવ અંગે છેડતીનો ભોગ બનનારના કોલેજીયન બહેનની ફરિયાદ પરથી જંગલેશ્વરના આદીલ હારૂખભાઇ શેખ (ઉ.૧૯-રહે. જંગલેશ્વર-૧૭, હુશેની ચોક) સામે આઇપીસી ૩૨૪, ૩૫૪, ૩૫૪ (એ), ૪૫૨, ૫૦૪, ૪૨૭, પોસ્કો તથા એટ્રોસીટીની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.  ફરિયાદીએ જણાવ્યું છે કે ગઇકાલે બપોરે અઢી વાગ્યા આસપાસ અમારી બાજુમાં રહેતાં મોટા બાપુજીના ઘર પાસે કોઇ ઝઘડો કરતો હોવાની ખબર પડતાં હું તથા મારી નાની બહેન બહાર આવતાં જંગલેશ્વર-૧૭માં રહેતો આદીલ ઉર્ફ આદીશ નામનો શખ્સ મારા મોટા બાપુની ૧૭ વર્ષની કિદરીનો હાથ પકડી છેડતી કરતો જોવા મળતાં તેને અમે બંને બહેનો સમજાવવા જતાં તેણે ઉશ્કેરાઇ જઇ જ્ઞાતિ પ્રત્યે ખરાબ ગાળો દીધી હતી અને મને હોકીથી મારવા માંડ્યો હતો. મારી નાની બહેન અને પિત્રાઇ બહેન છોડાવવા આવી હતી. પિત્રાઇ બહેન તથા અમે બચવા માટે ઘરમાં જતાં રહેલ અને દરવાજો બંધ કરી દેતાં આદીલ પાછળ આવ્યો હતો અને નાની બહેનને પણ માથામાં હોકી ફટકારી દીધી હતી. દરવાજાનમાં તોડફોડ કરીને આદીશ ભાગી ગયો હતો.

મારી બહેનને લોહી નીકળતું હોઇ અને પિત્રાઇ બહેનને પણ મુંઢ ઇજા પહોંચી હોઇ સારવાર કરાવી હતી. આદીશ મારી પિત્રાઇ બહેનની લાંબા સમયથી છેડતી કરે છે. ગઇકાલે તો તેણે ઘર પાસે આવી તેણીનું બાવડુ પકડી લેતાં મારી નાની બહેન અને હું છોડાવવા જતાં અમારા પર પણ હુમલો કર્યો હતો. અમે ઘરમાં જતાં રહ્યા તો પાછળ ઘુસીને હોકી ફટકારી દરવાજામાં તોડફોડ કરી ભાગી ગયો હતો.

ભકિતનગર પી.આઇ. વી.કે. ગઢવીની રાહબરીમાં પોલીસે ગુનો નોંધી આદીલ હારૂનભાઇ શેખને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે. એસીપી બી. બી. રાઠોડની રાહબરીમાં વિશેષ તપાસ થઇ રહી છે.

 

(4:56 pm IST)