Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

૯૦ વર્ષના વયોવૃદ્ધ સ્વાતંત્ર્ય સેનાની મનુભાઈ વિઠલાણીની લાચાર સ્થિતિઃ ગેસ એજન્સીમાંથી પુત્ર હિસ્સાનું ફદીયુય' આપતો નથી !

ફ્રીડમ ફાઈટરનો જીવનનિર્વાહ આસાનીથી ચાલે તે માટે સરકારે ફાળવેલી ગેસ એજન્સીમાં પુત્ર અશ્વિનને હિસ્સેદાર બનાવવો ભારે પડયોઃ ગાડી, ડ્રાઈવર પણ છીનવી લીધાઃ બે-ત્રણ દિવસ પહેલા હિસાબ માગવા ગયા ત્યારે ઢીકાપાટા મારી હાંકી કાઢયાઃ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સમક્ષ લેખીત ફરીયાદ : સાંપ્રત સમાજ જીવનની કથળેલી કુટુંબ ભાવનાનો વધુ એક કરૂણ કિસ્સો સપાટી પર

રાજકોટ, તા. ૧૪ :. વયોવૃદ્ધ સ્વાતંત્ર્ય સેનાની કે જેમનુ રાજકોટના રેસકોર્ષ મેદાન ઉપર તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર સન્માન થયુ હતું. તેમને સ્વાતંત્ર્ય સેનાની કવોટામાથી મળેલી ગેસ એજન્સીનો નફો અને હિસાબ-કિતાબ નહીં આપી સગા દિકરા દ્વારા શારીરિક-માનસિક ત્રાસ અપાતો હોવાની ફરીયાદ પોલીસ કમિશ્નર સમક્ષ થતા સાંપ્રત સમાજમાં છીછરી બનેલી કુટુંબ ભાવનાનો વધુ એક કરૂણ કિસ્સો સપાટી પર આવ્યો છે. મનસુખભાઈ જગજીવનભાઈ વિઠલાણી (ઉ.વ. ૯૦, રહે. જૂના મોરબી રોડ, જૂના જકાતનાકા પાસે, સત્યમ પાર્ક શેરી નં. ૫) એ લેખીત ફરીયાદ આપી ન્યાય માંગ્યો છે.

ફરીયાદમાં જણાવાયુ છે કે, હું ૯૦ વર્ષનો વયોવૃદ્ધ સિનીયર સીટીઝન તેમજ સ્વતાંત્ર્ય સેનાની છીએ. અમો ફરીયાદીને સ્વાતંત્ર્ય સેનાની હોવાથી રાજકોટ શહેરમાં નંદ ગોપાલ ગેસ એજન્સીના નામથી, ધકાણ હોસ્પીટલ સામે, રણછોડ શેરી નં. ૧૦, કુવાડવા રોડ, રાજકોટ ખાતે આવેલ છે. જે અમારા નામથી મંજુર થયેલ છે. તેનો સમગ્ર વહીવટ મારા પુત્ર કે જેને હાલ સામાવાળા તરીકે જોડેલ છે તેને સંભાળી લીધેલ છે અને મારી સાથે તેવી સ્પષ્ટ સમજુતી થયેલ કે સદરહુ ગેસ એજન્સીમાંથી નફો પ્રાપ્ત થાય તેના નિયમીત ૫૧ ટકા નફો તમોને આપતો રહીશ અને ૪૯ ટકા નફો હું રાખીશ અને તમામ ખર્ચ હું ઉપાડીશ. તેથી તેના ઉપર ભરોસો રાખી મે ઉપરોકત મારા પુત્રને સદરહુ ગેસ એજન્સીના તમામ કામકાજો સંભાળવા સત્તા આપેલ.

મારે અન્ય ચાર પુત્રો પણ છે પરંતુ આ મારો પુત્ર અશ્વિન હોશીયાર હોય અને મારી સારસંભાળ રાખશે અને મળવાપાત્ર હક્ક, હિસ્સા નિયમીત ચુકવશે તેવો ભરોસો રાખી ઉપરોકત ગેસ એજન્સી તેના ભરોસે છોડેલ. ગેસ એજન્સીની નિયમીત ચારથી પાંચ લાખ રૂપિયા  કમાણી થાય છે. તે મુજબ મારા આશરે અઢી લાખથી વધુ રકમ દર માસના લેવાના નીકળે અને તે બાબતે વારંવાર મેં વિનંતીઓ કરેલ, હિસાબો કરવા જણાવેલ તો મને જણાવી દીધેલ કે તમને તમારા જરૂરી ખર્ચના પૈસા મળી જશે તમારે હિસાબોમાં પડવાનું નથી !

હાલમાં મારા પુત્રએ  ગેસ એજન્સીમાંથી કરોડોનું મકાન બનાવી લીધુ છે. તેમજ અન્ય જગ્યાએ જમીન પણ ખરીદી છે. જુદી જુદી બેંકોમાં પોતાના તથા પોતાના પત્નિ, બાળકોના નામે ફીકસ ડીપોઝીટ, સોનાના દાગીના પડયા છે. દર વખતે મારે મારા ખર્ચના રૂપિયા 'ભાઈસાબ બાપા' કરી લાચારીથી મેળવવા પડે છે અને મને હડધુત કરી ત્રાસ આપી અને આપવા પડે તેમ માની અને ઉપકાર કરતા હોય તે રીતે વર્તન કરી મને મારા ખર્ચ પુરતી રકમ આપે છે. મારી હાલની પરિસ્થિતિ દયનીય બની ગયેલ છે. મારા સગા પુત્ર પાસે મારી મુડી અને મારા કર્મને લઈને પ્રાપ્ત થયેલ મિલ્કતોમાંથી મારે ભીખ માંગવી પડે તેવી પરિસ્થિતિ ઉભી કરેલ છે.

મારા ધર્મપત્નિનું વીસ વર્ષ પહેલા અવસાન થઈ ગયેલ છે. મારે પાંચ પુત્રો હોવા છતાં  આઠ માસ સુધી વૃદ્ધાશ્રમમાં સહારો લેવો પડેલ છે. તેમજ ખાવા પીવા માટે ભટકવુ પડે છે અને મને શારીરીક, માનસિક ત્રાસ થાય તેવા પ્રકારના વર્તન મારા જ પુત્રો મારી સાથે કરે છે અને હું હાલ લાચાર છું. સ્વાતંત્ર્ય સેનાનીના દરજ્જે મને આ એજન્સી મારૂ ભરણપોષણ આસાનીથી થઈ શકે તે માટે સરકારે ફાળવી છે જેનો અર્થ સરતો નથી.

આમ તાત્કાલીક આ ફરીયાદ બાબતે પગલા ભરવા,  મારા પુત્ર અશ્વિન દ્વારા ભેગી કરાયેલી મિલ્કતોની માહિતી મેળવી અને તેઓએ મારી સાથે કરેલી ગેરરીતિ, વિશ્વાસઘાત, છેતરપીંડી બદલ પગલા ભરવા અને મારા હીસ્સાની રકમ અપાવી ન્યાય કરવા વિનંતી કરૂ છું તેવુ ફરીયાદમાં જણાવાયુ છે.

ઉપરોકત કિસ્સાએ લોહાણા સમાજ અને ભદ્ર સમાજમાં ચકચાર જગાવી છે.

(4:40 pm IST)
  • અન્ય છાત્રોની પ્રેરણા કાજે યુપી બોર્ડના ૨૦ ટોપર છાત્રોની માર્કશીટ બોર્ડની વેબસાઇટ ઉપર પણ મુકાશેઃનાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા access_time 4:55 pm IST

  • ગાજામાં ફિલિસ્તાની વડાપ્રધાનના કાફલા ઉપર હુમલોઃ૬ સુરક્ષાકર્મી ઘાયલ :ગાજામાં ફિલિસ્તાનના વડાપ્રધાન રમી હમદુલ્લાહના કાફલાને નિશાનો બનાવી કરેલ હુમલામાં ૬ સુરક્ષાકર્મી ઘાયલ : ત્રણ વાહનનોને નુકશાન : જો કે હમદુલ્લાહને આ હુમલાથી ઈજા થઈ નથી, પરંતુ ફિલિસ્તાને આ હુમલાને હત્યાની કોશિશનો કરાર આપ્યો : ફિલિસ્તાનના ગાજા અને વેસ્ટ બેન્ક વિસ્તારમાં જુદા-જુદા ગુટોનું શાસન છે access_time 4:19 pm IST

  • AICC તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ શહેરમાં નવા પ્રદેશ ડેલીગેટ તરીકે મહેશ રાજપૂત તથા રાજકોટ જીલ્લામાં નવા પ્રદેશ ડેલીગેટ તરીકે  અજુનભાઈ ખાટરીયા ગામ રામોદ, સુરેશ બથવાર ગામ રાજકોટ, ગંગદાશભાઈ બી ડોડીયા ગામ પડધરી, લાખાભાઈ ડાંગર ગામ ઉપલેટા, દીપકભાઈ વેકરીયા (ડી.કે) ગામ જેતપુર, શૈલે દેવેન્દ્ર ભાઈ ધામી ગામ રાજકોટ, દિનેશભાઈ મકવાણા ગામ રાજકોટ, દિનેશભાઈ ચોવટીયા ગામ રાજકોટ, શહેનાઝબેન બાબી ગામ જેતપુર ની નીમણૂંક કરવામાં આવેલ છે access_time 2:14 am IST