Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

વોકહાર્ટ હોસ્પિટલમાં તબીબો - મેનેજમેન્ટ વચ્ચે દર્દીનો ઉલાળ્યો!

રેખાબેન પાટડીયાની સારવારમાં વાયર ભૂલી જવાના પ્રકરણમાં મેનેજમેન્ટ સમક્ષ ડોકટરને હાજર કરવા માંગ : રીફંડ ન જોતુ હોવાનું પરીવારે જણાવ્યુ : વોકહાર્ટ પોલીસ છાવણીમાં ફેરવાયુ

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલમાં રેખાબેન પાટડીયાની સારવારમાં બેદરકારી દાખવનાર તબીબો સામે પગલા લેવાની માંગ સાથે આજે કરણી સેના અને વોકહાર્ટ મેનેજમેન્ટ દ્વારા બેઠક યોજાઇ હતી. પ્રસ્તુત તસ્વીરમાં વોકહાર્ટ હોસ્પિટલના પ્રવેશદ્વારે કડક બંદોબસ્ત તેમજ કરણી સેના સાથે બેઠકની તસ્વીર. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૪ : છેલ્લા કેટલાક દિવસથી તબીબી સેવામાં ખૂબ ચર્ચાસ્પદ બનેલી રાજકોટની એમ. એન. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલમાં મહિલા દર્દી રેખાબેન પાટડીયાની સારવારમાં ઘોર બેદરકારીથી ત્રસ્ત પરીવારજનોની વહારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના આવી છે.

રેખાબેન પાટડીયાની સારવાર દરમિયાન તબીબ દ્વારા ડાયાલીસીસ દરમિયાન લોખંડનો વાયર ભૂલી જતાં દર્દીને અસહ્ય પીડા થાય છે. પરીવારજનોએ અનેક સારવાર કરાવી છતાં તબિયતમાં કોઈ નોંધપાત્ર સુધારો જણાતો ન હોય આખરે પોલીસ અને સામાજીક સંગઠનોનો સહારો લઈ વોકહાર્ટ હોસ્પિટલ સામે લડત હાથ ધરી છે.

સોમવારે રાજકોટ આજે રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચંદુભાઇ પરમારના નેતૃત્વમાં જોગીન્દરસિંહ ચંપાવત, યુવરાજસિંહ ડોડીયા, મૌલીકસિંહ વાઢેર, યોગીરાજસિંહ તલાટીયા, હિતુભા ડોડીયા, મોહનસિંહ ડોડીયા, દિપસિંહ પરમાર, માલદેવસિંહ ભટ્ટી, ભાવસિંહ ડોડીયા, મહિપતસિંહ ખેર સહીતનાઓએ રેખાબેન પાટડીયા નામના દર્દીઓને છાતીમાં રહી ગયેલા લોખંડના સળીયા અને બાદની પીડા બાબતે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. રજૂઆતના પગલે પોલીસ દોડી આવી હતી અને અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે કડક પ્રબંધો કર્યા હતા.

આજે કરણી સેના અને દર્દીના પરીવારજનો સાથે વોકહાર્ટ હોસ્પિટલના મેનેજમેન્ટ સેન્ટર હેડ ડો.જગદીશ કોયાણી સહિતના સાથે બેઠક મળી હતી.

દર્દીના પરીવારજનો દ્વારા રીફંડ ન જતુ હોવાનું જણાવી બીજા કોઈ દર્દી સાથે આવી બેદરકારી ન થાય તે માટે પગલા લેવા માંગ કરી છે. કોઈ ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરે તેથી પોલીસે સવારથી જ વોકહાર્ટ હોસ્પિટલ ખાતે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસના પહેરાથી હોસ્પિટલમાં અવનવી ચર્ચાઓએ જોર પકડ્યુ હતું.

દરમિયાન કરણી સેના અને વોકહાર્ટ મેનેજમેન્ટ દ્વારા યોજાયેલી બેઠકમાં રેખાબેન પાટડીયાની સારવારમાં બેદરકારી દાખવનાર તબીબો સામે પગલા લેવા અને સમક્ષ હાજર કરવા માંગ કરી હતી.

વોકહાર્ટ મેનેજમેન્ટ દ્વારા દર્દીના પરીવારજનો અને કરણી સેનાને વધુ ત્રણ દિવસની મુદ્દત આપવામાં આવી છે.

રેખાબેનની સારવાર કરનાર ત્રણ તબીબોનો ખુલાસો પૂછાશે : વોકહાર્ટ મેનેજમેન્ટ

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલમાં તબીબોની બેદરકારીથી રેખાબેન પાટડીયાની તબિયત બગડી હતી. આજે કરણી સેના અને વોકહાર્ટ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા બેઠક મળી હતી. વોકહાર્ટ હોસ્પિટલના મેનેજમેન્ટે જણાવ્યુ હતું કે રેખાબેન પાટડીયાની સારવાર કરનાર ત્રણ તબીબોનો ખુલાસો પૂછવામાં આવશે.

(4:35 pm IST)