Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

દિલ ઢૂંઢતા હૈ ફીર વોહી...દિલ કે ટુકડે ટુકડે કર કે...

સૂરસંસારના ૧૩૮માં કાર્યક્રમમાં ગાયકો અલીફીયાજી અને સાગર સાવરકરે ડોલાવ્યા : મોરની બાગામાં બોલે આધી રાતમાં... ગીતથી સ્વ. શ્રીદેવીને શ્રદ્ધાંજલી અપાઈ : કોરસ વૃંદના કલાકારોની પણ જમાવટ

રાજકોટ : 'સૂરસંસાર' ગુજરાતની અગ્રગણ્ય સંસ્થાઓમાં ગૌરવભેર પોતાનું સ્થાન દર્જ કરાવે છે. સંગીત સાદગી અને સૌજન્યતાના વિશિષ્ટ ગુણો સાથે આ સંસ્થા વર્ષ ૧૯૯૪થી અર્થાત છેલ્લા ૨૪ વર્ષોથી સંગીતના કાર્યક્રમોનું આયોજન કરતી આવી છે.

સંસ્થાનો ૨૩મા વર્ષનો છઠ્ઠો અને સળંગ ૧૩૮મો કાર્યક્રમ રાજકોટના હેમુગઢવી નાટ્ય ગૃહ ખાતે યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં મુંબઈના સુવિખ્યાત ગાયક કલાકારો - અલીફીયા શેટ્ટી તથા સાગર સાવરકર આવ્યા હતા. આ વર્સેટાઈલ ગાયકો સૂર સંસારના મંચ ઉપર પૂર્વે પણ આવી ગયા છે.

અલીફીયાજીનો કંઠ નૂરજહાં, ઉમાદેવી કે શમશાદ બેગમના કંઠથી એકદમ નજીક છે. તેમના કંઠનો રણકાર, ટોનલ કવોલીટી, સૂરની પકડ તથા મધુરતા એકદમ વિશિષ્ટ છે. શ્રોતાઓને પોતાની આભામાં લઈ લેવા સક્ષમ છે.

સાગર સાવરકર યુવા કલાકાર છે. તેઓ વર્સેટાઈલ ગાયક છે. મુકેશ, ભુપેન્દ્ર, વેશુદાસ, તલત મહેમુદ તથા મહમ્મદ રફી જેવા ગાયકોના ગીતો આસાનીથી અને એફર્ટલેસલી ગાઈ શકે છે. કોઈ પાર્શ્વ ગાયકના કંઠનંુ સામ્ય કોઈ પાર્શ્વ ગાયકને મળતુ ન આવે છતાં જે તે પાર્શ્વ ગાયકની ખાસ શૈલી આત્મસાત કરીને વફાદારીપૂર્વક ગીતો રજૂ કરવા તે જ સાચો પડકાર છે. આવો પડકાર ઝીલીને સાગર સાવરકરે પોતાના તાલિમબદ્ધ ગાયકીથી અનેક પાર્શ્વગાયકોના ગીતો રજૂ કર્યા.

આ કાર્યક્રમમાં સૂરસંસાર કોરસવૃંદના ગાયકો દર્શિત કાનાબાર, ધવલ ઘેલાણી,  જયપાન સુરીયા, નિષાદ વસાવડા, કુ. ખ્યાતિ પંડ્યા, નેહા મંગે, રીન્ટુ ઘેલાણી, રીના ગજ્જર, ધાત્રી વાસ, રૂપલ ચાંગાણીએ ખૂબ જ સૂરીલો સંગાથ આપ્યો. આ સર્વે કલાકારોને રાજેશ વ્યાસે માર્ગદર્શન આપ્યુ હતું. જયારે વડોદરાના વાદ્યવૃંદ જય નાતુ તથા સાથી કલાકારોએ કર્ણપ્રિય સાઝ સંગાથ આપ્યો.

કાર્યક્રમના પ્રારંભે અલીફીયા અને સાગરના અવાજમાં ધરતી કો આકાશ પુકારે રજૂ કરીને શ્રોતાઓને પ્રભાવિત કર્યા. વિવિધ પાર્શ્વગાયકોના અલગ અલગ અંદાજના ગીતો જેવા કે દિલ ઢૂંઢતા હૈ ફીર વોહી, અંધે જહાન કે અંધે રાસ્તે, ખો ગયા હૈ મેરા પ્યાર, લાલ લાલ ગાલ અને દિલ કે ટુકડે ટુકડે કર કે સાગર રજૂ કર્યા. જયારે અલીફીયાએ અફસાના લિખ રહી હૂ, ચમન મેં રહ કે વીરાના, બચન કે દિન ભુલા ન દેના (ખ્યાતિ પંડ્યાનો સંગાથ), એક દો તીન આજ મૌસમ હૈ રંગીન, લમ્બી જુદાઈ, અજીબ દાસ્તા હૈ યે, આંખો સે જો ઉતરી હૈ દિલ મેં, આજા પિયા તો હે પ્યાર દૂ વગેરે ગીતો મુળ લ્હેકા સાથે રજૂ કર્યા હતા. જયારે વિવિધ પાર્શ્વગાયક - ગાયિકાઓના ડ્યુએટ્સ મિલતે હી આંખે દિલ હવા, આવાઝ દે કહાં હૈ, કૈસે બજે દિલ કા સીતાર, ઈશારો ઈશારો મેં દિલ લેને વાલે, તારારી આરારી, જાનેમન જાનેમન તેરે દો નયન અને શોલા જો ભડકે જેવા ભાવ વૈવિધ્યના ગીતો રજૂ કર્યા હતા.

તાજેતરમાં જ તા.૨૪ ફેબ્રુઆરીના રોજ સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીનું અવસાન થયું તે નિમિતે મોરની બાગામાં બોલે ગીત દ્વારા શ્રદ્ધાંજલી આપવામાં આવી. કેટલાક કોરસ વૃંદ સાથેના ગીતો જેવા કે એક દો તીન આજ મૌસમ હૈ રંગીન, તડપ તડપ કે ઈસ દિલ સે તથા રમૈયા વસતા વૈયામાં કોરસ વૃંદના કલાકારોએ જમાવટ કરી હતી. આમ આ કાર્યક્રમ માટે ગાયકોની પસંદગી તથા ગીતોની પસંદગી કરવા માટે સૂરસંસાર અભિનંદનને પાત્ર છે. આ કાર્યક્રમનું સંચાલન રાજકોટના આઈ સ્પેશ્યાલીસ્ટ ડો. મનીષા દેવાણીએ સંભાળ્યુ હતું. જયારે ધ્વની વ્યવસ્થા વડલદરાના કેયુર કહોર ઓમ સાઉન્ડએ સંભાળી હતી.

કાર્યક્રમના મધ્યે સંસ્થાના મોભી ભગવતીભાઈ મોદીએ નવા વર્ષ માટે સભ્ય ફી - રીન્યુઅલ ફી તા.૧-૪ થી તા.૨૦-૪ દરમિયાન તેમના નિવાસસ્થાન ૧બી જૈન ટેરેસીસ, ૧ ન્યુ કોલેજ વાડી, પંજાબ હોન્ડા શો રૂમ પાછળ, કાલાવડ રોડ, રાજકોટ - ૫ ખાતે સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત આ વર્ષના વધેલા ફંડમાંથી એક બોનસ કાર્યક્રમ - ગીતો અને ભોજન સાથે તા.૧૮ માર્ચના રોજ યોજાશે તેની માહિતી પણ આપી હતી. આ કાર્યક્રમના સફળ મંચન માટેના યશભાગી મનીષભાઈ શાહ - નૂતનભાઈ ભટ્ટ - પિયુષભાઈ મહેતા તથા મુકેશભાઈ છાયાએ સુંદર આયોજન કર્યુ હતું.

કાર્યક્રમના અંત ભાગે સાગર તથા અલીફીયાએ શ્રોતાઓની પસંદગીના કેટલાક ગીતો રજૂ કરીને ભાવકોને ખુશ કરી દીધા હતા.

(4:35 pm IST)