Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ધો.૧૦માં વિજ્ઞાન અને ટેકનોલોજીનું પ્રશ્નપત્ર એકંદરે મધ્યમ

ધો. ૧૨માં આંકડાશાસ્ત્ર અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્રઃ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં જિલ્લા મથકોએ પરીક્ષાની જડબેસલાક વ્યવસ્થા

રાજકોટ : ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦-૧૨ની પરીક્ષાનો શાંતિપૂર્વક પ્રારંભ થયો છે. પ્રસ્તુત તસ્વીરમાં પરીક્ષાના ત્રીજા દિવસે પરીક્ષા કેન્દ્રમાં મુકવા આવેલા વાલીઓ નજરે પડે છે. જ્યારે અન્ય તસ્વીરમાં પરીક્ષામાં કૌશલ્ય ઝળકાવવા ઉત્સુક પરીક્ષાર્થીઓ નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૪ : ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલતી ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયા બાદ આજે ત્રીજા દિવસે ધો. ૧૦માં વિજ્ઞાન અને ટેકનોલોજી અને ધો. ૧૨માં આંકડાશાસ્ત્ર અને વિજ્ઞાનપ્રવાહમાં વિજ્ઞાનનું પ્રશ્નપત્ર છે.

ધો. ૧૦માં આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનું પ્રશ્નપત્ર એકંદરે મધ્યમ રહ્યું છે. પરીક્ષા કેન્દ્રો ઉપર અનેક વિદ્યાર્થીઓ ઉત્તર આપવામાં વિચારતા નજરે પડતા હતા. શિક્ષણ બોર્ડે પ્રશ્નપત્રની બ્લુ પ્રિન્ટ ફેરવી હોય તેવું જણાતું હતું. જ્યારે એમસીકયુ ૩ થી ૪ ખૂબ ફેરવીને પૂછતા વિદ્યાર્થીઓ વિશ્વાસપૂર્વક ઉત્તર આલેખી શકયા ન હતા.

ધોરણ-૧૦ના ૭૯ ઝોનમનાં કુલ ૯૦૮ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ૩૩૬૧ શાળા સંકુલમાં કુલ ૩૭,૭૦૦ બ્લોક નક્કી કરવામાં આવ્યા છે, ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૫૬ ઝોનના ૧૪૦ કેન્દ્રોમાં ૧૪૦ શાળા બિલ્ડીંગમાં ૬૮૮૦ બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા છે.  ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં પણ ૫૬ ઝોનમાં ૫૦૦ કેન્દ્રો ખાતે ૧૫૨૫ બિલ્ડીંગમાં ૧૫,૭૫૭ બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.  ધોરણ-૧૦ની પરીક્ષા તા.૨૩ મી માર્ચે પૂર્ણ થાય છે. ધોરણ-૧૨ની વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા ૨૨મી માર્ચે અને ધો-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા તા.૨૮મી માર્ચના રોજ પૂર્ણ થાય છે.

જાહેર પરીક્ષાઓના સુચારૂ સંચાલન માટે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માટે પ૬ ઝોન તથા માધ્યમિક શાળાના પ્રમાણપત્ર પરીક્ષા માટે ૭૯ ઝોનની રચના કરવામાં આવેલ છે. સામાન્ય પ્રવાહના ૪૭૬૬૩૪ તથા વિજ્ઞાન પ્રવાહના ૧૩૪૬૭૧ અને સંસ્કૃત માધ્યમની પરીક્ષામાં પ૬૬ ઉમેદવારો નોંધાયેલ છે. માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ર૦૧૮માં ૧૧૦૩૬૭૪ ઉમેદવારો અને સંસ્કૃત પ્રથમ  ૭૪૬ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે.

એસએસસી પરીક્ષા માટે કુલ ૯૦૮ કેન્દ્રો છે. એચએસસી સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે કુલ પ૦૦ કેન્દ્રો મંજુર કરવામાં આવેલ છે. જે પૈકીના ૧૪૦ કેન્દ્રો વિજ્ઞાન પ્રવાહ માટે છે. 

ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષામાં ગેરરીતિને ડામવા ૨૬ વીઝીલન્સ અને ૮૦ ફલાઇંગ સ્કવોડ રચવામાં આવી છે.

(4:34 pm IST)