Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ડો. નીલિમા શુકલએ અમેરિકાના અભ્યાસક્રમમાં નરસિંહ મહેતાને સ્થાપિત કર્યા

સોમનાથ કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે સેવા આપનારે અમેરિકામાં સ્થાયી થઈને ગુજરાતનો ડંકો વગાડયો : નરસિંહ મહેતા પર ૩૨૫ પાનાના ગ્રંથને ઓકસફર્ડ યુનિ.એ પ્રકાશિત કર્યોઃ ભકત કવિ નરસિંહથી વિશ્વ માહિતગાર થયું: પિતાશ્રી, માતુશ્રી, સસરા, પતિ બધાં જ ટીચિંગ લાઈનમાં: ડો. નીલિમા 'અકિલા'ની મુલાકાતે

ડો. નીલિમા શુકલ સાથે ડો. નિરંજન રાજગુરૂ નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૪ :  અમેરિકાના ધર્મ-સાહિત્યના અભ્યાસક્રમમાં ભકત કવિ નરસિંહ મહેતાને સ્થાપિત કરનાર ડો. નીલિમા શુકલ 'અકિલા' ની મુલાકાતે આવ્યા હતા.

અમેરિકાની વેલેસ્લી કોલેજના સાઉથ એશિયન સ્ટડીઝના ડાયરેકટર છે.. હાર્વર્ડ યુનિ કોલમ્બિયા યુનિ. સાથે પણ તેઓ સંકળાયેલા છે. હાલમાં દિલ્હીની અશોકા યુનિવર્સિટીમાં અધ્યાપન તથા પુનાની ફલેઇમ યુનિવર્સિટીના એજયુકેશન એડવાઇઝર તરીકે સેવા આપવા પુના આવ્યાં છે. જુનાગઢ મુકામે રૂપાયતનમાં યોજાયેલા નરસિંહ પર્વ પ્રસંગે તેઓ ખાસ સૌરાષ્ટ્રમાં આવ્યાં અને આજે સૌ. યુનિ. ના નિમંત્રણથી રાજકોટ આવ્યા હતા.

ઓનલાઇન ટીચીંગ યોજના અંતર્ગત વિશ્વના અનેક દેશોના ૧ર૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ, ભારતીય સાહિત્ય, ભારતીય ભકિતપરાંપરાઓ અને ભારતીય ધર્મ-પંથ-સંપ્રદાયો વિશે અભ્યાસ કરાવનારાં અધ્યાપક છે.

નરસિંહ મહેતા ઓફ ગુજરાત-એ લીગસી ઓફ ભકિત ઇન સોંગ્સ એન્ડ સ્ટોરીઝ નામનો ૩રપ પુષ્ઠોનો શોધ નિબંધ ઓકસફોર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા ર૦૧પમાં પ્રકાશિત થયો છે. જે દ્વારા અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમવાર ગુજરાતી ભાષાના આદ્યકવિ નરસિંહ મહેતા વિશે સમગ્ર વિશ્વના સંશોધકો માહિતગાર થયા અને અમેરિકાના અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું.

ડો. નીલિમા કહે છે કે, ભારતીય ધર્મ-સાહિત્યને રજૂ કરવાનું કાર્ય મારા પર આવ્યું અને મારુ સદ્ભાગ્ય ગણુ છું ડો. નીલિમાજીએ અંગ્રેજી વિષયમાં માસ્ટરી મેળવી હતી અને સોમનાથ કોલેજમાં અધ્યાપક બન્યા હતા. તેઓ કહે છે કે મારા જીવન સાથી ભરત ભટ્ટના કારણે જીવનમાં સુખદ ટર્નિંગ પોઇન્ટ આવ્યો. અમેરિકામાં ધર્મ-સંસ્કૃતિનો અભ્યાસ કર્યો.

શિક્ષણ કાર્ય નીલિમાજીને  વારસામાં પ્રાપ્ત થયું છે માતુશ્રી ગુજરાતી વિષયના શિક્ષિકા હતા પિતાશ્રી ટી.આર.શુકલ ગુજરાતી વિષયના અધ્યાપક હતા. તેઓ છેલ્લે મોરબી કોલેજમાં સેવા આપતા હતા અને વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. નીલિમાજીના સસરા મનોવિજ્ઞાનના પ્રોફેસર હતા અને પતિ ભરતભાઇ ભટ્ટ અમેરિકામાં સાંસ્કૃતિક ભુગોળના અધ્યાપક છે

ડો.નીલિમા મૂળ સુરત પંથકના છે હાલ અમેરિકા સ્થાયી થયા છે અને હિલેરી કિલન્ટને જયાં અભ્યાસ કર્યોએ સ્થાને અધ્યાપનકાર્ય કરે છે

ડો.નીલિમા કહે છે કે, ભારતનો વારસો ભવ્ય છેે, પણ વર્તમાન થોડો બેડોળ છે આપણે સકારાત્મક રહીને પ્રાર્થના કરીને કે ભવ્ય વારસો વર્તમાન અને ભવિષ્યએે ઉજ્જવળ બનાવવા સહાયભુત નીવડે.

ઘોઘાવદરના આનંદ આશ્રમના ડો.નિરંજન રાજગુરૂ અંગે ડો.નીલિમાજી કહે છે કે, એમણે મને ધાર્મિક સાહિત્ય અને આ ક્ષેત્ર અંગે ખૂબ સમજ આપી છે.

વિશ્વની તમામ ભાષાઓની યુનિવર્સિટીઓમાં યોજાતી કોન્ફરન્સો-સેમિનારોમાં ઇન્ડોલોજી, ભારતીય વિદ્યાઓ, ભારતીય ધર્મ-સાધના પરંપરાઓ-ભારતીય ભકિત પરંપરાઓના સાહિત્યમાં ગુજરાતનું પ્રદાન... વિશેની જાણકારી નીલિમાબહેન આપતા રહ્યા છે.

નરસિંહના ગુજરાતી ભાષાના કાવ્યસર્જન દ્વારા સમગ્ર ભારતીય ભાષાઓમાં ભકિતકવિતાની એક સમૃદ્વ પરંપરા કઇ રીતે ઊભી થઇ અને એનો પ્રભાવ આજ સુધીના અર્વાચીન સમયમાં પણ સાહિત્યમાં અને લોકજીવનમાં કઇ રીતે જીવંત રહ્યો છે, શા માટે આજે પણ નરસિંહની કવિતાની પ્રસ્તુતતા સમગ્ર વિશ્વમાં છે એની વિષદ ચર્ચા નીલિમાબહેન પોતાના આ પુસ્તકમાં અને એ પછીના અનેક શોધ વકતવ્યોમાં વિશ્વભરમાં અભ્યાસીઓ સમક્ષ કરતા રહ્યા છે.

ડો.નીલિમા શુકલનો સંપર્કઃ nshuklab@wellesley.edu.

(4:41 pm IST)