Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

રાજકોટ યાર્ડની આગ કાબૂમાં: ૧૭ કરોડનું નુકસાન-ભેદ અકબંધ

ગુજકોટ દ્વારા મંગાવાયેલા ૨૩ લાખ ૩૫ હજાર નંગ કોથળા (બારદાન)ના જથ્થામાં સાંજે ૭ વાગ્યે ભભૂકેલી આગના સવારે પણ લબકારાઃ આગ લાગી કે લગાડાઇ? ભેદભરમ : ગુજકોટની ઓફિસ પણ ખાકઃ વીસ કર્મચારીઓ જીવ બચાવીને ભાગ્યાઃ પોલીસ હવે સીસીટીવી કેમેરા તપાસી એફએસએલની મદદથી કારણ શોધવા મથામણ કરશેઃ ફાયર બ્રિગેડે ત્રણેક લાખ નંગ કોથળા બચાવી લીધાઃ ૨૫ ફાયર ફાઇટરો અને ૪૫ના સ્ટાફે સતત ૧૫ કલાક જહેમત ઉઠાવીઃ યાર્ડમાં ખુલ્લા શેડમાં બંને બાજુ તાલપત્રીઓ બાંધીને અંદર કોથળાનો જથ્થો રાખવાનું શરૂ કરાયું હતું: સલામતિનો અભાવઃ કોની બેદરકારી?

યે આગ કૈસે લગી?!...રાજકોટના જુના માર્કેટ યાર્ડમાં ગત સાંજે સાતેક વાગ્યે એકાએક બારદાનના જથ્થામાં આગ ભભૂકી ઉઠતાં નાસભાગ મચી ગઇ હતી. ૨૩ લાખ ૩૫ હજાર નંગ બારદાન (કોથળા)ના જથ્થામાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડે બાર કલાકે આગ કાબૂમાં લીધી હતી. આગથી ૨૦ લાખ બારદાન બળીને ખાક થઇ જતાં અંદાજે ૧૭ કરોડનું નુકસાન થયું છે. તેમજ યાર્ડના શેડને પણ ભારે નુકસાન થયું છે. તસ્વીરમાં ભિષણ આગ બુઝાવવા ઝઝૂમી રહેલા ફાયર બ્રિગેડના જવાનો ઉપરની તસ્વીરોમાં જોઇ શકાય છે. નીચેની તસ્વીરમાં યાર્ડના ચેરમેન ડી. કે. સખીયા ચર્ચા કરતાં જોઇ શકાય છે. અન્ય તસ્વીરો આજ સવારની આગ બુઝાઇ ગયા પછીની છે. કોથળાના જથ્થામાંથી સવારે પણ ધૂમાડા-લબકારા નીકળતાં હોઇ જેસીબીની મદદ લેવી પડી હતી. બળી ગયેલુ આઇશર પણ જોઇ શકાય છે. સવારે પણ ધૂમાડા અને લબકારા ટાઢા પાડવા પાણીનો મારો ચાલુ રખાયો હતો તે દ્રશ્યો પણ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૪: ગયા મહિને ગોંડલની યાર્ડમાં ગુજકોટ દ્વારા ટેકાના ભાવે ખરીદીને ગોડાઉનમાં રખાયેલી મગફળીના જથ્થામાં ભિષણ આગ લાગ્યાની ઘટના હજુ સમી નથી ત્યાં રાજકોટના જુના માર્કેટ યાર્ડમાં સાંજે સાતેક વાગ્યે એકાએક શેડ નીચે બનાવાયેલા પ્લેટફોર્મ ઉપર ખડકાયેલા ૨૫ લાખ ૩૫ હજાર નંગ બારદાનના જથ્થામાં શંકાસ્પદ રીતે આગ ભભૂકતાં કરોડોનું નુકસાન થયું છે. પોલીસ અને ફાયર બ્રિગેડ સુત્રોના જણાવ્યા મુજબ બાર કલાક બાદ સવારે સાતેક વાગ્યા સુધીમાં નેવુ ટકા આગ કાબૂમાં આવી ગઇ છે. કુલ ૨૩ લાખ ૩૫ હજાર નંગ બારદાનનો જથ્થો હતો તેમાંથી અંદાજે ૨૦ લાખ નંગ બારદાન બળી ગયા છે. જેના કારણે અંદાજીત ૧૭ કરોડનું નુકસાન થયું છે. જો કે આગ કઇ રીતે લાગી તે બહાર આવ્યું નથી. પોલીસ હવે સીસીટીવી કેમેરા ચેક કરશે તેમજ એફએસએલને સાથે રાખી તપાસ આગળ વધારશે. આગ લાગી કે લગાડાઇ? તે બાબતે ભારે ચર્ચા જાગી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગુજકોટ દ્વારા જુના માર્કેટ યાર્ડમાં મગફળીની ખરીદી માટેના ૨૫ લાખ ૩૫ હજાર નંગ બારદાન (કોથળા) ખરીદીને શેડમાં રાખવામાં આવ્યા હતાં. આ કોથળાના બંચ બાંધીને યાર્ડમાં જ બનાવાયેલા ખુલ્લા શેડમાં રખાયા હતાં. ગઇકાલે આ બારદાનને અન્યત્ર ખસેડવાની તજવીજ થઇ રહી હતી અને ત્રણ ટ્રકમાં બારદાનનો અમુક જથ્થો રવાના પણ થઇ ગયો હતો એ પછી એકાએક આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ સાંજે ૭:૦૫ કલાકે  હર્ષદભાઇ નામની વ્યકિતએ કરતાં ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર બી. જે. ઠેબા, શ્રી ભટ્ટી તેમજ ફાયર ફાઇટરોની ટીમો દોડી ગઇ હતી. આગે જોતજોતામાં વિકરાણ સ્વરૂપ ધારણ કરી લેતાં શહેરના ૧૫ ફાયર ફાઇટરો દોડાવાયા હતાં. આ ઉપરાંત એરપોર્ટ, જસદણ, મોરબી, ગોંડલ, જેતપુર અને મેટોડાથી પણ ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી. બાર કલાકને અંતે સવારે આગ નેવુ ટકા કાબૂમાં આવી ગયાનું પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું છે.

સાંજે આગ ભભૂકયા બાદ આગળ વધીને બાજુમાં આવેલી ગુજકોટની ઓફિસમાં પ્રસરી ગઇ હતી. આ વખતે ઓફિસમાં વીસેક જેટલા કર્મચારીઓ હોઇ તે જીવ બચાવીને ભાગ્યા હતાં. તો નજીકમાં એક આઇશર ટ્રક હતી તે પણ બળી ગઇ હતી. ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર શ્રી ઠેબાના કહેવા મુજબ આગ કઇ રીતે લાગી તેની હજુ સુધી ખબર પડી નથી. એફએસએલની મદદ લઇને તપાસ કરવામાં આવશે. ફાયર બ્રિગેડની ટીમોએ બાજુમાં આવેલી પીપલ્સ બેંકમાં આગ ન પ્રસરે તે માટે કાળજી લીધી હતી અને ત્યાંના વિજપ્રવાહનું કનેકશન કાપી નાંખ્યું હતું.

ભિષણ આગમાં સમગ્ર શેડ અને ૨૫ લાખ ૩૫ હજાર નંગ કોથળામાં લાગી હતી.ં ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવી ત્રણેક લાખ નંગ કોથળા બચાવીને બાજુના બીજા ગોડાઉનમાં ખસેડી દેતાં તે બચી ગયાનું જણાવાયું છે.  આગ કેવી રીતે લાગી તે જાણવા હવે પોલીસ એફએસએલની મદદ લઇ સીસીટીવી કેમેરા ચેક કરાવશે. બી-ડિવીઝનના પી.આઇ. આર. એસ. ઠાકરે જણાવ્યું હતું કે સવારે પાંચેક વાગ્યા સુધીમાં આગ પર ફાયર બ્રિગેડની ટીમોએ કાબૂ મેળવી લીધો હતો. જો કે જેમ જેમ બળેલા કોથળાનો જથ્થો દૂર ખસેડાતો હતો તેમ તેમ નીચેથી બીજા સળગતા કોથળા નીકળતાં હોઇ અને ધૂમાડા નીકળવાના ચાલુ હોઇ સવારે પોણા નવે પણ પાણીનો મારો ચાલુ રખાયો હતો.

બારદાન બનાવવા માટે પેટ્રોલનો ઉપયોગ થતો હોઇ જેના કારણે આગ વધુ ઝડપથી પ્રસરી ગઇ હોવાનું તારણ છે.  જુના યાર્ડમાં જ્યાં બારદાન સ્ટોરેજ કરવામાં આવે છે એ ભાગમાં સીસીટીવી કેમેરા પણ નહિ હોવાનું કહેવાય છે. યાર્ડમાં ખુલ્લા શેડમાં બંને બાજુ તાલપત્રીઓ બાંધીને અંદર કોથળાનો જથ્થો રાખવાનું શરૂ કરાયું હતું. બંધ અને સલામતિવાળા ગોડાઉનને બદલે આટલો મોટો જથ્થો સાવ ખુલ્લામાં રાખી દેવાયો હતો. ૧૯ ફેબ્રુઆરીથી સતત ૨૫ દિવસ સુધી અહિ કોથળા ભેગા કરવામાં આવ્યા હતાં. અગ્નિશમનના કોઇ સાધનો પણ અહિ નહોતાં. અહિ વિજપ્રવાહ પણ બંધ હતો તેથી શોર્ટ સરકિટ થયાની શકયતા જણાતી નથી. જ્યાં બારદાન રખાયા હતાં ત્યાં સિકયુરીટી ગાર્ડ સિવાય કોઇ જઇ શકતું નથી. ત્યારે આગ કઇ રીતે લાગી તે રહસ્ય ઉકેલવા પોલીસ હવે તપાસ શરૂ કરશે.

સવારે આગ કાબૂમાં, પરંતુ બળેલા જથ્થા નીચેથી નીકળતા કોથળામાં  જ્વાળા યથાવતઃ જેસીબીની મદદ લેવાઇ

.ફાયર બ્રિગેડ સુત્રોના જણાવ્યા મુજબ આગ સવારે નેવુ ટકા જેટલી કાબુમાં આવી ગઇ છે. જો કે બળેલા કોથળાના જથ્થા જેમ જેમ દૂર હટાવવામાં આવે છે તેમ તેમ નીચેના ભાગના કોથળાના જથ્થામાં જ્વાળાઓ ચાલુ હોઇ તે ઓલવવા સવારે જેસીબીની મદદ લેવામાં આવી છે. જેસીબી દ્વારા બળેલા કોથળા અને નીચેના ભાગે બળી રહેલા કોથળા હટાવવા તજવીજ થઇ રહી છે. આગ ઓલવવા રાજકોટ, જસદણ, મોરબી, ગોંડલ સહિતના ફાયર સ્ટેશનોની ૨૫ ગાડીઓને કામે લગાડાઇ હતી. અધિકારો અને જવાનો મળી ૪૦થી વધુના સ્ટાફે સતત ૧૫ કલાક સુધી અવિરત કામગીરી કરી આગ બુઝાવવા પ્રયાસો કર્યા હતાં.

 

(1:38 pm IST)
  • AICC તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ શહેરમાં નવા પ્રદેશ ડેલીગેટ તરીકે મહેશ રાજપૂત તથા રાજકોટ જીલ્લામાં નવા પ્રદેશ ડેલીગેટ તરીકે  અજુનભાઈ ખાટરીયા ગામ રામોદ, સુરેશ બથવાર ગામ રાજકોટ, ગંગદાશભાઈ બી ડોડીયા ગામ પડધરી, લાખાભાઈ ડાંગર ગામ ઉપલેટા, દીપકભાઈ વેકરીયા (ડી.કે) ગામ જેતપુર, શૈલે દેવેન્દ્ર ભાઈ ધામી ગામ રાજકોટ, દિનેશભાઈ મકવાણા ગામ રાજકોટ, દિનેશભાઈ ચોવટીયા ગામ રાજકોટ, શહેનાઝબેન બાબી ગામ જેતપુર ની નીમણૂંક કરવામાં આવેલ છે access_time 2:14 am IST

  • એક સાથે અધધ ૧૧ લાખ વિદ્યાર્થીઓએ પરિક્ષા છોડવા પાછળનું કારણ શું?... યોગી સરકાર દ્વારા તપાસ વેગવંતી :ઉત્તરપ્રદેશમાં ૫૦ ટકાથી વધારે છાત્રોએ પરિક્ષા આપવાનું માંડી વાળ્યુ એ શાળાઓની યાદી તૈયાર કરી ગાળીયો કસાશે, કેટલી જગ્યાએ બોર્ડની પરિક્ષા માટે ગેરકાયદે રજીસ્ટ્રેશન થયા છે? બાબત ઉપરથી ઉંચકાશે પરદોઃ કોપી મૂલ્યાંકનમાં દાંડાઇ કરનારા શિક્ષકો સામે પણ ભરાશે પગલાઃ ૧૭મીથી શરૂ થઇ રહેલા મૂલ્યાંકન દરમિયાન પરિક્ષાર્થીઓને મોબાઇલ લઇ જવા ઉપર મુકાશે પ્રતિબંધ, કેન્દ્રના મુખ્ય દરવાજા જ બંધ કરી દેવાશેઃમૂલ્યાંકનની કામગીરી સાથે જોડાયેલા શિક્ષકોને નિધારીત સમયે ફરજ ઉપર હાજર થવા ફરમાન access_time 4:55 pm IST

  • નરેન્દ્રભાઈને પત્ર લખી મળવાનો સમય માગતા તોગડીયા : વિહપીના આંતરરાષ્ઠ્રીય પ્રમુખ ડો. પ્રવિણભાઈ તોગડીગયાએ નરેન્દ્રભાઈને પત્ર લખી મળવાનો સમય માગ્યો છે : પત્રમાં લખ્યુ છે કે આશા રાખુ છુ કે આ પત્રનો સરકારી રાહે જવાબ નહિં આવે, એક વિખૂટો પડેલ મિત્ર ફોન ઉઠાવીને વાત કરીને મળવાનો સમય નક્કી કરશે access_time 6:15 pm IST