Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

સત્નામ ટ્રસ્ટ દ્વારા જગદીશભાઇ સરવૈયાના નેતૃત્વમાં રવિવારે ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહલગ્ન

પ યુગલો જોડાશે : જલજીત હોલ સામેના મેદાનમાં સમીયાણો : દરેક દિકરીને ૯૪ જેટલી વસ્તુઓ અપાશે

રાજકોટ તા. ૧૪ : સત્નામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એકલવીર જગદીશભાઇ સરવૈયાના નેતૃત્વતળે તા. ૧૬ ના રવિવારે સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ કે તા. ૧૬ ના રવિવારે જલજીત હોલની સામે, કોમ્યુનીટી હોલ પાસેના કોર્પોરેશનના પ્લોટમાં આયોજીત આ સમુહલગ્નમાં પ યુગલો પ્રભુતામાં પગલા પાડશે.

સવારે ૬ વાગ્યે જાન આગમન, ૧૦.૩૦ વાગ્યે હસ્ત મેળાપ, ૧૧ વાગ્યે ભોજન સમારોહ અને બપોરે ૨.૩૦ વાગ્યે જાન વિદાય અપાશે. તમામ દિકરીઓને જીવન જરૂરીયાતની ૯૪ જેટલી વસ્તુઓ અપાશે.

સામાન્ય પરીસ્થિતીમાંથી આવતા હોવા છતા પાંચ દિવસ મૌન વ્રત રાખી પ દિકરીઓને પરણાવવાનો સંકલ્પ લેનાર મોચી જ્ઞાતિના આ કર્મશીલ જગદીશભાઇ સરવૈયા (મો.૯૫૭૪૭ ૭૦૭૪૨) દ્વારા એકલે હાથે આ કાર્ય આરંભાયુ અને ધીરેધીરે  અન્ય લોકોનો સહયોગ મળતો ગયો. આગામી દિવસોમાં એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા તેઓએ વિચાર મુકયો છે. આયોજન સમિતિ રચવામાં આવતા કિશોરભાઇ એમ. ચંદારાણા, દક્ષાબેન સરવૈયા, ભાવનાબેન પંડીત વગેરે તેમા જોડાયા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જગદીશભાઇ સરવૈયા અને બાજુમાં સત્સંગી સેવક મનસુખભાઇ પરમાર નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:42 pm IST)