Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

કાલે 1-BHK આવાસ યોજનાના ફોર્મનો છેલ્લો દિ'

મ્‍યુ. કોર્પોરેશન દ્વારા ઇ.ડબલ્‍યુ.એસ-૨નાં ૫૪૨ ફલેટ મવડી વિસ્‍તારમાં બનાવાયા : ૧૩,૭૦૦ ફોર્મ ઉપડયાઃ ૩૭૦૦ પરત આવ્‍યાઃ ૧૩.૭૦ લાખની આવકઃ તા.૧૭થી ૨બીએચકેના ફોર્મનું વિતરણ

રાજકોટ તા. ૧૪: મ્‍યુ. કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નાનામૌવા, યુનિવર્સિટી રોડ, મવડી, ૧૫૦ ફુટ રીંગ રોડ સહિતના વિસ્‍તારમાં ૧થી ૩ બીએચકે ફલેટની આવાસ યોજના નિર્માણ કરવામાં આવી રહી છે. જેમાં મવડી ખાતે ૫૪૨ - ૧બીએચકે આવાસોના ફોર્મનું વિતરણ ૧ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવ્‍યું હતું.ઇ.ડબલ્‍યુ.એસ-૨ યોજનના હેઠળનાં આવાસ યોજનાનાં ફોર્મ વિતરણ અને પરત લેવાનો આવતી કાલે તા.૧૫નાં છેલ્લો દિવસ છે. આજ સુધીમાં અંદાજીત ૧૩,૭૦૦ ફોર્મ ઉપડયા છે. જેની સામે ૩૭૦૦ ફોર્મ પરત આવ્‍યા છે.

આ અંગેની પ્રાપ્‍ત માહિતી મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટ મ્‍યુ. કોર્પોરેશન દ્વારા ૧ થી ૩ બીએચકે ફલેટ યોજના અંતર્ગત અનુક્રમે ૫૪૨, ૧૨૬૮ અને ૧૨૬૮ મળી કુલ ૩૦૭૮ આવાસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં અંબિકાટાઉનશીપ, મવડી વિસ્‍તારમાં ઇડબલ્‍યુએસ-૨નાં ૫૪૨ આવાસો માટેના ફોર્મનું વિતરણ ૧ ફેબ્રુઆરીથી શહેરની આઇસીઆઇસીઆઇ બેંકની તમામ બ્રાંચ તથા મ્‍યુ. કોર્પોરેશનના સિવિક સેન્‍ટરોમાંથી થયું રહ્યું છે. તા. ૧૪સુધીમાં સિવિક સેન્‍ટર અને આઇસીઆઇસીઆઇ બેંકમાંથી  સહિત કુલ ૧૩,૭૦૦ ફોર્મ ઉપડયા છે. આ ફોર્મની કિંમત રૂા. ૧૦૦ લેખે તંત્રને ૧૩.૭૦ લાખની આવક થવા પામી છે.

ઇડબલ્‍યુએસ-૨નાં ૫૪૨ આવાસોના ફોર્મ વિતરણનો આવતીકાલે તા.૧૫નાં છેલ્લો દિવસ છે.

અત્રે નોંધનીય છે કે, એલ.આઇ.જી આવાસ યોજના હેઠળ ૨ બીએચકે ફલુટ તંત્ર દ્વારા બનાવવામાં આવ્‍યા છે. આ ફોર્મનું વિતરણ તા.૧૭થી શહેરની આઇસીઆઇસીઆઇ બેંકની તમામ બ્રાંચ તથા મ્‍યુ. કોર્પોરેશનના સિવિક સેન્‍ટરોમાંથી કરવામાં આવશે. શહેરીજનોને આ યોજનાનો વધુને વધુ લાભ લેવા તંત્ર વાહકોએ અનુરોધ કર્યો છે.

૧ બીએચકે યોજનાના ફોર્મ જમા કરાવવાની મુદત વધારવા કોંગ્રેસની માંગ

રાજકોટઃ મ્‍યુ. કોર્પોરેશનની નવી ૧ બીએચકે આવાસ યોજનાના ફોર્મ જમા કરાવવા માટેની મુદત વધુ ૧૦ દિવસ વધારવા કોંગ્રેસના મહીલા કોર્પોરેટર જયાબેન ટાંકએ મ્‍યુ. કમિશ્નરને રજુઆત કરી છે. તેઓએ જણાવ્‍યું છે કે રપ૦૦૦ ફોર્મનું વિતરણ થયું છે. તેની સામે માત્ર ર૦૦૦ ફોર્મ જમા થયા છે ત્‍યારે ફોર્મ જમા કરાવવા માટે મુદત વધારવી જરૂરી છે.

(3:42 pm IST)