Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ટ્રાફિક બ્રાંચનો ચાર્જ સંભાળતા જ પીઆઇ એસ. એન. ગડ્ડુ મેદાનેઃ નિયમોનો ભંગ કરનારા સામે કાર્યવાહીઃ નો-પાર્કિંગમાં વાહન પાર્ક કરનારાઓને મેમો

દરરોજ અલગ-અલગ વિસ્તારોમાં ઓચિંતુ વાહન ચેકીંગ કરવામાં આવશેઃ સોૈને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સુચન

રાજકોટઃ શહેર પોલીસમાં ફરજ બજાવતાં પીઆઇ એસ. એન. ગડ્ડુની પીસીબીમાંથી ટ્રાફિક બ્રાંચમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે નિમણુંક કરી છે. શ્રી ગડ્ડુએ અગાઉ થોરાળા પોલીસ મથકમાં હતાં ત્યારે તેમજ એસઓજી અને પીસીબીમાં પ્રશંસનીય કામગીરી કરી છે. હવે ટ્રાફિક બ્રાંચમાં ચાર્જ સંભાળતાની સાથે જ તેઓ આજથી મેદાને આવી ગયા છે. આજે ટીમનો સાથે રાખી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં વાહન ચાલકો સામે કાર્યવાહીનો પ્રારંભ કર્યો હતો. પારસી અગિયારી ચોક, લીમડા ચોક, મોટી ટાંકી ચોક સહિતના રસ્તાઓ પર આડેધડ અને નો પાર્કિંગમાં વાહનો પાર્ક કરનારા ચાલકોને સ્થળ પર મેમો ફટકારાયા હતાં તેમજ જે વાહનના માલિક હાજર મળ્યા નહોતાં તેની નંબર પ્લેટના મોબાઇલથી ફોટો લઇ ઇ-મેમો મોકલી આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.   અમુક ટુવ્હીલર ચાલકો વાહનમાં નંબર પ્લેટ રાખ્યા વગર કે આઇવે પ્રોજેકટના કેમેરામાં ફોટા ન આવે એ કારણે નંબર પ્લેટના ખુણા વાળીને નીકળતાં વાહન ચાલકોને પણ પકડી લઇ કાર્યવાહી કરવામાં આવી હતી. શ્રી ગડ્ડુએ જણાવ્યું હતું કે શહેરભરમાં હવેથી ગમે ત્યારે ઓચિંતા વાહન ચેકીંગ અને નો પાર્કિંગમાં વાહનો પાર્ક કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. સોૈ વાહન ચાલકો ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે તે જરૂરી છે. તસ્વીરોમાં પીઆઇ એસ. એન. ગડ્ડુ અને ટીમે અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરી હતી તે દ્રશ્યો જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:10 pm IST)