Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

મિસ્ત્રીએ ત્રાસને કારણે જીવ દીધો'તોઃ બિલ્‍ડરની ધરપકડ

રાજકોટના ગોકુલધામ રોડ પર દ્વારકાધીશ સોસાયટીમાં રહેતાં ગુર્જર સુથાર યુવાને ૧૧મીએ જિંદગી ટૂંકાવ્‍યાના બનાવમાં માલવીયાનગર પોલીસે સ્‍યુસાઇડ નોટને આધારે કાર્યવાહી કરી : વૃજ પેલેસવાળા બિલ્‍ડર જમન કનેરીયાનું ૧.૪૦ લાખમાં ફર્નિચરનું કામ રાખ્‍યું હતું: માલ પણ મિષાી રાકેશભાઇએ ઉધાર લીધો હતોઃ પરંતુ બિલ્‍ડરે મજૂરીના કે માલના પૈસા ન ચુકવી ટોર્ચરીંગ ચાલુ કરતાં મિસ્ત્રી ઝેર ગટગટાવી મોતનો માર્ગ પકડવા મજબૂર બન્‍યાની પત્‍નિ શોભનાબેન ધારૈયાની ફરિયાદ

રાજકોટ તા. ૧૪: ગોકુલધામ રોડ પર દ્વારકાધીશમાં રહેતાં અને ફર્નિચરનું કામ કરતાં ગુર્જર સુથાર યુવાને ત્રણ દિવસ પહેલા ઝેર પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં એક પટેલ બિલ્‍ડરનો ત્રાસ જવાબદાર હોવાનું ખુલતાં પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. સુથાર યુવાને આ બિલ્‍ડરનું ફર્નિચરનું કામ રાખ્‍યું હતું. તેનો માલ પણ બાકીમાં ખરીદ કર્યો હતો.  પરંતુ બિલ્‍ડરે કામની કિંમત વધી ગઇ છે તેમ કહી મજૂરીના કે માલના પૈસા ન આપી ટોર્ચર કરતાં સુથાર કારીગર મરવા મજબૂર થયાનું તપાસમાં સામે આવ્‍યું છે. સુથાર કારીગરે આપઘાત પુર્વે એક સ્‍યુસાઇડ નોટ પણ લખી છે.

પોલીસે આ બનાવમાં ગોકુલધામ મેઇન રોડ પર દ્વારકાધીશ સોસાયટી-૩માં ‘ગણેશ' ખાતે રહેતાં શોભનાબેન રાકેશભાઇ ધારૈયા (સુથાર) (ઉ.૪૦)ની ફરિયાદ પરથી જીવરાજ પાર્ક મોદી સ્‍કૂલ મેનઇ રોડ બ્‍લોસમ સીટી એપાર્ટમેનટ પાછળ વ્રજ પેલેસ બ્‍લોક નં. ૩૦૧માં રહેતાં બિલ્‍ડર જમન છગનભાઇ કનેરીયા (ઉ.૪૧) સામે આઇપીસી ૩૦૬ મુજબ મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

શોભનાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારે સંતાનમાં બે પુત્ર છે. જેમાં મોટો બ્રિજેશ વીસ વર્ષનો અને નાનો તેજસ સત્તર વર્ષનો છે. મારા પતિ રાકેશભાઇ રમેશભાઇ ધારૈયા (ઉ.વ.૪૨) ફર્નિચરનું કામ કરતાં હતાં. ૧૧/૨ના સાજે હું મારા દિયર આનંદભાઇના ઘરે કોઠારીયા રોડ કિરણ સોસાયટીમાં હતી ત્‍યારે મારા દિકરા બ્રિજેશે ફોન કરીને કહ્યું હતું કે-પપ્‍પા પડી ગયા છે, ઉલ્‍ટી કરે છે તું જલ્‍દી ઘરે આવ. જેથી હું ત્‍યાંથી ઘરે આવી હત. મારા પતિને વ્રજ હોસ્‍પિટલમાં લઇ ગયા હતાં. ત્‍યાંથી વધુ સારવાર માટે વોકહાર્ટમાં લઇ જવામાં આવ્‍યા હતાં. રસ્‍તામાં તેઓ કંઇ બોલી શકતા નહોતા. પુત્ર બ્રિજેશે મને કહ્યું હતું કે પપ્‍પાએ ઘરે આવીને દવા પી લીધી છે. પતિએ સારવાર દરમિયાન વોકહાર્ટ હોસ્‍પિટલમાં દમ તોડી દીધો હતો.

સારવાર ચાલુ હતી ત્‍યારે ડોક્‍ટરોએ તપાસ કરતાં મારા પતિએ પહેરેલા કપડામાંથી એક ચિઠ્ઠી શોધી કાઢી હતી. આ ચિઠ્ઠી મને આપી હતી. જેમાં મારા પતિએ લખ્‍યું હતું કે-‘જમનભાઇ વ્રજ પેલેસવાળાનું ફર્નિચરનું ૧,૪૦,૦૦૦નું કામ રાખેલ હતું અને બે સવા બેનો હિસાબ થાય છે. હવેતે ટોર્ચર કરે છે કે વાત થઇ હતી જે કામની એનાથી વધારે થઇ ગયું છે.' આ ચિઠ્ઠીને આધારે મને ખબર પડી હતી કે મારા પતિએ જીવરાજ પાર્ક બેલસમ સીટી પાછળ વ્રજ પેલેસમાં રહેતાં જમનભાઇ કનેરીયાનું ફર્નિચરનું કામ રાખ્‍યું હતું. મારા પતિ અવાર-નવાર કહેતાં હતારં કે જમનભાઇ પૈસા આપતા નથી અને મારી પાસેથી કામ કરાવ્‍યે રાખે છે. ફર્નિચરના લાકડા તેમજ અન્‍ય વસ્‍તુઓ પણ હું મારી જવાબદારી ઉપર લઇ આવું છું. આમ છતાં તે પૈસા આપતા નથી અને ખોટી રીતે હેરાન કરી ત્રાસ ગુજારે છે.

મારા પતિએ ચારેક માસથી બિલ્‍ડર જમન કનેરીયાનું કામ રાખ્‍યું હતું. પતિએ આ કામ માટે ફર્નિચરનો જરૂરી માલસામાન પણ વેપારીઓ પાસેથી ઉધારમાં લીધો હતો. પરંતુ જમનભાઇ માલના પૈસા પણ નહોતા આપતા અને મજૂરીના પૈસા પણ નહોતા આપતાં, ઉલ્‍ટાના મારા પતિને ટોર્ચર કરતાં હતાં. આ કારણે પતિ સતત ચિંતામાં હતાં અને ત્રાસને કારણે તેઓ ઝેર પી મરી જવા માટે મજબૂર થયા છે. તેમ શોભનાબેને ફરિયાદમાં વધુમાં જણાવ્‍યું છે.

પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ જે. કે. પાંડાવદરા, પ્રશાંતસિંહ, એએસઆઇ પરેશભાઇ જારીયા, અરૂણભાઇ બાંભણીયા સહિતે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

મિસ્ત્રી રાકેશભાઇની સ્‍યુસાઇડ નોટઃ મેં કોઇ દિવસ કોઇનું ખરાબ કર્યુ નથી, પણ મારી સાથે આવું કેમ થાય છે તે ખબર નથી, દુનિયાએ મારા ભોળપણ અને સચ્‍ચાઇનો લાભ લીધો છે તેનું દુઃખ છે!!

‘મારો દિકરો બ્રિજેશ ભણવામાં ખુબ હોશીયાર છે...સંસ્‍થાઓ-ઉદ્યોગપતિઓ તેને મદદ કરજોઃ પાટીદાર ધાણાદારવાળા અનિલભાઇ મારા દિકરાને મદદ કરજો એ તમને વળતર આપી દેશે' :  પત્‍નિને ઉદ્દેશીને લખ્‍યું-શોભા તું હિમત રાખજે, હું તારી પાસે જ છું...મારા પાછળ કોઇ શોક-વિધી ન કરતાં, જરૂર નથી :  પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ મારા પરિવારને મદદ કરજોઃ સુરતના ડાયમંડ કિંગનો હું ફેન છું, મારે તમારા જેવો બિઝનેસ કરવો'તો પણ નસિબે સાથ ન આપ્‍યો

મિસ્ત્રી રાકેશભાઇએ આપઘાત પુર્વે સ્‍યુસાઇડ નોટ લખી હતી, તે અક્ષરશઃ આ મુજબ છે-

‘સોૈન જયશ્રીકૃષ્‍ણ જય માતાજી હું રાકેશ જિંદગીથી કંટાળી પગલુ ભરુ છું, ખુબ જ થાકી ગયો છું હવે આરામ કરવા માંગુ છું. બધાને ખુશ કરવામાં હું ફસાતો ગયો, મને ગલત ન સમજતા. એક બે કામમાં ફસાઇ જતાં નુકસાન થયું છે. જમનભાઇ વ્રજપેલેસવાળાનું ૧,૪૦,૦૦૦નું કામ રાખેલ ને બે સવા બે નો હિસાબ થાય છે, હવે ટોર્ચર કરે છે. વાત થઇ તી કામની એનાથી વધારે કામ વધી ગયું . મેં કોઇ વસ્‍તુની ના નથી પાડી ઠીક છે. બ્રિજેશ તેજસ તારી મમ્‍મીનું ધ્‍યાન રાખજો, એને દુઃખી થવા ન દેતાં. મને માફ કરશો હું રીતે જઇ રહ્યો છું. ભાઇ આનંદ માફ કરજે છોકરાવનું ધ્‍યાન રાખજે. શિવ લેમિનેટવાળા અશોકભાઇ મારા ભાઇથી વિશેષ છે, મારું ખુબ રાખ્‍યું છે. અશોકભાઇ માફ કરજો હવે તમને જવાબ દેતા થાકી ગયો છું. કોઇ દિવસ કંઇપણ તમે બોલ્‍યા નથી. જરૂરથી વધારે તમારો ઉપયોગ કર્યો છે. કોઇ દિવસ તમે માલની ના નથી પાડી. હું કોઇ દિવસ ટાઇમ પર પૈસા આપી શક્‍યો નથી. મને માફ કરશો, તમારા જેવી વ્‍યક્‍તિ દુનિયામાં નહિ થાય. અશોકભાઇ મારી પાસે બીજો કોઇ રસ્‍તો નથી.'

રાકેશભાઇએ આગળ લખ્‍યું છે કે-પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તમને વિનંતી કે મારા પરિવારને કોઇ હેરાન ના કરે. જેને પૈસા આપવાના છે તેને આપી દીધેલ છે. વધારે પૈસા માટે મારા ગયા પછી મારા પરિવારને કોઇ હેરાન ન કરે. રાજકોટના ઉદ્યોગપતિ, સેવાકિય સંસ્‍થાઓને નમ્ર અપીલ કે મારો મોટો દિકરો બ્રિજેશ ભણવામાં હોશીયાર છે, પ્‍લીઝ તેને મદદ કરશો. પાટીદાર ધાણાદાળવાળા અનિલભાઇ મારા પરિવારનું ધ્‍યાન રાખજો. તમે ખુબ જ સેવાકિય પ્રવૃતિ કરો છો એટલે તમને ભલામણ કરુ છું. શોભા મને માફ કરી દેજે. મારા હિસાબે હવે તને કે છોકરાવને હેરાન નહિ થવા દઉ. હિમત રાખજે, છોકરાવનું ધ્‍યાન રાખજે. હું સદાય તારી પાસે છું. બે ચાર વર્ષની વાર છે પછી છોકરા તૈયાર થઇ જશે. અનિલભાઇ (ધાણાદાળવાળા) મારા છોકરાવનું ધ્‍યાન રાખજો, તમને એનું વળતર આપી દેશે. મારા છોકરાવને હમેંશા રાજાની જેમ રાખ્‍યા છે. મને માફ કરશો.

આગળ લખ્‍યું છે કે બ્રિજેશ, તેજસ, શોભા, આનંદ, હેતલ મારી પાછળ કોઇ ખોટા ખર્ચા કે વિધી કરતાં નહિ, કોઇ શોક રાખતા નહિ, તેની કોઇ જરૂર નથી.  એક્‍ટીવાની બુક મનિષભાઇ આહિર પાસે છે તે લઇ લેજો. હું થાકી ગયો છું. મારે આરામ કરવો છે. સોૈ કોઇ માફ કરજો. શોભા કપડા પહેરવામાં કોઇ બદલાવ ન કરતી, હું સદાય તારી સાથે જ છું. હિમત ન હારતી. મેં કોઇ દિવસ કોઇનું ખરાબ નથી કર્યુ, પણ મારી સાથે આવું કેમ થાય છે તે મને ખબર નથી. આ દુનિયા એ મારા ભોળપણ અને સચ્‍ચાઇન ખુબ જ લાભ લીધો છે તેનું દુઃખ છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબ મારા પરિવારને મદદ કરજો. સુરત ડાયમંડ કિંગ મહેશભાઇ સવાણી, સવજીભાઇ ધોળકીયા તમારો મોટો ફેન છું. મારે તમારી જેમ બિઝનેસ કરવો હતો. પરંતુ સફળતા ન મળી, નસિબે સાથ ન આપ્‍યો. તમને રિક્‍વેસ્‍ટ કરુ છું કે મારા પરિવારને મદદ કરશો. થઇ શકે તો માફ કરશો...સોૈને જયશ્રી કૃષ્‍ણ.

(12:05 pm IST)