Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

હાર્દિક અને મેવાણીથી મોદી, શાહ ભયભીત થયા : કન્હૈયા

રાજકોટમાં યુવા ત્રિપુટીના સરકાર ઉપર પ્રહાર : રાજકોટ ખાતે સંવિધાન બચાવો, દેશ બચાવો મુદ્દે વિશાળ રેલી યોજાઇ : ખોટા કેસમાં લોકોને ફસાવાયાનો આક્ષેપ

અમદાવાદ,તા.૧૩ : ગુજરાતની મુલાકાતે આવેલા જેએનયુ છાત્રસંઘના પૂર્વાધ્યક્ષ તેમજ ડાબેરી નેતા કન્હૈયા કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર આકરી ટિપ્પણીઓ સાથે શાબ્દિક પ્રહારો કર્યા હતા. ગુજરાત પહોંચેલા જેએનયુ છાત્રસંઘના પૂર્વાધ્યક્ષ તેમજ ડાબેરી નેતા કન્હૈયા કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર આકરી ટિપ્પણીઓ કરી હતી. કન્હૈયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહ અહીંના હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીથી ડરી ગયા છે. એટલા માટે ગુજરાતમાં હુમલાઓ થઈ રહ્યા છે અને ઘણા યુવાનોને ખોટા કેસોમાં ફસાવવામાં આવી રહ્યા છે. પાસ નેતા હાર્દિક પટેલ, જેએનયુના પૂર્વ વિદ્યાર્થી કનૈયાકુમાર અને જીજ્ઞેશ મેવાણી આજે રાજકોટમાં હતા. સંવિધાન બચાવો દેશ બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી પૂર્વે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કનૈયાકુમારે જણાવ્યું હતું કે, મોદી ખાઇ પણ રહ્યા છે અને અનિલ અંબાણીને ખવડાવી પણ રહ્યા છે. મને દેશદ્રોહી કહે છે પણ મારો ભાઇ સીઆરપીએફમાં જવાન હતો અને શહીદ થયો હતો. મોદીને ચેલેન્જ છે કે મારા પરનો આરોપ સાબિત કરી બતાવે. મોદીને ઉદ્દેશીને તેણે જણાવ્યું કે, આપ જાનેવાલે હૈ, અચ્છે દિન આનેવાલે હૈ. મોદીના રાજમાં સીબીઆઇ, ઇડી અને ચૂંટણીપંચ સહિતની બંધારણીય સંસ્થાઓનો દુરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કન્હૈયા ટીમ ઈન્દ્રનીલ ફોર યુના બંધારણ બચાવો કાર્યક્રમ માટે રાજકોટ પહોંચ્યા હતા. તેમણે ભાજપનો વિરોધ કરતા રહેવાની પોતાની ઘણી જૂની વાતો પુનરાવર્તિત કરી હતી. કન્હૈયાએ કહ્યુ કે ભાજપ સરકારમાં બંધારણ પર હુમલા થઈ રહ્યા છે. યુપીમાં માત્ર મુખ્યમંત્રી અખિલેશ યાદવને નથી રોકવામાં આવ્યા પરંતુ તેમના સમર્થકોની પિટાઈ પણ કરવામાં આવી છે. આમ થવુ આપણા માટે દુઃખદ વાત છે. આ બંધારણ પર કરવામાં આવેલી ઈજા છે ગુજરાતમાં એક પછી એક ખેડૂતોની આત્મહત્યાના કેસ પર કન્હૈયાએ કહ્યુ કે, અહીં સરકાર મોટા મોટા દાવાઓ કરી રહી છે. જ્યારે ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર બની રહ્યા છે. યુવાનો પાસે રોજગાર નથી. તેમનો અવાજ ઉઠાવનારા હાર્દિક અને જિગ્નેશ જેવા યુવાનોને દબાવવામાં આવી રહ્યા છે કારણકે આ યુવાનોથી સરકાર ડરી ગઈ છે. આવા યુવાનો સામે ખોટા કેસો કરીને તેમને ફસાવવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં જિગ્નેશ મેવાણીનો કાર્યક્રમ રદ કરવો ખૂબ જ શરમજનક છે. જો કે, કન્હૈયાની મુલાકાતને લઇ બીજીબાજુ,  ભાજપવાળા પણ વિરોધ કરવા પહોંચી ગયા હતા. તેના પોસ્ટર પર કાળી શાહી લગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે,  કન્હૈયા કુમાર બિહારના બેગુસરાય જિલ્લામાં તેઘરા વિધાનસભા વિસ્તાર સ્થિત બરોનીના બિહટના રહેવાસી છે. પટનામાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તે દિલ્લી આવ્યા જ્યાં તેમણે જવાહરલાલ નહેરુ વિશ્વ વિદ્યાલયમાં આફ્રિકન સ્ટડીઝ માટે પીએચડીમાં પ્રવેશ મેળવ્યો હતો. વર્ષ ૨૦૧૫માં છાત્રસંઘના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા. અહીંથી જ તેમના વક્તા તરીકેના ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા. કહેવાય છે કે જેએનયુ છાત્રસંઘ ચૂંટણીના એક દિવસ પહેલા તેમણે એક સ્પીચ આપી હતી જેનાથી તેમની જીત પાક્કી થઈ ગઈ હતી. સંવિધાન બચાવો દેશ બચાવો રેલીને લઇને ઉત્તેજના એક દિવસ પહેલા જ જોવા મળી હતી. આજે બપોરના ગાળામાં આની શરૂઆત થઇ હતી. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ પણ આપવામાં આવી હતી. સંવિધાન યાત્રામાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સાથે જોડાયેલા પુર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારના સામેલ હોવાથી આને લઇને કેટલાક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ અને અન્યો પણ આમા પહોંચ્યા હતા. એક દિવસ પહેલા જ યાત્રાના પોસ્ટરો ફાડી નાંખવામાં આવ્યા હતા.

(8:17 pm IST)