Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

નાગરીક બેંક અને બિલ્ડરો સામેની લોન કૌભાંડની ફરીયાદમાં પોલીસને રિપોર્ટ અંગે ખુલાસો કરવા હુકમ

રાજકોટ, તા. ૧૪ :. રાજકોટ નાગરીક સહકારી બેન્ક લી. રાજકોટ તથા બિલ્ડર મેં. બાલાજી ડેવલપર્સના ભાગીદારો વિગેરે આચરેલ લોન કૌભાંડ અંગેની ફરીયાદમાં લોન કૌભાંડની તપાસમાં કોર્ટનો હુકમ હોવા છતાં એસ.ઓ.જી. રાજકોટના પોલીસ ઈન્સ્પેકટરે ખોટો તપાસ રીપોર્ટ કોર્ટમાં રજુ કરતા કોર્ટે એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સ્પેકટરને રૂબરૂ હાજર રહી ખુલાસો કરવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના રહીશ ફરીયાદી વીનુભાઈ વલ્લભભાઈ રાદડીયા, રાજકોટ નાગરીક સહકારી બેન્ક લી. તથા બિલ્ડર મેં. બાલાજી ડેવલપર્સના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારો (૧) અલ્પાબેન રાજેશભાઈ લીંબાસીયા (૨) પરેશભાઈ ભીમજીભાઈ લીંબાસીયા (૩) બાબુભાઈ ભીમજીભાઈ મંડલી (૪) વર્ષાબેન ધર્મેશભાઈ ચુડાસમા (૫) પારૂલબેન મહેશભાઈ લીંબાસીયા તથા અન્યો સામે ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૧૧૪, ૧૨૦-બી વિગેરે મુજબ ફરીયાદ કોર્ટમાં કરેલ.

આ ફરીયાદના કામમા કોર્ટે સી.આર.પી.સી.ની કલમ-૨૦૨ હેઠળ ઉપરોકત લોન કૌભાંડમા આરોપીઓ તથા રાજકોટ નાગરીક સહકારી બેન્ક લી. રાજકોટના જે તે વખતના જવાબદાર અધિકારી તરીકે કોણ ફરજ બજાવતા હતા અને તેમના દ્વારા આ લોન કૌભાંડમાં શું શું કાર્યવાહી કરવામાં આવેલ છે ? તે અંગેનો વિગતવાર તપાસ રીપોર્ટ કોર્ટમાં રજુ કરવા એસ.ઓ.જી. રાજકોટને હુકમ ફરમાવેલ પરંતુ એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સ્પેકટર કે.કે. ઝાલા દ્વારા કોર્ટના હુકમ મુજબ તપાસ કર્યા વિના પોતાનો ખોટો રીપોર્ટ રજુ કરેલ હોય કોર્ટના હુકમ મુજબ તપાસ કર્યા વિના કયા કારણોસર આવો ખોટો રીપોર્ટ કરવામાં આવેલ છે તેનો લેખીત ખુલાસો કોર્ટ રૂબરૂ હાજર રહી કરવાનો હુકમ કરવામાં આવેલ છે.

આ કામના ફરીયાદીના એડવોકેટ તરીકે અરવિંદભાઈ રામાવત તથા રાજુભાઈ દૂધરેજીયા તથા અશ્વિનભાઈ રામાવત રોકાયેલા છે.

(4:11 pm IST)