Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

લોન પેટે આપેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

આરોપીને રૂ.એક લાખ મંડળીને ચુકવવા હુકમ

રાજકોટ તા. ૧૪: સીનીયર સીટીઝનએ લોન પેટે આપેલ ચેક પરત ફરતાં ૧ વર્ષની સજા અને લોનની રકમ એક લાખ ફરીયાદી મંડળીને ચુકવવાનો હુકમ સ્પે. નેગો. કોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલ છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટની સદુરૂ ક્રેડીટ સોસાયટીમાંથી રાજકોટ શહેરમાં મીલપરામાં આવેલ નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત વેપારી ત્રિભોવનરાય જે. ઉનડકટે રૂ. ૧,૦૦,૦૦૦/-ની લોન મેળવેલ જે લોનની રકમ રૂ. ૧,૦૦,૦૦૦/-નો ચેક મંડળીને આપેલ. જે ચેક રીટર્ન થોતાં આરોપીને કાયદાની જોગવાઇ મુજબ લીગલ નોટીસ મોકલેલ. આમ છતાં આરોપીએ લોનની રકમ નહીં ચુકવતાં ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ રાજકોટની સ્પે.નેગો. ઇન્સ્ટ્રુ. એકટની કલમ ૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરેલ.

ફરીયાદમાં રજુ રાખેલ દસ્તાવેજોને ધ્યાને લઇ કોર્ટે આરોપીને હાજર થવાનો હુકમ કરેલ. આરોપી હાજર થયે, આરોપીએ ગુન્હો કબુલ નથી એવા મતલબની જુબાની આપી પોતાના વકીલશ્રી મારફત કેસ આગળ ચલાવેલ અને ફરીયાદી મંડળીના મેનેજરની ઉલટ તપાસ લેવામાં આવેલ.

ત્યારબાદ બન્ને પક્ષ દ્વારા સદર કેસ અંગે દલીલો કરવામાં આવેલ. ફરીયાદીની ઉલટ તપાસ તેમજ ફરીયાદીએ કેસના કામમાં રજુ રાખેલ લોન અંગેના દસ્તાવેજો, ઠરાવ અને ફરીયાદીના વકીલશ્રી દ્વારા કરવામાં આવેલ દલીલ તેમજ સુપ્રિમ કોર્ટના જજમેન્ટસને ધ્યાનમાં રાખી કોર્ટે આરોપી ત્રિભોવનરાય જે. ઉનડકટને તકસીરવાન ઠરાવી ૧ વર્ષની સજાનો હુકમ ફરમાવેલ તેમજ લોન મુજબની પુરી રકમ રૂ. ૧,૦૦,૦૦૦/- ફરીયાદીને ૬૦ દિવસમાં વળતર તરીકે ચુકવવા અને તેમાં કસુર થયે વધુ ર માસની સજાનો હુકમ ફરમાવેલ. આ કામમાં ફરીયાદી મંડળી વતી વિદ્વાન ધારાશાસ્ત્રી અનિરૂધ્ધભાઇએ નથવાણી, હરેશભાઇ સી. ભટ્ટ તથા અજય એન. ચાંપાનેરી, નિરલ રૂપારેલીયા રોકાયેલા હતાં.

(4:11 pm IST)