Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ગોંડલ પાસે 'હિટ એન્ડ રન': બે પદયાત્રી પટેલ મામા-ભાણેજના મોત

હરિ ધવા રોડ, પુનિત નગર, કોઠારીયા ચોકડી પાસે રહેતાં લેઉવા પટેલ મામા-ભાણેજ, બે મિત્રો ગોંડલ અક્ષરધામ મંદિરે પગપાળા માનતા ઉતારવા જતાં'તાઃ સેમળા પાસે સવારે ચારેક વાગ્યે બસનો ચાલક ત્રણ લોકોને ઉલાળીને ભાગી ગયોઃ વાટલીયા અને ગજેરા પરિવારમાં શોકની કાલીમાઃ ઘાનશ્યામભાઇ વાટલીયા (ઉ.૪૬) અને ભાણેજ રાજેશભાઇ ગજેરા (ઉ.૩૬)નો ભોગ લેવાયોઃ રાજેશભાઇ ઉછળીને માથે પડતાં અન્ય મિત્ર પ્રવિણભાઇ ડોબરીયા (ઉ.૪૫)ને મુંઢ ઇજાઃ જેની માનતા હતી તે દિલીપભાઇ (દિપકભાઇ) ખુંટ (ઉ.૪૬)નો ચમત્કારીક બચાવઃ રાત્રે ૯ વાગ્યે સોૈને જય સ્વામિનારાયણ કહી પદયાત્રા શરૂ કરી...પણ કોઇને કયાં ખબર હતી કે બે મિત્રોની આ પદયાત્રા તેમની જિંદગીની અંતિમ યાત્રા બની જશે?!

કાલે હસતાં હતાં જે ચહેરા એ આજે તસ્વીરમાં સિમીત થઇને રહી ગયા... ગોંડલના સેમળા પાસે બસની ઠોકરે મૃત્યુ પામનાર ભાણેજ રાજેશભાઇ બાબુભાઇ ગજેરાનો નિષ્પ્રાણ દેહ પહેલી તસ્વીરમાં અને બાજુમાં તેણે થોડા સમય પહેલા લીધેલી 'સેલ્ફી'માં ફાઇલ ફોટો દેખાય છે. ત્રીજી તસ્વીરમાં મામા ઘનશ્યામભાઇ અરજણભાઇ વાટલીયાનો નિષ્પ્રાણ દેહ અને તેણે લીધેલી 'સેલ્ફી'નો ફાઇલ ફોટો જોઇ શકાય છે. કાલ સુધી જે હસતાં ચહેરા સ્વજનો-મિત્રોની સામે હતાં અને આજે તસ્વીરમાં સિમીત થઇ ગયા છે: અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને લેઉવા પટેલ મામા-ભાણેજના નિવાસ સ્થાન (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૪: જિંદગીની સફરનો અંત ગમે ત્યારે અને ગમે ત્યાં આવી જતો હોય છે. રાજકોટના બે લેઉવા પટેલ મામા-ભાણેજ સાથે આવુ જ કંઇક બન્યું છે. આ બંને અન્ય બે પટેલ મિત્રો સાથે રાત્રે રાજકોટથી ગોંડલ અક્ષરધામ મંદિર (અક્ષર દેરી)એ  પગપાળા દર્શન કરવા જવા નવેક વાગ્યે રવાના થયા હતાં. આજે વહેલી સવારે ચારેક વાગ્યે આ ચારેય લોકો ગોંડલના સેમળા નજીક પહોંચ્યા ત્યારે સગા મામા-ભાણેજને રાજકોટથી ગોંડલ તરફ જતી બસનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં બંનેને રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યા હતાં. ઠોકરે ચડેલા બે પૈકી એક મિત્ર ઉછળીને ત્રીજા મિત્રની ઉપર પડતાં તેને મુંઢ ઇજા થઇ હતી. ચોથા પદયાત્રી કે જેની માનતા હતી તેનો ચમત્કારીક બચાવ થયો હતો. બનાવથી હરિધવા રોડ અને પુનિતનગર પાસે રહેતાં લેઉવા પટેલ પરિવારોમાં અરેરાટી વ્યાપી ગઇ છે અને શોકની કાલીમા છવાઇ ગઇ છે.

ગોઝારા અકસ્માતની જાણવા મળેલી વિગતો મુજબ કોઠારીયા હુડકો ચોકડી પાસે ન્યુ સૂર્યોદય સોસાયટીમાં રહેતાં દિલીપભાઇ (દિપકભાઇ) બચુભાઇ ખુંટ (ઉ.૪૬) નામના લેઉવા પટેલ યુવાનને પગપાળા ગોંડલ સ્વામિનારાયણ અક્ષર મંદિરે પગપાળા દર્શન કરવા જવાની માનતા હતી. ગઇકાલે તેણે પગપાળા દર્શન જવાની વાત અન્ય ત્રણ મિત્રો કોઠારીયા ચોકડી પાછળ ન્યુ રાધેશ્યામ સોસાયટીમાં રહેતાં પ્રવિણભાઇ પોપટભાઇ ડોબરીયા (ઉ.૪૫) તથા હરિ ધવા રોડ પર સરદાર વલ્લભભાઇ પટેલ સોસાયટી-૨માં રહેતાં ઘનશ્યામભાઇ અરજણભાઇ વાટલીયા (ઉ.૪૬) અને પુનિતનગર પાછળ વાવડી પાસે પુનિત પાર્કમાં રહેતાં ઘનશ્યામભાઇ વાટલીયાના ભાણેજ રાજેશભાઇ બાબુભાઇ ગજેરા (ઉ.૩૬)ને કરતાં આ ત્રણેય મિત્રોએ પણ સાથે દર્શન કરવા આવશે તેમ કહેતાં ચારેય રાત્રે નવેક વાગ્યે રાજકોટથી પગપાળા ગોંડલ અક્ષર મંદિરે જવા રવાના થયા હતાં. પણ ત્યારે કોઇને કયાં ખબર હતી કે આ ચારમાંથી બે મિત્રોની પદયાત્રા તેની જિંદગીની અંતિમ યાત્રા બની રહેશે?!

વહેલી સવારે ચારેક વાગ્યે ચારેય મિત્રો ગોંડલના સેમળાના પાટીયા પાસે પહોંચ્યા હતાં. ચારેય રોડની સાઇડમાં ચાલતાં હતાં. સોૈથી આગળ રાજેશભાઇ ગજેરા, તેની પાછળ મામા ઘનશ્યામભાઇ અને તેની પાછળ પ્રવિણભાઇ હતાં. સોૈથી છેલ્લે દિલીપભાઇ (દિપકભાઇ) હતાં. દરમિયાન રાજકોટથી ગોંડલ તરફ જઇ રહેલી બસના ચાલકે રાજેશભાઇ અને ઘનશ્યાભાઇને ઠોકરે ચડાવતાં બંને ઉછળી પડ્યા હતાં. જેમાં રાજેશભાઇ ઉલળીને પાછળ ચાલતાં પ્રવિણભાઇ પર પટકાતાં એ પણ ફેંકાઇ ગયા હતાં. પાછળ ચાલી રહેલા દિલીપભાઇ  (દિપકભાઇ) હજુ કંઇ સમજે એ પહેલા તો બસ ચાલકે બસ ભગાવી મુકી હતી. તે નંબર પણ નોંધી શકયા નહોતાં.

હિટ એન્ડ રનના આ બનાવમાં રાજેશભાઇ અને ઘનશ્યામભાઇને માથા-શરીરે ગંભીર ઇજાઓ થઇ હોઇ બંને બેભાન થઇ ગયા હતાં.  પ્રવિણભાઇને મુંઢ ઇજા પહોંચી હતી. દિલીપભાઇ (દિપકભાઇ) અને પ્રવિણભાઇએ સ્વસ્થ થઇ પોતપોતાના અને ઘનશ્યામભાઇ તથા રાજેશભાઇના પરિવારજનોને જાણ કરી ૧૦૮ બોલાવી હતી. બેભાન હાલતમાં જ રાજેશભાઇ અને ઘનશ્યામભાઇને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે બંને મામા-ભાણેજને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ કાગળો કરી ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. બનાવથી બંનેના પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે. ગોંડલ તાલુકા પોલીસે ટોલનાકાના સીસીટીવી ફૂટેજને આધારે અકસ્માત સર્જી ભાગી ગયેલા બસ ચાલકની શોધખોળ આદરી છે.

ઘનશ્યામભાઇ હીરાઘસુ અને ત્રણ ભાઇ તથા બે બહેનમાં નાના હતાં: રાજેશભાઇ કારખાનેદાર હતાં અને બે ભાઇ તથા બે બહેનમાં મોટા હતાં: સ્વજનો શોકમાં ગરક અંતિમવિધી બંનેના વતન ડેરી વડાળા અને ધુતારપરમાં

અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને પદયાત્રી લેઉવા પટેલ મામા-ભાણેજના મોતથી સ્વજનો, મિત્રો શોકમાં ગરક થઇ ગયા છે. ઘનશ્યામભાઇ વાટલીયા હીરા ઘસી ગુજરાન ચલાવતાં હતાં. તે ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના હતાં. તેમના મોટા ભાઇ વિઠ્ઠલભાઇ સુરત રહે છે અને નાના ભાઇ મનસુખભાઇ કાલાવડના નાની ભગેડી ગામે રહે છે. જ્યારે ભાણેજ રાજેશભાઇ ગજેરા બે ભાઇ અને બે બહેનમાં સોૈથી નાના હતાં અને કારખાનેદાર હતાં. તેના નાના ભાઇ કમલેશભાઇ રાજકોટ જ રહે છે. માતા પાર્વતિબેન તથા પિતા બાબુભાઇ પોપટભાઇ ગજેરા વતન ધુતારપરમાં રહે છે. બંનેના મૃતદેહ અંતિમવિધી માટે તેના વતન ડેરી વડાળા અને ધુતારપર ખાતે લઇ જવાયા હતાં.

કાળનો કોળીયો બનેલા ઘનશ્યામભાઇ અને ભાણેજ રાજેશભાઇ મુળ કાલાવડના ડેરીવડાળા અને ધુતારપરના વતનીઃ

બંનેના ચાર સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી

ગોંડલના સેમળા પાસે હિટ એન્ડ રનમાં કાળનો કોળીયો બનેલા ઘનશ્યામભાઇ વાટલીયા મુળ કાલાવડના ડેરીવડાળાના વતની હતાં. તે હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. તેના માતા ચોથીબેન અરજણભાઇ વાટલીયા કાલાવડના નાની ભગેડી ગામે રહે છે. પિતા હયાત નથી. ઘનશ્યામભાઇના મોતથી એક પુત્રી સેજલ (ઉ.૧૭) તથા એક પુત્ર પ્રિન્સ (ઉ.૧૪)એ પિતાની છત્રછાંયા ગુમાવતાં કલ્પાંત સર્જાયો છે. તેમના પત્નિનું નામ ઇન્દુબેન છે.

જ્યારે મામા સાથે જ મૃત્યુ પામનાર રાજેશભાઇ ગજેરા મુળ કાલાવડના ધુતારપરના વતની હતાં. તેને કોઠારીયા માલધારી ફાટક પાસે સોમનાથ ઇન્ડસ્ટ્રીઝમાં પ્લાસ્ટીકનું કારખાનુ છે. તેના મોતથી એક પુત્રી પ્રિયાંશી (ઉ.૧૨) અને એક પુત્રી વંદન (ઉ.૧૧)એ પિતાની છત્રછાંયા ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. રાજેશભાઇના પત્નિનું નામ રેખાબેન છે.

ચારેય લોકો અવાર-નવાર રાજકોટથી ગોંડલ અક્ષર મંદિરની પદયાત્રા કરતાં:

આ વખતે દિલીપભાઇની માનતા પુરી કરવાની હતી

રાજકોટના ચારેય લેઉવા પટેલ મિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત પ્રણેતા હતાં. અવાર-નવાર તેઓ રાજકોટથી પદયાત્રા કરીને ગોંડલ અક્ષર મંદિરે દર્શન કરવા જતાં હતાં. અગાઉ પણ તેઓ પાંચેક વખત આ યાત્રા કરી ચુકયા હતાં.  આ વખતે હીરાઘસુ દિપકભાઇ બચુભાઇ ખુંટ (રહે. ન્યુ સૂર્યોદય સોસાયટી)ને પગનો દુઃખાવો મટી જતાં પગે લાગવાની માનતા ઉતારવાની હોઇ તેની સાથે બીજા ત્રણ મિત્રો ઘનશ્યામભાઇ, રાજેશભાઇ અને પ્રવિણભાઇ પણ જોડાયા હતાં. સોૈને જય સ્વામિનારાયણ કરીને આ ચારેય મિત્રો રાજકોટથી પોતપોતાના ઘરેથી નીકળી નવેક વાગ્યે ગોંડલ રોડ ચોકડીએ ભેગા થયા હતાં અને ત્યાંથી પદયાત્રા શરૂ કરી હતી. પણ ત્યારે કોઇને કયાં ખબર હતી કે ચારમાંથી મામા-ભાણેજની જિંદગીની યાત્રાનો અકાળે અંત આવી જશે! સવારે ચારેક વાગ્યે ગોંડલના સેમળા પાસે પહોંચ્યા ત્યારે રાજકોટથી બંબાટ ઝડપે ગોંડલ તરફ જઇ રહેલી એક બસનો ચાલક ચાર પૈકીના ઘનશ્યામભાઇ અને ભાણેજ રાજેશભાઇને ઠોકરે ચડાવી ભાગી ગયો હતો. આ બંનેને ગંભીર ઇજાઓ થતાં રાજકોટ ખસેડાયા હતાં. પણ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.  રાજેશભાઇ ઉછળીને પ્રવિણભાઇને માથે પટકાતાં તેને મુંઢ ઇજા પહોંચી હતી.

જીવલેણ અકસ્માત સર્જી ભાગી ગયેલા બસ ચાલકને શોધવા સીસીટીવી ફૂટેજ ચેક કરાશે

અકસ્માત સર્જી બસનો ચાલક ગોંડલ તરફ ભાગ્યો હતો. મામા-ભાણેજ સહિત ત્રણ લોકો ઠોકરે ચડતાં ફંગોળાઇ ગયા હોઇ અને ચોથો મિત્ર થોડે દૂર હોઇ બસના નંબર જોઇ શકાયા નહોતાં. રાજકોટ હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતાં ત્યાંની પોલીસે ટોલનાકાના સીસીટીવી કેમેરા ચેક કરવા અને બસ ચાલકને શોધી કાઢવા તજવીજ શરૂ કરી છે.

બચી ગયેલા બીજા બે પદયાત્રી મિત્રો

અકસ્માતમાં જે બે પદયાત્રી બચી ગયા તે દિલીપભાઇ (દિપકભાઇ) બચુભાઇ ખુંટ (પ્રથમ) અને પ્રવિણભાઇ પોપટભાઇ ડોબરીયા જોઇ શકાય છે. દિલીપભાઇએ પોતાને પગનો દુઃખાવો મટી જતાં પગપાળા જવાની માનતા રાખી હતી. જેમાં બીજા ત્રણ મિત્રો જોડાયા હતાં.

(5:46 pm IST)
  • આણંદના નડિયાદમાં સાડા છ કરોડની છેતરપીંડી : બોગસ બાનાખત બનાવીને કરી છેતરપીંડીઃ વિદ્યાનગર પોલીસે ત્રણ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી access_time 3:53 pm IST

  • દેશમાં આજે ઠેર-ઠેર થઈ રહ્યો છે વેલેન્ટાઇન-ડે નો વિરોધ : હૈદ્રાબાદમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ પુતળા બાળ્યા : ચેન્નાઈમાં ભારત હિંદુ ફ્રન્ટ સંસ્થાએ વેલેન્ટાઇન-ડે ના વિરોધમાં કુતરા ને ગધેડાના લગ્ન કરાવ્યા : અમદાવાદમાં રીવરફ્રન્ટ પર બજરંગ દળના લોકો પ્રેમી યુગલો પાછળ લાકડી લઈને દોડ્યા : પટણામાં વેલેન્ટાઇન-ડે ના વિરોધમાં હિંદુ મહાસભાના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરીને પુતળા સળગાવ્યા હતા. access_time 12:57 pm IST

  • પાકે ફરી કરી નાપાક હરકત : જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં આજે ફરી કર્યું સીઝ્ફાયરનું ઉલંઘન : કર્યું અંધાધુંધ ફાયરીંગ access_time 8:36 pm IST